ખ્યાતિ હૉસ્પિટલ કાંડ
બ્લોકેજ ન હોવા છતાં 90 ટકા બ્લોકેજ દર્શાવી ઑપરેશન કરી નાખ્યા
જાણ કર્યા વિના જ 19ની એન્જીયોગ્રાફી, હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીના મોત
કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. એમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને એમાંના 2 દર્દીનાં મોત થઈ ગયાં છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી. ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો જુદા જુદા તાર ખુલી રહ્યાં છે. તો બીજી તરફ કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને યુ એન મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા .
– ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખુલાસો માગ્યો
ખ્યાતિ હોસ્પિટલમાં બનેલા બનાવ સંદર્ભે ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો છે. તો આ વિગતે જરૂરી ખુલાસા આપવા દર્દીઓની સારવારના તમામ કાગળ, દસ્તાવેજો, રિપોર્ટ તથા અન્ય પુરાવા સાત દિવસમાં મોકલી આપવા રહેશે. ખ્યાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડિડ, માલિકનું નામ તથા હોસ્પિટલ ખાતે કામ કરતા ડોક્ટરોના તમામ સર્ટિફિકેટની નકલ સહિતના દસ્તાવેજો પણ મોકલી આપવાના રહેશે.
– ખ્યાતિ હોસ્પિટલ મામલે નીતિન પટેલનું નિવેદન
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે , કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેમના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતીકાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, એવું જણાવ્યું હતું. ગઈકાલે 19થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને મોટા ભાગના દર્દીઓને સીધા હૃદયરોગના દર્દીઓ ગણીને તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતાં લાગે છે કે જરૂરિયાત વગરનાં બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યાં છે.
– PMJAY યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી વધુ એન્જીયોગ્રાફી
2023ના કેગના રિપોર્ટમાં પણ સામે ગેરરીતિ આવી છે, 2022 સુધીમાં PMJAY યોજના હેઠળ હોસ્પિટલોને 3507 કરોડ ચુકાવાયા છે. 2022 સુધીમાં 14 લાખ 12 હજાર 311 દર્દીઓને PMJAYથી સારવાર લીધી હતી .જાન્યુ, 2021થી માર્ચ 2021 સુધીમાં ઓડિટર્સે 50 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેગના રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં બેડની સંખ્યાની કરતા સારવાર લેનારની સંખ્યા વધુ છે.
– દર્દીઓને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી કે કેમ ?
U N મેહતા હોસ્પિટલના RMO દુષ્યંત ભટ્ટએ જણાવ્યું કે, હાલ 15 દર્દીઓ આવ્યા છે. કાર્ડીલોજિસ્ટ હેઠળ સારવાર ચાલી રહી છે. વધુમાં કહ્યું કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી તમામને લાવવા આવ્યા છે. દર્દીઓની પ્રાથમિક તપાસ થશે તેમજ નિષ્ણાત ડોક્ટરના કહ્યા મુજબના ટેસ્ટ થશે. 1 દર્દીને શ્વાસની તકલીફ છે સારવાર ચાલુ છે. 14 દર્દીઓની હાલત અત્યારે સારી છે. દર્દીઓને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી કે કેમ તે મામલે તપાસ થશે, જેને લઈ તમામ દર્દીઓને રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાશે
– ખ્યાતિ હૉસ્પિટલ કાંડને લઈ સરકાર એક્શનમાં
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડને લઈ સરકાર એક્શનમાં છે. ડૉક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે. સરકાર તરફથી સોલા સિવિલના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા હતા. વસ્ત્રાપુર પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બી.એન.એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1), 340 (2), 318, 61 કલમ હેઠળ એફ આઈ આર નોંધવામાં આવી છે. કડી પોલીસ મથકમાં પણ બે અલગ અલગ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે. બંન્ને મૃતક દર્દીના સ્વજનોએ ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરી છે.
