Categories: Magazine

વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ?

વિશ્વામિત્રી નદી ક્યારે સુંદર બનશે ?

વિશ્વામિત્રીની વાત આવે એટલે “આ લાંબાગાળાનું આયોજન” જણાવી અનેક નિવૃત થઇ ગયા

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની વાત આવે એટલે લોકોને દુર્ગંધ મારતું કાળું પાણી યાદ આવે એ સ્વાભવિક છે. પરંતુ નદી પ્રદુષિત થવા પાછળ કાળા માથાનો માનવી જવાબદાર છે. આજે વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી ઉદ્યોગો છોડી રહ્યા છે. નગરોના ડ્રેનેજના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીના તટમાં કાટમાળ સાથે કચરો ઠલવાઇ રહ્યો છે. પર્યાવરણ બચાવવાની વાતો કરતું સરકારી નદીની ગંદકીનો નિવેડો લાવી શક્યું નથી. હા, વિશ્વામિત્રી ડેવલોપમેન્ટ માટે વિવિધ પ્રોજેક્ટની વાતો એટલા માટે થતી હોય છે કે, ભાગબટાઈ થાય. અગાઉ વિશ્વામિત્રી નદીના સર્વે અને શુદ્ધિકરણના નામે લાખો રૂપિયા ઓહિયો થઇ ગયા છે. આજે પણ આ પરંપરા પાલિકાના હોદેદારો અને ચૂંટાયેલી પાંખના નેતાઓ આગળ ધપાવી રહ્યા છે. જો, વિશ્વામિત્રી નદીને પુનઃ જીવંત બનાવવી હોય તો નદીની આસપાસના દબાણો યુદ્ધના ધોરણે દૂર કરવા જોઈએ. પાણી ડ્રેનેજના જોડાણ બંધ કરવા જોઈએ. કચરો – કેમિકલ ઠલવાય તો નોટિસની રમતો બંધ કરી એવો દાખલો બેસાડવો જોઈએ કે, બેદરકારોમાં કાયદાનો ડર રહે.

વિશ્વામિત્રી નદી પાવાગઢ થી નીકળી ખંભાતના સમુદ્રને મળે છે.

વિશ્વામિત્રી નદી પાવાગઢ થી નીકળી હાલોલ થઈ દક્ષિણ પશ્ચિમમાં વડોદરા શહેરની વચોવચ વહી આગળ ઢાઢર નદીને મળી ખંભાતના સમુદ્રને મળે છે. નદીની નૈસર્ગિક સ્વરૂપની સુંદરતા અને સ્વચ્છતા હાલોલ પહેલા જોવા મળે છે. ત્યારબાદ જેમ નદી આગળ વધે છે તેમ તેની અંદર કચરો ઉમેરાતો જાય છે. નદીના કિનારા ઉપર રહેતા લોકો અને ઉદ્યોગો નદીના જળને પ્રદૂષિત કરે છે.આ નદી આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ સમાવે છે. વડોદરાના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં વડોદરાના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે. વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે. તેમ છતાં આ નદી 450થી વધુ મગરનું ઘર છે.

આજવા અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં ભળે છે

વિશ્વામિત્રી નદી બે મુખ્ય સરોવર સાથે પણ સંકળાયેલી છે. આજવા ડેમ બંધ ૨૦મી સદીની શરૂઆતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવ્યો હતો. આ બંધનો ઉદ્દેશ વડોદરા શહેરને પાણી પૂરું પાડવાનો છે. આ બંધની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૨૧૧ ફૂટ છે અને તેની લંબાઈ ૫ કિ.મી. છે તેમાં ૬૨ દરવાજા છે અને તે સીધા વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલા છે. વિશ્વામિત્રી નદી મોસમી નદી હોવાથી જરૂર પડે ત્યારે તેમાં પાણી ભરવા સરદાર સરોવરની એક નહેર જરૂરી છે. જયારે પ્રતાપપુરા સરોવરનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું છે. તેને પ્રતાપસિંહ જળાશય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સરોવર બનાવવાનો મુખ્ય હેતુ આજવા જળાશયમાં પાણી પહોંચાડવાનો છે. આ સરોવર પર ૭ દરવાજા છે જેમાંથી ૩ દરવાજા વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલા છે. જ્યારે પણ આજવા જળાશય ભરાઈ જતા કટોકટી સર્જાય છે, ત્યારે વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં મોકલવામાં આવે છે.

