વડોદરાનું કોટંબી સ્ટેડિયમ વિશ્વ સ્તરે ચમકવા તૈયાર
વડોદરા શહેર નજીક ભવ્ય કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર થઇ ચૂક્યું છે. બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા 215 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવ્યું છે 22 ડિસેમ્બરથી ભારત -વેસ્ટ ઈન્ડીઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝ યોજાનાર છે. 22 , 24 અને 27 ડિસેમ્બરે આ 3 મેચ રમાવવાની છે.આ સિરીઝની ટિકિટોનું ઓનલાઇન વેચાણ હાલ થઈ રહ્યું છે. અહીં પ્રિન્ટ કાઢેલી ટિકિટ ચાલશે નહીં. આ સિરીઝમાં 110ના દરની 2000 ટિકિટ અને 1340 રૂપિયાના દરની 200 ટિકિટનું વેચાણ કરવામાં આવનાર છે.
આ સ્ટેડિયમમાં ડ્રેસિંગ રૂમ, બીસીએ પ્રેસિડેન્ટ બોક્સ, કોમેન્ટેટર બોક્સ, મીડિયા બોક્સ અને સ્ટુડિયો સાથે સ્ટેડિયમમાં 35 જેટલા કોર્પોરેટ (લક્ઝરી) બોક્સ પણ છે. જે 10થી 15 વર્ષ સુધી કોન્ટ્રાક્ટથી ખરીદી શકાય છે. દર્શક સ્ટેડિયમમાં કોઇપણ જગ્યાએ બેસે તો 360 વ્યૂ મળશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઈન્ડોર પ્રેક્ટિસ માટે 5 વિકેટ , ફર્સ્ટ ફ્લોર પર 100 બેઠકનો પ્રેસ કોન્ફરન્સ હોલ, સેકન્ડ ફ્લોર 170 મીડિયાકર્મી બેસી શકે તેવું બોક્સ, થર્ડ ફ્લો૨ ૫૨ 6 કોમેન્ટેટર બોક્સ અને સ્ટુડિયો રૂમ, દરેક ફ્લોર પર વાઈફાઈ ઉપરાંત રેસ્ટ રૂમની સુવિધા છે.આ ઉપરાંત પ્લેયર્સ માટે ઇન્ડોર સ્વિમિંગ પુલ અને જીમ,ઈન્ડોર પ્રેક્ટિસ માટે 5 વિકેટ, ફિઝિયો અને મેડિકલ રૂમ, મેચ પહેલા વોર્મ અપ એરિયા, આઈસ અને હોટ વોટર બાથ, ટીવી, પ્રોજેક્ટર અને લોકર રૂમ, કિચન અને ડાઈનિંગ એરિયા, 2 ફુલ્લી ઈક્વિપ્ડ ડ્રેસિંગ રૂમ સહિતની સુવિધાઓ મળશે. સ્ટેડિયમની અન્ય ખાસિયતોની વાત કરીએ તો, સેંકડો સોલાર પેનલ અને બે આર્ટિફિશિયલ પોન્ડ, વ્હીલચેર સ્ટેડિયમાં ટોપ લેવલ સુધી જઈ શકશે, 1.2 મીટરના એલિવેટર, વોટર કન્ઝર્વેશન સિસ્ટમ, ટેનિસ અને વોલિબોલ ગ્રાઉન્ડ, સેટેલાઈટ અપલિંક યાર્ડ, ગ્રાઉન્ડમાં 2 વિશાળ LED સ્ક્રિન, ભવ્ય એન્ટ્રન્સ-એક્ઝિટ, દિવ્યાંગો માટે એલિવેટર્સ- રેમ્પસ, સિક્યોરિટી કંટ્રોલ સેન્ટરનો સમાવેશ થાય છે.
વડોદરામાં 14 વર્ષથી ઈન્ટરનેશનલ મેચનો દુકાળ હોય તેમ વડોદરામાં છેલ્લી મેચ 4 ડિસે.-2010ના રોજ ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે રિલાયન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમના અભાવે વડોદરાને મેચ મળી ન હતી. હવે કોટંબીના સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ વનડે મેચ રમાશે. આ મેદાન બનાવવા માટી ગણદેવીથી લાવવામાં આવી છે. BCCI અને ICCના નિયમ મુજબ સેન્ડ બેઝ ગ્રાઉન્ડ, ત્રણ લેયરની વિકેટ , 90 યાર્ડ લાંબી બાઉન્ડ્રી, મેદાન પર બર્મુડા ઘાસ, પ્રેક્ટિસ માટે મુખ્ય સહિત અન્ય બે 2 નાના ગ્રાઉન્ડ, લાલ અને કાળી માટીમાંથી બનેલી 11 પ્રેક્ટિસ વિકેટનો પણ સમાવેશ થાય છે.
આ સ્ટેડિયમમાં 35 હજારથી વધુ ક્રિકેટ રસીકો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વીઆઈપીઓ માટે પણ ખાસ ડોમની વ્યવસ્થા ઉભી કરાઈ છે અત્યાર સુધી વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેચો રિલાયન્સના મેદાન ખાતે રમાતી હતી. જે બાદ બીસીએ દ્વારા પોતાનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર કર્યું છે. મુંબઈમાં રિલાયન્સ સ્ટેડિયમ બાદ કોટંબી સ્ટેડિયમ ભારતનું બીજું એવું સ્ટેડિયમ છે. જયાં ડીએમએક્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. મેચ નિહાળવા માટે કોઈ વીઆઈપી આવશે ત્યારે તેમના નામની સાથે ફફ્લડ લાઈટ પર વેલકમ લખાઈને આવશે. ડે-નાઈટ મેચ માટે વિશાળ ચાર ફ્લડ લાઈટ્સ લગાડવામાં આવી છે. જેમાં 400 એલઇડી બલ્બ લગાવાયા છે.
BY KALPESH MAKWANA ON DECEMBER 19, 2024