વડોદરામાં નિર્દોષ યુવાનની હત્યાથી ભારે જનઆક્રોશ…
તપન પરમારના હત્યારાઓનું એન્કાઉન્ટરની લોકમાંગ !
જાણો, એન્કાઉન્ટર મામલે ગુજરાતનો ઇતિહાસ ?
ગુજરાત રાજ્યમાં તાજેતરની ક્રાઇમની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં ઉપરા છાપરી હત્યાની ઘટનાઓ નોંધાઈ રહી છે. તેમાં પણ વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ નગરસેવક રમેશચંદ્ર પરમારના એકના એક દીકરા તપન પરમારની સયાજી હોસ્પિટલમાં કોઈ કારણ વગર ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. અને આ ઘટનામાં સંડોવાયેલ આરોપીઓના એન્કાઉન્ટરની લોકમાંગ ઉઠી છે. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. અગાઉ વડોદરામાં કેટલીક એવી પણ ઘટનાઓ ઘટી જેના કારણે ગુનેગારોએ પોતાની તાકાત બતાડવા સાથે લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. કાયદાના રખેવાળ પોલીસને જ્યારે લાગે કે કોર્ટ લાચાર છે અને કાયદો પાંગળો છે ત્યારે પોલીસ એન્કાઉન્ટર કરી જાતે જ ન્યાય કરવા લાગે છે, જેમાં રાજકીય પાસા પણ મહત્વનો રોલ નિભાવે છે. પ્રજા ભલે આ પગલાને આવકારતી હોય છે પણ તે ક્યારેક જોખમી બાબત પણ છે. પોલીસ ક્યારે પૈસા માટે તો કયારેક નેતાઓને ખુશ કરવા તો કયારેક અંગત હિસાબ પુરા કરવા નકલી એન્કાઉન્ટર્સ શરૂ કરે છે. ત્યારે જાણીએ કેટલાક કિસ્સા થકી એન્કાઉન્ટર મામલે વડોદરા સહીત ગુજરાતનો ઇતિહાસ કેવો રહ્યો છે.
દેશમાં સૌ પ્રથમ વખત એન્કાઉન્ટર અંડરવર્લ્ડ ડોન માન્યા સુર્વેનું થયું
દેશમાં પ્રથમ એન્કાઉન્ટરનો શ્રેય મુંબઈ પોલીસને જાય છે. આ એન્કાઉન્ટર અંડરવર્લ્ડ ડોન માન્યા સુર્વેનું થયું હતું. માન્યા સુર્વેનું એન્કાઉન્ટર વર્ષ 1982માં થયું હતું. ત્યારે તેની ઉંમર ફક્ત 37 વર્ષની હતી. માન્યા સુર્વેનો કેસ મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્કોડને સોંપી દેવામાં આવ્યો. જ્યાં આ કેસની કમાન રાજા તાંબટ તથા ઇશાક બાગવાન નામના પોલીસ અધિકારીને સોંપવામાં આવી. માન્યા સતત ભાગતો રહેલો, ત્યારબાદ 11 જાન્યુઆરી,1982ના રોજ જ્યારે માન્યા તેની ગર્લફ્રેન્ડને લેવા વડાલા આવ્યો તો પોલીસના હાથે ચડી ગયો. પોલીસથી બચવા માટે માન્યાએ ગોળી ચલાવી અને જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો.