નદીના શુદ્ધીકરણ માટે પ્રોજેક્ટ ફંડિંગ ફાળવવા અંગેની દરખાસ્ત

વડોદરા શહેરના મુખ્ય માંથી અંદાજે 17 કિલોમીટરની લંબાઇની વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વડોદરાના કેટલાક સ્થળોએથી અલગ અલગ કારણોસર ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રી નદીમાં ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવે છે. આ જોડાણો બંધ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને અધીન સરકારની વિવિધ મળતી ગ્રાન્ટ પેટે એસ.ટી.પી .એ પી એસ અને ડ્રેનેજ નેટવર્ક ની કામગીરી કરવામાં આવી રહી છે .જે માટે નાણાંકિય ભંડોળની આવશ્યકતા ઉદભવી હતી . કેન્દ્ર સરકારની નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન ( એન આર સી પી) અંતર્ગત શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પોલ્યુશન રોકવા માટે જરૂરી કામગીરી માટે એન આર સી પી અંતર્ગત નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા તેમજ નદીના શુદ્ધીકરણ માટે પ્રોજેક્ટ ફંડિંગ ફાળવવા અંગેની યોજના સંદર્ભે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી અંગેની દરખાસ્ત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને મોકલવામાં આવી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સી પી સી બી) દ્વારા પ્રાથમિક પ્રાયોરિટી ધોરણે વડોદરા થી આસોજ સુધીનો પ્રપોઝલ રજૂ કરવા જણાવ્યું હતું . અત્રે નોંધનીય છે કે ,વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા સુવેઝના પાણી બંધ કરવા અંદાજે 551 કરોડના ખર્ચની શક્યતા દર્શાવી હતી . આ એન આર સી પી યોજના માં 60 ટકા રકમ કેન્દ્ર સરકાર , 10 ટકા રકમ રાજ્ય સરકાર અને 30 ટકા રકમ મહાનગરપાલિકા ભોગવશે.

અધિકારી – હોદેદારને સજા થાય ખરી ?

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને છેલ્લા કેટલાક વર્ષોથી ગટર બનાવી દેવામાં આવી છે. તેમાં કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ અંગે થોડા સમય પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પણ વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને તેમાં રહેતા જળચર પ્રાણીઓનો બચાવ કરવા આદેશ કર્યો હતો .ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ અવારનવાર નોટિસો આપી હતી. તાજેતરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ફરી એકવાર કોર્પોરેશન નું ધ્યાન દોર્યું છે. અને વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી ઠાલવવાનું બંધ કરવામાં નહીં આવે તો અધિકારીને કાયદાકીય જોગવાઈ મુજબ જેલની પણ સજા થઈ શકે છે તેવી જાણ કરવામાં આવી છે.

ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન થકી નદીમાં પ્રવેશતા ડ્રેનેજના પાણી રોકવાની વાતો

વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું આયોજન હતું . જેમાં જી.આઇ.પી.સી.એલ. સર્કલથી સમા ઓલ્ડ એ.પી.એસ. સુધી , સલાટવાડા ચાર રસ્તા થી બહુચરાજી એ.પી.એસ સુધી, વુડા સર્કલથી મુક્તાનંદ થઇ ચંદ્રાવલી ચાર રસ્તા સુધી , જલારામનગર, સહયોગનગર વિસ્તારમાં , જી.આઇ.ડી.સી. રોડ અલવાનાકાથી કોતર તલાવડી જંકશન સુધી , સનસીટી સર્કલ તરફથી પ્રમુખ પ્રસાદ ચાર રસ્તાથી વિશ્વામિત્રિ સ્ટેશન તરફ , દરજીપુરા , મીરા સોસા. જંકશન પાસે નવાયાર્ડ રોડ, સરદારનગર સોસાયટી પાસે , સાધનાનગર રોડ ચેપીરોગના દવાખાના પાસે , વડસર બ્રીજ જી.આઇ.ડી.સી. રોડ જ્યુપીટર ચાર રસ્તા તરફ ,સરસ્વતી ચાર રસ્તાથી કોતરતલાવડી જંક્શન સુધી ત થા આજવા રોડનો સમાવેશ થાય છે. જ્યારે માંજલપુર સ્મશાન પાસે APS તથા નેટવર્કની કામગીરી, સમા સંજયનગર ફતેબાગ સોસાયટી પાસે ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી, કોટેશ્વર વિસ્તારમાં APS/ ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી , હરણી વિસ્તારમાં APS તથા નેટવર્કની કામગીરી, ખારી તલાવડી વિસ્તારમાં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રકચરની કામગીરી , સમા ભરવાડવાસ વિસ્તારમાં એ.પી.એસ. તેમજ નેટવર્કની કામગીરી , ફતેગંજ વિસ્તારમાં એ.પી.એસ., ડ્રેનેજ ગ્રેવિટી લાઇન તથા પ્રેશર લાઇનની કામગીરી તથા જેલ રોડથી વિશ્વામિત્રી નદી તરફના ડ્રેનેજ સુવિધા વિહિન વિસ્તારમાં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરાશે. આમ, વડોદરા કોર્પોરેશન આ પ્રોજેક્ટ થકી વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા ડ્રેનેજના પાણી બંધ કરશે.

