દરરોજ સોફ્ટ ડ્રિંક્સનું સેવન હાડકા માટે ખતરનાક
આપણે બધાં જાણીએ છીએ કે સોફ્ટ ડ્રિંક આપણાં શરીર પર ગંભીર અસર કરી શકે છે, તેમ છતાં કેટલાક લોકોને સોફ્ટ ડ્રિંક્સ વિના ભોજન અધૂરું લાગે છે. અને તેઓ એવું માને છે કે સુગર ફ્રી સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી શરીર ને નુકશાન નહિ થાય. પણ આ એક ભ્રમ છે.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા સાત વર્ષ સુધી આની પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે મુજબ સોફ્ટ ડ્રિંક્સનો વધુ વપરાશ અસ્થિભંગનું જોખમ વધારે છે. જ્યારે કાર્બોનેટેડ પીણાંમાં ખાંડની અસરો – જેમ કે વજન વધવું, હૃદયરોગ, ડાયાબિટીસ અને દાંતનો સડો જેવી બાબતો સામાન્ય છે. મહત્વનું છે કે હાડકાના સ્વાસ્થ્ય પર તેની અસર પર ઘણીવાર આપણે ધ્યાન આપતા નથી. પરંતુ આ સૌથી ગંભીર જોખમો પૈકીનું એક છે. જેના પર વધુ ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે. નિષ્ણાતો કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડની સામગ્રીની વારંવાર ચર્ચા કરતાં હોય છે. એનાથી થતાં નુકસાન વિષે ચર્ચા કરતાં હોય છે. પરંતુ કોઈ પીણું હાડકાના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે વિશે કોઈ વાત કરતું નથી.
કેફીન અને ફોસ્ફોરિક એસિડ શરીર માટે નુકશાનકારક:
મોટાભાગનાં સોફ્ટ ડ્રિંક્સમાં કેફીન અને ફોસ્ફોરિક એસિડ મુખ્ય ઘટકો હોય છે એસિડના સ્વાદને છૂપાવવા માટે ઘણી વખત વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરવામાં આવે છે. કેફીન કેલ્શિયમના શોષણમાં દખલ કરે છે. જ્યારે ફોસ્ફોરિક એસિડ હાડકાંના કેલ્શિયમને નુકશાન કરે છે. તેથી, જ્યારે આપણે સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરીએ છીએ ત્યારે આપણે સમજ્યા વિના આપણાં હાડકાની ઘનતા સાથે ચેડા કરીએ છીએ. સમય જતાં આ બંને પરિબળોને પગલે નબળાં હાડકાંમાં પરિવર્તિત થાય છે. પીડી હિન્દુજા હોસ્પિટલ અને એમઆરસી માહિમના ફિઝીયોથેરાપી વિભાગનાં વડા જણાવે છે કે કેફીન લોહીમાં ઈનોસિટોલનું સ્તર ઘટાડે છે, જે કેલ્શિયમ ચયાપચય માટે મહત્વપૂર્ણ પ્રોટીન છે. ઓછી ઇનોસિટોલ સાથે, કિડની વધુ કેલ્શિયમ દૂર કરે છે, અને શરીર આંતરડા દ્વારા ઓછાં કેલ્શિયમને શોષે છે. સોફ્ટ ડ્રિંક્સમાં કાર્બોનેશન પ્રક્રિયા કાર્બોનિક એસિડ બનાવે છે, જે ગેસ્ટ્રિક એસિડિટીને બદલે છે અને પોષક તત્વોનું શોષણ ઘટાડે છે. સોફ્ટ ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડ અને એસ્પાર્ટેમ હોય છે જે પીએચ લેવલમાં ઘટાડો કરે છે, જે સંભવિતપણે હાડકાની ઘનતામાં ઘટાડો કરે છે.”