ગુજરાતમાં આજે પણ ચર્ચિત લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર
અસામાજિક અને માથાભારે તત્વો દેશના અને વિશ્વના દરેક ખૂણે પાક્યા છે અને પોલીસ સાથેની અથડામણોમાં અનેક વાર ઠાર મરાયા છે. ગુજરાતે પણ આવા એન્કાઉન્ટર જોયા છે. આ એન્કાઉન્ટરોમાં અમદાવાદના માફિયા લતીફ અને વડોદરાના રાજુ રિસાલદારનું એન્કાઉન્ટ ખૂબ જ ચર્ચાયું છે. આ બંને ડોનના કિસ્સાઓ આજે પણ આ શહેરોના કોઈક ખુણે જીવંત છે. અમદાવાદમાં દારૂથી લઈને પ્રોપર્ટી ખાલી કરાવવાના ધંધામાં કાઠું ગયેલા જૂના અમદાવાદના લતીફને આખું ગુજરાત લતીફ ભાઈના નામથી ઓળખતું હતું. લતીફ પર અનેક લોકોની હત્યા અને ગુનાહિત કૃત્યાના આરોપનામાની ભરમાર હતી. વર્ષ 1997માં રાજ્યમાં શંકરસિંહ બાપુના રાજપાની સરકાર હતી અને લતીફ ઝડપાઈ ગયો હતો. એક મર્ડર કેસની તપાસ સબબ લતીફને રાત્રે લઈ જવામાં આવી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના વાહનોના કતારબંધ કાફલામાં લતીફ હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એન. આર. પરમાર હતા. લતીફને જે કાફલામાં લઈ જવામાં આવ્યો હતો તેમાં પોલીસ ઇન્સપેક્ટર તરૂણ બારોટ હતા. જાણકારોના મુજબ લતીફને તેમણે ગાડીમાં પૂછ્યું કે કુછ ખાના હે ત્યારે તેણે ના પાડી પરંતું તે નાના બાળકની જેમ રડવા લાગ્યો હતો. રાત્રીના અંધકારમાં બે વાગ્યાની આસપાસ પોલીસનો કાફલો અમદાવાદ એરપોર્ટના કોતરપુર વોટરવર્કસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે લતીફને કુદરતી હાજતે જવા માટે વાહન ઊભું રાખ્યું તે સમયે તેણે પોલીસ પર એક સાપ ફેંકીને પોલીસને બેધ્યાન કર્યા અને તે જાપ્તામાંથી ફરાર થયો છે. તેને રોકોવા માટે એસઆરપી જવાને પણ બે રાઉન્ડ ગોળીબાર કર્યો છે. અમદાવાદ શહેરમાં તમામ ઠેકાણે નાકબંધી કરવામાં આવી. આ વાયરલેસ મેસેજના બે કલાક બાદ પોલીસ સાથેની અથડામણમાં લતીફ ભૂતિયા બંગલામાં ઠાર મરાયો.
જયારે 1990ના દશકમાં વડોદરામાં સાશન તો ગુજરાત સરકારનું હતું પરંતુ રાજ રાજુ રીસાલદારનું હતું. રાજુ પોતાની પ્રાઇવેટ કોર્ટ ચલાવતો હતો અને લોકો તેની પાસે તેના દરબારમાં જતા. રાજુ જે ન્યાય તોળે તે સર્વસામાન્ય ગણાતો હતો. વર્ષ 1993માં વડોદરામાં એક હત્યા થઈ. આ હત્યા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પરંતુ સંદેશ અખબારના નિવાસી તંત્રી દિનેશ પાઠકની હતી. રાજુ રિસાલદાર અને તેના માણસોએ અખબારની ઓફિસના પગથિયે પાઠકની કરપીણ હત્યા કરી નાખી. એ સમયે રાજ્યના ખૂબ જાણીતા આઇપીએસ અધિકારીઓ અતુલ કરવાલ અને એ.કે. સિંગ વડોદરામાં પરજ બજાવતા હતા. પોલીસને માહિતી મળી કે રાજુ મુંબઈમાં સંતાયો છે. કરવાલ અને સિંઘ જાતે જ ટીમ સાથે મુંબઈ પહોંચી ગયા. માહિતીના આધારે રાજુ રિસાલદાર ઝડપાઈ ગયો. પોલીસ બાય રોડ રાજુને વડોદરા લઈને આવી રહી હતી. પોલીસ ફરિયાદ મુજબ વડોદરાના પ્રવેશ પહેલાં જ રાજુએ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસની ગોળીએ વિંધાયો. ચીમન ભાઈ પટેલની સરકારમાં રાજુ રીસલાદારનું એન્કાઉન્ટર થયું.
સમગ્ર દેશમાં ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ ચર્ચામાં રહ્યો
વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નીગ પાસે મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહર પર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં એન્કાઉટર થયા બાદ અનેક IPS અધિકારીઓ અને નેતાઓની ધરપકડ થઈ હતી. એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો કે, ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી એ ઈનપુટ નકારી શકાય તેમ નથી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ એમની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે. 2004 પછી IPS અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત DYSP તરુણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અંજુ ચૌધરી – 2004 સામે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે કાર્યવાહી કરવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો હતો.
