વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની
વડોદરાની માંડ સાત વર્ષની નાનકડી દેવાંશિકા પટેલ ટેનિસ પ્રીમિયર લીગ આયોજિત જયપુરમાં યોજાયેલી TPL under 10 ગર્લ્સમાં વ્યક્તિગત વિજેતા બની છે.વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે તેની આ સિદ્ધિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. આટલી નાની ઉંમરે પહેલી સિદ્ધિ મેળવનારી આ દીકરીની માતા વંદના જ તેના ટેનિસ ગુરુ છે.
ટેનિસ કે લોન ટેનિસ એ મૂળભૂત રીતે ,તેના માટેના નિર્ધારિત ખુલ્લા મેદાનમાં રમાતી પાવર ગેમ છે. આ રમતને પ્રોત્સાહિત કરવા 2018 થી ટેનિસ પ્રીમિયર લીગ હેઠળ વ્યક્તિગત અને ટીમ હરીફાઈઓ નિયમિત સમયના અંતરે ભારતના મોટા શહેરોમાં યોજાય છે.સાનિયા મિર્ઝા સહિતના રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ટેનિસ ખેલાડીઓ તથા ફિલ્મ સિતારા, કુણાલ ઠકકુર અને મૃણાલ જૈન દ્વારા સ્થાપિત tpl માં ટીમો ધરાવે છે અને આ રીતે ઉગતા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરે છે.
ટેનિસના ગર્ભ સંસ્કાર લઈને જન્મેલી દેવાંશિકાને લગભગ ત્રણ વર્ષની ઉંમરથી ટેનિસ કોર્ટનું ઘેલું લાગ્યું છે. એ ઘણી વહેલી ઉઠે છે અને નિયમિત ટેનિસ કોર્ટમાં જોવા મળે છે અને રમત પચાવવા મહેનત કરે છે.એના માતા વંદના પટેલ પોતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ટેનિસ કોચ છે. માતાના માર્ગદર્શન હેઠળ ટેનિસ ખેલાડી તરીકે તેનું આશાસ્પદ ઘડતર થઈ રહ્યું છે અને નાની વયે ટેનિસ કોર્ટમાં પહેલી સિદ્ધિ એણે મેળવી છે.આ રમત પ્રત્યે તેને નૈસર્ગિક અભિરુચિ હોવાથી ખૂબ સહજતા થી એ ટેનિસ રમી શકે છે.
આ દીકરીએ બીજી વાર tpl ની individual સ્પર્ધામાં ભાગ લીધો હતો.પહેલી જ સ્પર્ધામાં તે ક્વાટર ફાઇનલ સુધી પહોંચી હતી.જયપુર સ્પર્ધામાં તેણે તાવ અને માંદગીની વચ્ચે,રમવું જ છે ના ઝનૂન અને મક્કમતા સાથે ભાગ લીધો અને વિજેતા બની છે. વંદના પટેલ એસ. એ.જી. ના વાઘોડિયા રોડ રમત સંકુલ ખાતે નાના મોટા લગભગ 15 બચ્ચાઓ ને ટેનિસની તાલીમ આપી રહ્યા છે.તેમનું કહેવું છે કે ટેનિસ એ કોર્ટ પર ભીડ ભેગી કરવાની રમત નથી.એમાં પ્રત્યેક ખેલાડી પર વ્યક્તિગત ધ્યાન રાખી તાલીમ આપવી જરૂરી છે.એટલે ટેનિસ રમવાની ક્ષમતા જણાય એવા જ બાળકો ને પસંદ કરવામાં આવે છે.
દેવાંશિકા અભ્યાસની સાથે,બંને ને સરખું મહત્વ આપીને ટેનિસ સ્ટાર બનવાની ધગશ ધરાવે છે.આ તેની સ્પર્ધાની દુનિયાની પહેલી સિદ્ધિ છે.અને આ સિદ્ધિથી તે હવે tpl ની આગામી મેચોમાં ભાગ લેવા પ્રોત્સાહિત થઈ છે.
Be First to Comment