નદીમાં ડ્રેનેજના પાણી છોડવા જ હોય કરોડો રૂપિયાના વેડફાટનો મતલબ નથી

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ છેલ્લા 10 વર્ષમાં 62 કરોડ જેટલી માતબર રકમ એજન્સીઓને આપીને જનતાના વેરાના નાણાંનો ભ્રષ્ટાચાર રાજકારણીઓ અને અધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે. જો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમા નીતિ નિયમ મુજબ શુદ્ધ કરવાના કોઈ સાધનો નથી તો પછી ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાના વેડફાટનો મતલબ નથી . અગાઉ પણ ક્રોકોડાઈલ પાર્ક તથા વિશ્વામિત્રી રિવર ફ્રન્ટના નાણાંનો હિસાબ નથી. ત્યારે જવાબદાર તમામ અધિકારીઓ સામે તાત્કાલિક વિજિલન્સ તપાસ સાથે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ખૂટતા તમામ સાધનો વિકસાવવા જોઈએ. આ ઉપરાંત વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને નદીના કોતર કાંઠા પર રહેતા લોકો ગટરનું ગંદુ પાણી છોડીને નદીને પ્રદુષિત અને ગંદી કરે છે. અને તેના લીધે નદી મચ્છરો અને ગંદકી પેદા કરતું મોટું કેન્દ્ર બની ગઈ છે, ત્યારે વડોદરા કોર્પોરેશને નદી કાંઠાના રહેતા લોકોને નોટિસો આપવાનું શરૂ કર્યું હતું. આ વાતને 24 મહિનાનો સમય વિત્યો છતાં કોર્પોરેશનની હજુ સુધી કોઇ ઠોસ કાર્યવાહી સામે આવી નથી.

સર્વે , સફાઈ, ડી.પી.આર. , સહિતના ઓથા હેઠળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે

વર્ષ 2015 16 દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્પેશિયલ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળ 1350 કરોડ ખર્ચનો અંદાજ હતો. જે માટે રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળતા વડોદરા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપનીની રચના માટેની કામગીરી હાથ ધરી હતી. નદીના કિનારે લેન્ડસ્કેપિંગ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડનિંગ, ક્રોકોડાઇલ રેફ્યુજી સેન્ટર, નવા રસ્તા , કોમર્શિયલ ડેવલપમેન્ટનો સમાવેશ થતો હત. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નદીની સ્વચ્છતા, આરોગ્યપ્રદ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવવાની સાથે નવીન લીંક રોડ , નવી ટ્રાન્સપોર્ટ સુવિધા અને પ્રોજેક્ટમાં કોમર્શિયલ ડેવલપમેન્ટ થકી રેવન્યુ જનરેટ કરવાનો હતો. સાથે પ્રવાસન તરીકે પણ સ્થળને વિકસાવવાનો દાવો હતો. જ્યારે નદીમાં વહેતા મલિન જળને કેવી રીતે ડાયવર્ટ કરવું તેનો પણ તખ્તો ગયો હતો. આજે પણ વડોદરા કોર્પોરેશન સર્વે પાછળ નાણાનો ખર્ચ કરી રહી છે. નદીમાં ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણ કટ કરવાના દાવા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી. વરસાદી કાંસોમાં પણ ડ્રેનેજના જોડાણ થતાં તે પાણી પણ વિશ્વામિત્રીમાં ભળી રહ્યા છે.

