હવા સાથે પાણીને પણ પ્રદુષિત કરતી માનવજાતિ
માનવ જાતિ પોતાના હઠ માટે પ્રકૃતિને એટલે હદ સુધી પ્રદૂષિત કરી દીધી છે કે, ઑક્સીજન સિલેંડર સાથે લઈને જીવાનો વારો આવી ગયો છે. માનવ હવા સાથે નદીઓમાં પણ પ્રદુષણ ફેલાવી રહ્યો છે. પોતાના ધર્મ અને દેશમાં જે નદીઓને માં નામ થી ઓળખાએ છે જેની લોકો પૂજા કરે છે તે જ નદીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જૂની ગુજરાતી ફિલ્મોમાં એક સમય હતુ, જ્યારે કહવામાં આવતા હતા. ભાદર તારા વહેતા પાણી, શેતલને કાંઠે, મહીસાગરને આરે…પણ હવે શુ, હવે જોવા જઈએ તો તે નદીઓના પાણી શુદ્ધ નથી રહ્યો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની નદીઓ પર બનેલી ફિલ્મો જોઈએ તો કદાચ અમને ખબર પડે કે અમે લોકો શુ પાપ કર્યુ છે. કંચન જેવો વહેતા પાણી આજે કીચડ બની ગયા છે. ગુજરાતની ત્રણ પ્રમુખ નદીઓ નર્મદા,મહીસાગર અને તાપીના બાદ કરતા મોટાભાગની નદીઓ નવ મહીના સુધી સૂકી ભંઠ જોવા મળે છે. આ નદીઓમાં ફેક્ટરીઓના કચરા અને માનવે ફેંકેલા કચરાથી પાણી દૂષિત થઈ ગયા છે, ખળ – ખળ વહેતા નદીના પાણી સુકાઈ ગયા છે, નદીઓમાં ઝેરી કેમિકલ યુક્ત ઔદ્યોગિક પ્રદૂષણને અટકાવવા માટેના ગંભીર પ્રયાસોનો સતત અભાવ વર્તાય છે.
કડક કાર્યવાહીના અભાવે આ પરિસ્થિતિ
ગુજરાતની જીવાદોરી અને લોકમાતા સમાન ગણાતી અનેક નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. વિશ્વામિત્રી, સાબરમતી , ભાદર કે પૂર્ણા જેવી અનેક નદીઓ પ્રદૂષિત થઈ છે. જીપીસીબીને જાણે નદીઓને સ્વચ્છ રાખવામાં રસ જ ન હોય એવું લાગી રહ્યું છે. અનેક નદીઓમાં દૂષિત પાણી ભળી રહ્યા છે. જેના કારણે લોકોને પ્રદૂષિત પાણી પીવું પડી રહ્યું છે. આખા ગુજરાતમાં આ સ્થિતિ છે. તો સવાલ એ છે કે, શું આ સ્થિતિ કોઈને દેખાતી નથી? કે પછી જાણી જોઈને આ કિસ્સાામં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?
રાજ્યની અનેક નદીઓમાં વહી રહ્યા છે દુષિત પાણી
વાત કરવામાં આવે તો ,તાલાલા ગીરની હિરણ નદી પ્રદૂષિત થઈ હોવાથી ફીણની ચાદર અનેક વખત છવાઈ જાયછે. હિરણ નદીમાં શહેરનું કેમિકલ યુક્ત ગટરનું ગંદુ પાણી છોડાઈ રહ્યું છે અને તેના કારણે આ સ્થિતી સર્જાતી હોય છે. જૂનાગઢ જિલ્લામાં આવેલી ભાદર નદી જસદણ પાસે એકદમ સુરક્ષિત છે. પરંતુ આ નદી જેમ જેમ જેતપુર પાસેથી આગળ વધે છે. તેમ તેમ નદી વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ અને હાનિકારક કેમિકલો ખૂબ જ ચિંતાજનક રીતે વધ્યા હોવાનું જોવા મળ્યું છે. ગોધરા શહેર સહિત જિલ્લામાંથી પસાર થતી મેસરી નદીની છેલ્લા ઘણા વર્ષોથી દુર્દશા થઈ રહી છે છતાં આજ દિન સુધી તંત્રના પેટના પેટનું પાણી હલતું નથી. રાજકોટની જીવાદોરી સમાન આજી નદીમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરની ખાડીનું ગંદુ પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે. રાજકોટના જેતપુરની ભાદર નદીમાં વર્ષોથી સાડી ઉદ્યોગના પાણી ઠલવાઈ છે. વલસાડની ઔરંગા નદીમાં ડ્રેનેજનું પાણી સીધેસીધું ઠાલવવામાં આવે છે. જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતી અને રાજાશાહી વખતની રંગમતી