સુગર સોડા અને કેલ્શિયમની ઉણપ:
એક રિસર્ચર મુજબ વધુ પડતાં ખાંડના સેવનથી ઇન્સ્યુલિનના સ્તરમાં વધારો થઈ શકે છે, જે કિડની દ્વારા કેલ્શિયમના ઉત્સર્જનને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સોડાનો વ્યસની હોય છે. ત્યારે તે દૂધ, છાશ અથવા જ્યુસ જેવા પૌષ્ટિક પીણાંનો વપરાશ ઓછો કરે છે. જેનાથી એકંદરે કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. તમારાં શરીરને કેલ્શિયમની જરૂર હોય છે. જો તમારાં આહારમાં પૂરતું કેલ્શિયમ ન હોય તો શરીર તમારા હાડકાંમાંથી કેલ્શિયમને ખેંચવાનું શરૂ કરશે એકંદરે હાડકાં નબળા પડશે. એટલે કેલ્શ્યમ યુક્ત ખાવાનું અતિ આવશ્યક છે. ત્યારે જો વાત કરીએ સોફ્ટ ડ્રિંક્સની તો સોફ્ટ ડ્રિંક્સ કેલ્શિયમ પૂરું પાડતા નથી પરંતુ તે એવી પરિસ્થિતિઓ બનાવી શકે છે જે તમારાં શરીરને કેલ્શિયમ ગુમાવવા માટે દબાણ કરે છે. જેને પગલે સમય જતાં નબળાં હાડકાં માં પરિણમે છે.
સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ નુકસાન કરી શકે છે:
હાડકાની ઘનતા અને એસ્ટ્રોજનના સ્તર જેવાં સંખ્યાબંધ પરિબળોને લીધે સ્ત્રીઓમાં પુરૂષો કરતાં ઓસ્ટીયોપોરોસીસ થવાની શક્યતા વધુ હોય છે. આનો અર્થ એ છે કે જો તમે એક મહિલા છો અને આ સુગરવાળા સોફ્ટ ડ્રિંક્સના વ્યસની છો, તો તમારે વધુ ધ્યાન રાખવું જોઈએ. એસ્ટ્રોજન હાડકાના સ્વાસ્થ્યમાં રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે, પરંતુ જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધે છે તેમ તેમ તેનું સ્તર ઘટે છે અને હાડકાં પાતળાં થવાનું જોખમ વધે છે.નિયમિતપણે સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી આ પ્રક્રિયાને વેગ મળે છે, ખાસ કરીને જો તેઓને અન્ય સ્ત્રોતોમાંથી પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી મળતું ન હોય તો હાડકાં નબળાં બને છે અને ઓસ્ટીયોપોરોસિસ થઈ જાય છે.સોફ્ટ ડ્રિંકનું દૈનિક સેવન ખાસ કરીને બાળકો, કિશોરો અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ હાનિકારક છે. કિશોરોને, તેમનાં વિકાસનાં નિર્ણાયક વર્ષોમાં, હાડકાની ઘનતા બનાવવા માટે પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે, અને આ સમયગાળા દરમિયાન સોફ્ટ ડ્રિંક્સનું સેવન તેમાં અવરોધ લાવી શકે છે.
‘સુગર ફ્રી’ અથવા ’ઝીરો સુગર’ સોફ્ટ ડ્રિંક્સ વિશેનું સત્ય :
જો કોઈને એવું લાગતું હોય કે સુગર ફ્રી સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી આ સમસ્યા નહિ થાય પરંતુ એવું નથી. સોફ્ટ ડ્રિંક્સમાં સુગર ઓછું હોય શકે પણ તેમાં હજુ પણ ફોસ્ફોરિક એસિડ અને કેફીન હોય છે, તેથી હાડકાને નુકસાન થવાની સંભાવના રહે છે. વધુમાં, એવાં કેટલાક પુરાવા છે જે સૂચવે છે કે કૃત્રિમ મીઠાશ આંતરડાનાં બેક્ટેરિયાને અસર કરી શકે છે, જે પોષક તત્ત્વોના શોષણમાં દખલ કરીને હાડકાના સ્વાસ્થ્યને પરોક્ષ રીતે અસર કરી શકે છે.
ત્યારે હાડકાં ની મજબૂતાઈ વધારવા કેલ્શ્યમ નું લેવલ હાડકાં માં જળવાઈ રહે તે હેતુસર સોફ્ટ ડ્રિંક્સનું સેવન મર્યાદિત કરો અને પછી તેનું સેવન સંપૂર્ણ છોડી દો