આ પ્રોજેક્ટ પડતો મૂક્યા બાદ તે દિશામાં કોઈ વિચારણા હાથ ધરી નથી

વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. જેથી વર્ષ 2016 17 દરમિયાન વિશ્વામિત્રી નદી કિનારે નવલખી ગાર્ડન પાસે ક્રોકોડાઇલ પાર્ક ઉભો કરવાનું ભૂત પણ ધૂણ્યું હતું. બગીચા સાથે ક્રોકોડાઇલ પાર્ક બનાવવા રાજ્ય સરકારે ૬૬ એકર જમીન ફાળવણીનો હુકમ પણ કર્યો હતો. અને દાવો કર્યો હતો કે, ક્રોકોડાઇલ પાર્કના કારણે સમગ્ર રાજ્ય અને દેશમાં વડોદરાની ખ્યાતિમાં વધારો થશે જે શહેરના વિકાસ માટે મહત્વનું સોપાન સાબિત થશે.

વિશ્વામિત્રી નદીમાં પ્રદુષણનું પ્રમાણ જળચર જીવો માટે જોખમી

જીવદયા પ્રેમીઓના અભ્યાસ મુજબ , વર્ષ 2015 દરમ્યાનવિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 300 જેટલા મગરો નોંધવામાં આવ્યા હતા. હાલ વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ મગરોની સંખ્યા 450થી વધુ છે. નર મગર વધુમાં વધુ 20 ફૂટની લંબાઈ સુધી વધે છે. નર મગરનુ અંદાજીત વજન 1000થી 1500 કિગ્રા જેટલુ હોય છે. માદા મગરોની સંખ્યા ખૂબ ઓછી જણાઇ છે. માદા મગર ભાગ્યે જ 9.8 ફૂટ લંબાઇ ને વટાવે છે. શહેરની વચ્ચોવચથી પસાર થતી આ નદી એટલી ઊંડી છે કે મગરો માટે તે એક સરળ આશ્રયસ્થાન બની જાય છે. બીજી તરફ એક કારણ મધ્ય ગુજરાતની આબોહવા છે, જે મગરોના પ્રજનન માટે ખૂબ સાનુકુળ છે. આ મીઠા પાણીના મગરો છે અને વિશ્વામિત્રી નદીનો સંરક્ષિત કરાયેલો હરિયાળો પટ તેમના પ્રજનન અને ઈંડા આપવા માટે એક સાનુકુળ વાતાવરણ પૂરું પાડે છે

શિવલિંગ પર અભિષેક કરતા પાણીની ધાર નીકળી તે આજની વિશ્વામિત્રી નદી

વડોદરાની ઓળખ પવિત્ર વિશ્વામિત્રી નદી છે. ઋષિ વિશ્વામિત્રના નામથી જાણીતી આ નદીનો એટલો પવિત્ર મહિમા છે કે વિશ્વામિત્ર ઋષિએ આ નદીના ઘાટ પર બેસીને ગાયત્રી મંત્રની રચના કરી હતી. વડોદરામાં શંકરવન આવેલ હતું અને પાવાગઢથી પેલી બાજુ હિડંબાવન હતું. વિશ્વામિત્ર ઋષિએ જે છોટી કાશી બનાવી તે કાયાવરોહણમાં બનાવી હતી. આ ઐતિહાસિક કાયાવરોહણ, વડોદરા અને ત્રિશંકુનું મહત્વ અને સાથે સાથે કામનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે કે જ્યાં મેનકાએ વિશ્વામિત્ર ઋષિનો તપોભંગ કર્યો હતો આ એ ભૂમિ છે. એટલે ઇતિહાસ અને ધર્મ સાથે જોડાયેલ આ શહેર છે. આ શહેરમાં વડોદરાનું રક્ષણ કરનાર નવનાથ મહાદેવ પણ બિરાજમાન છે.કહેવાય છે કે વડોદરાનો દ્વાપરયુગથી ઇતિહાસ જળવાયેલો છે. અયોધ્યાના રાજા નિર્બલના પુત્ર ત્રિશંકુ સાથે પણ વડોદરાની એક લોકવાયકા જોડાયેલી છે. ઋષિએ શિવલિંગ પર અભિષેક કરતા પાણીની ધાર નીકળી તે આજની વિશ્વામિત્રી નદી છે.

 

BY KALPESH MAKWANA ON DECEMBER 09,2024

City Updates

Share
Published by
City Updates

Recent Posts

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…

15 hours ago

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો?

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…

16 hours ago

ગુજરાત સરકારની ‘મારી યોજના’ પોર્ટલ: 680 યોજનાઓની માહિતી

આંગળીના ટેરેવે 680 સરકારી યોજનાની મેળવો માહિતી આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે…

2 days ago

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે…

2 days ago

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ ગુજરાતએ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે.…

3 days ago

એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ

એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ  વિકાસમાં વિઘ્નરૂપ બનતા રાજકારણના ડખા વડોદરા…

3 days ago