નદી અતિ પ્રદૂષિત હાલતમાં જોવા મળી રહી છે. નવસારીની પૂર્ણા નદીમાં પણ શહેરનું ડ્રેનેજનું દૂષિત પાણી અને GIDC ની કંપનીઓમાંથી કેમિકલયુક્ત અનટ્રીટેડ પાણી છોડાતા પ્રદૂષિત થઈ રહી છે. પાલીતાણા શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કીમ નદી પ્રદૂષિત પાણીના હવાલે થઈ ગઈ છે. રોજનું લાખો લીટર કીમ પ્રદૂષિત પાણી જીઆઈડીસીની ડાઈંગ મિલોમાંથી કીમ નદીમાં છોડાય રહ્યું છે છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આઉટ ઓફ કંટ્રોલ થઈ ચૂક્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદી પ્રદૂષિત થતી હોવાની અનેકવાર રાવ ઉઠે છે. ઇતિહાસકારો અને પર્યાવરણ પ્રેમીઓ આ બાબતે ચિંતિત પણ છે. તાપી જિલ્લાના કેટલાક ગામોમાં ફેકટરીઓમાંથી દુષિત પાણી છોડાઈ રહ્યું છે. આ દુષિત પાણી ખાડી વાટે સીધું તાપી નદીમાં પહોંચે છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજના પાણી ઠલવાઇ રહ્યા છે.ગટરનું પાણી ઓરસંગ નદીમાં છોડવામાં આવતા પીવાનું પાણી ભેગું થઇ જાય છે.
પ્રદુષિત નદીઓ વચ્ચે લુપ્ત થતા તળાવો
નદી સાથે તળાવોની વાત કરીએ, તો તળાવોની હાલત નદીઓ કરતા વધુ દયનિય છે. રાજ્યના મોટાભાગના તળાવો સુકાઈ ગયા છે તો કેટલાક તળાવો ઉપર કાયદાની આંટીઘૂંટીમાં બાંધકામ કરી પુરી દેવાયા છે. ઘણા તળાવોમાં તો જળચર જીવો નામશેષ થઇ ગયા છે. સરકાર કેટલાક તળાવમાં પાણી ભરવા મથામણ કરે છે. પણ તળાવને કુદરતી ઓપ મળી રહ્યો નથી. કેટલાક વર્ષોની સરખામણી કરીએ તો, અઢળક તળાવો ગાયબ થઇ ગયા છે એ પણ એક કડવું સત્ય છે. માંડ બચેલા તળાવ પણ માનવજાતિ દુષિત કરે છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર 2005માં 44138 તળાવો હતા, અને સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જળાશયોમાં સુધારાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
13 નદીઓ પ્રદૂષણ મુક્ત કરવા સરકારનો દાવો
વર્ષ 2023 સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર દેશની સૌથી પ્રદૂષિત નદીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ચેન્નઈની ખૂબ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતની સાબરમતી નદી બીજા નંબરે સૌથી પ્રદૂષિત નદી છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય 11 નદીઓ પણ પ્રદૂષિત નદીઓ જાહેર કરવામાં આવી હતી જેમાં ભાદર, ભોગાવો ,દમણ ગંગા, ખારી, મહી,તાપી, શેઢી, વિશ્વામિત્રી, ભૂખી, અમલખાડી જેવી નદીઓનો સમાવેશ થયો છે. વર્ષ ૨૦૨૨માં જાહેર કરેલ રિપોર્ટ મુજબ ફક્ત ૧૩ નદીઓ જ બાકી રહી છે. જેને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ૧૩ નદીઓ પણ પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે, સરકાર સાબરમતી સહિત તમામ નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા કટીબદ્ધ છે એવું રાજ્યના પર્યાવરણ પ્રધાને જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં નદીઓના મહત્વ અને સંરક્ષણને દર્શાવવા માટે 14મી માર્ચના રોજ ‘ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
BY KALPESH MAKWANA ON NOVEMBER 27, 2024