વડોદરામાં આવી ઘટનાઓએ લોકોમાં ભય પેદા કર્યોનવરાત્રીમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગ રેપની ઘટના સામે આવી હતી. તે બાદ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા આરોપીઓને ફાંસી આપવાની માંગ મુકવામાં આવી હતી અને તે મામલે કોઇ પણ પક્ષાપક્ષીથી ઉપર મળીને બહેન – દીકરીઓને ન્યાય અપાવવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. તે ઘટના બાદ ગુજરાતમાં અનેક જગ્યાએ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જે અંગે તેમણે દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઇએ તેવી અપીલ કરી હતી.
તા.૨૦-૧૦-૨૦૧૬ના રોજ વૃંદાવન ટાઉનશીપ નજીક રાત્રે ગેંગસ્ટર મુકેશ હરજાણી પર ફાયરીંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસના ઈન્વેસ્ટીગેશન મુજબ આ મર્ડર વીજુ સીંધી, કલ્પેશ કાછીયા અને અનિલ ઉર્ફે એન્થોનીએ ભેગા મળીને કાવત્રુ ઘડીને મર્ડર કરાવ્યું હતુ. રૃા.૨૦ લાખમાં મુકેશ હરજાણીની સોપારી રતલામના બે શાર્પશૂટરને આપી હતી. કલ્પેશ કાછીયાને એવો ડર હતો કે મુકેશ હરજાણી તેનું પોતાનું મર્ડર કરાવી દેશે. વીજુ સીન્ધીને એવો ડર હતો કે તેના દારૃના ધંધા પરનો તમામ કંટ્રોલ મુકેશ હરજાણી છીનવી લેશે. જ્યારે અનિલ ઉર્ફે એન્થોનીને અગાઉના કોઈ ગુના બદલ જેલની સજા થઈ હતી. ત્યારે જેલવાસ દરમિયાન રૃપિયાની લેવડદેવડ બાબતે મુકેશ હરજાણી સાથે દુશ્મનાવટ થઈ હતી.
ફતેગંજ વિસ્તારમાં રફિક ગાયની હત્યાના બનાવ બાદ અસલમ બોડીયો બિચ્છુ ગેંગનો લીડર બની ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,રફિક ગાય સાથે અસલમ બોડીયાને પણ અણબનાવ હતો.જ્યારે અશફાક પણ તેનો વિરોધી હતો. તેર વર્ષ પહેલાં નરહરી હોસ્પિટલ સર્કલ પાસે રફિક ગાયની જાહેરમાં હત્યા થઇ હતી. જેમાં અસલમ બોડીયા,મુન્ના તડબૂચના નામો ચર્ચામાં હતા. પરંતુ આ કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર થયા હતા.રફિકની હત્યા બાદ બોડીયાએ બિચ્છુ ગેંગનું સુકાન સંભાળી લીધું હતુ.ત્યારબાદ આ ગેંગમાં બીજા પણ સાગરીતો સક્રિય બન્યા હતા.
ગુજરાત સહિત દેશભરની પોલીસના એન્કાઉન્ટર્સ
આપણે ત્યાં જે વ્યવસ્થા છે તે પ્રમાણે પોલીસે કાયદાનો અમલ કરાવવાનો છે અને કાયદો તોડનારને અદાલતમાં રજુ કરી તેને સજા મળે તેવી કાર્યવાહી કરવાની છે, અદાલતે આરોપીને કડકમાં કડક સજા અને તે પણ સમયસર સજા આપી ગુનેગારોમાં ડર અને સામાન્યજનો કાયદામાં વિશ્વાસ યથાવત રહે તેવી કાર્યવાહી કરવાની હોય છે પણ તેવું થતું નથી ત્યારે ન્યાયનો અર્થ સરતો નથી, સામાન્ય માણસનો કાયદા ઉપરથો ભરોસો ઉઠી જાય તો સમજાય પણ કાયદાના રખેવાળ પોલીસને જ્યારે લાગે કે કોર્ટ લાચાર છે અને કાયદો પાંગળો છે ત્યારે પોલીસ એન્કાઉન્ટર કરી જાતે જ ન્યાય કરવા લાગે છે, પોલીસ ગુંડાઓને કોર્ટમાં રજુ રજુ કરે ત્યારે કોર્ટ પુરાવા માગતી અને ફરિયાદી તથા સાક્ષીને પોલીસ અને કોર્ટ કરતા ગુંડાની બીક લાગતી જેના કારણે કોર્ટમાં સાક્ષીઓ ફરી જતા અને ગુંડાઓ છુટી જતા હોય છે. ગુજરાત સહિત દેશભરની પોલીસ એન્કાઉન્ટર્સ કરે છે.
BY KALPESH MAKWANA ON NOVEMBER 20, 2024