– હોસ્પિટલન PMJAY યોજનામાંથી રદ
ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાઈ છે. તો ઑપરેશન કરનાર ડૉક્ટરો પણ ઑપરેશન કરી શકશે નહીં. જે 7 વ્યક્તિનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ન હોવાનો પણ ખુલાસો થયો છે તેમ છતાં ખ્યાતિ હોસ્પિટલે પેપર તૈયાર કરી 90 ટકા બ્લોકેજ હોવાનું દર્શાવી ઑપરેશન કરી નાખ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે ડોક્યૂમેન્ટ બનાવ્યા હતા એ તમામ ખોટા હતા. આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મુકવામાં આવેલ તેમની એન્જિયોગ્રાફીના ફીજીકલ ફાઇલની અંદરના રીપોર્ટ અને એન્જિયોગ્રાફીની સી.ડીમાં પણ વિસંગતતા આવી હતી. રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ બતાવવામાં આવ્યું છે તેવું બ્લોકેજ સી.ડી.માં જોવા મળ્યું નથી. સાથે જ દર્દીની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા અંગે દર્દીની કે દર્દીના સગાની મેડીકલ પ્રોટોકોલ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નહોતું.
– તો કેટલીક હોસ્પિટલ બ્લેકલિસ્ટ પણ થઈ શકે
મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત કૌભાંડ પછી સ્થાનિક તંત્રે ધરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને દંડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણાના ડીડીઓ ડૉ. હસરત જાસ્મીન, જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રિવ્યૂ બેઠક યોજાઈ હતી .
– ખ્યાતિ હોસ્પિટલ બની મલ્ટી સ્કેમ હોસ્પિટલ
ખ્યાતિ હોસ્પિટલ મલ્ટી સ્કેમ હોસ્પિટલ બની છે. હોસ્પિટલે 6 મહિનામાં PMJY હેઠળ 3.66 કરોડ રૂપિયા ખંખેર્યા છે. આ 6 મહિનામાં મોટાભાગે હાર્ટની સર્જરી કરવામાં આવી છે. 6 મહિનામાં 650 જેટલી સર્જરી કરવામાં આવી છે. 650માંથી 605 કાર્ડિયોલોજિસ્ટની સર્જરી કરવામાં આવી છે. ત્યારે 36 કેસ બાયપાસ સર્જરીના કરવામાં આવ્યા છે.
– સમગ્ર મામલે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા
આ ઘટનાને પગલે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલએ આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવી જણાવ્યું કે, આમાં જે પણ કોઇ કાયદાકીય પગલા ભરવા જેવા લાગશે તે તમામે તમામ પગલા ભરી કડકમાં કડક કાર્યવાહી કરી, બધા ડોક્ટર્સ અને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો માટે એક ઉદાહરણરૂપ કાર્યવાહી પણ કરીશું. આરોગ્ય વિભાગે ખ્યાતિ હોસ્પિટલમાં ડોકટરોની એક વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ અને પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ પર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. વધુમાં આરોગ્ય વિભાગની ટીમ હાલ હોસ્પિટલની કામગીરીની તાત્કાલિક ચકાસણી કરી રહી છે, જેથી કડક પગલાં લેવામાં આવી શકે.આ ઘટનાને લઈને રાજ્યમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને જવાબદારી પર સવાલો ઉભા થયા છે. આરોગ્ય મંત્રાલય SOP ઘડવાની યોજના બનાવી રહ્યું છે, જે ભવિષ્યમાં હોસ્પિટલ્સમાં જરૂરી પ્લાન્ટ ઓપરેશન્સ માટે નિયમન લાવશે.
Summary of Khyati Hospital Incident The Khyati Hospital scandal has raised serious concerns following a…
Celebrating Children’s Day in India: Honoring Pandit Nehru's Legacy Children’s Day in India is observed…
બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’ આજે બાળ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન…
સુપ્રીમ કોર્ટે રજૂ કરી ગાઈડલાઈન - આરોપી હોય તો પણ કોઈનું ઘર તોડી…
સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ…
લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે ભારતમાં મોદી સરકાર આવી ત્યારથી…