fbpx Press "Enter" to skip to content

શાંતિપ્રિય ગુજરાત: અસામાજિક તત્વોની ક્રુરતામાં વધારો શા માટે?

 

 

  ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના

સલામત-સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. ત્યારે અસામાજીક તત્ત્વો-ગુંડાઓ બેફામ બન્યાં છે. શાંત-સલામત ગુજરાત જાણે યુપી-બિહારના માર્ગે હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. જે રીતે વડોદરા સહિત ગુજરાતમાં હત્યાની ઘટનાઓ નોંધાઈ રહી છે તે પરથી એ વાત સ્પષ્ટ થઇ છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડી છે. એક બાજુ અસામાજીક તત્ત્વોને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી, ત્યારે બીજી તરફ, ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં મગ્ન બન્યાં છે. ગુજરાતમાં માત્ર 24 દિવસમાં જ 18 હત્યા થઈ છે. ગુંડા-અસામાજીક તત્ત્વોને ખાખી વર્દી કે કાયદાનો જરા પણ ડર રહ્યો નથી. ક્રુર હત્યાની ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. શું આજે ગુજરાતનું સુરક્ષા મોડલ? ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે એવું શહેરીજનો માની રહ્યા છે, જ્યારે પોલીસનું માનવું છે કે, ગુનાખોરીનો ગ્રાફ ઘટી રહ્યો છે. નાગરીક અને પોલીસ વચ્ચે ચાલી રહેલા મતભેદના આ યુદ્ધનું પરિણામ શું આવે છે? તે આવનારા દિવસોમાં ખબર પડશે. તો બીજી તરફ ગુજરાતમાં હત્યા, ઘાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નિતિ જવાબદાર છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે કે, ‘સરકાર-પોલીસના પાપે ગુજરાતની 6 કરોડ જનતા ભોગ બની રહી છે. ધોળા દિવસે હત્યાને અંજામ આપનારાઓ ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલી રહ્યાં છે. સરકાર માત્ર ને માત્ર જાહેરાતોમાં જ સુરક્ષિત છે. બાકી ગુજરાતની પ્રજાનો અસલામતી અનુભવી રહી છે. છેલ્લાં 24 દિવસમાં ગુજરાતમાં 18 હત્યા પોલીસ ચોપડે નોંધાઈ છે. અમદાવાદ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, મહેસાણા, વલસાડ, સુરત, પાટણ અને વડોદરામાં હત્યાની ઘટના સામે આવી છે.

  ગૃહમંત્રીના હોમ ટાઉન સુરતમાં ક્રાઇમ ગ્રાફ વધ્યો

ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં ક્રાઈમ રેટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. જે સુરત પોલીસ માટે પણ ચેલેન્જિંગ બની રહ્યું છે. સુરતમાં સતત હત્યાના બનાવો વધી રહ્યાં છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના ગૃહ ક્ષેત્રમાં કાયદા વ્યવસ્થાની આ સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લિંબાયતમાં સરેઆમ વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. સચિન વિસ્તારમા સામન્ય બાબતે બોલાચાલી થતા મિત્ર એ જ મિત્રની હત્યા કરી હતી. રત્નમાલા સર્કલ નજીક નજીવી બાબતમાં પીકઅપ વાન ચડાવી યુવકની હત્યા કરાઈ હતી. ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના ઘટી છે.

  22 દિવસમાં અમદાવાદમાં 10 હત્યાના બનાવ

અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે, રાજ્યમાં ક્રાઈમ રેટ નીચે આવ્યો છે. 2024ના 10 મહિનામાં 73 હત્યાના બનાવ બન્યા છે. પાછલા વર્ષે 10 મહિનામાં 97 હતા. હત્યાના બનાવમાં 24.7 ટકાનો ઘટાડો થયો છે. આવી જ રીતે હત્યાના પ્રયાસના હાલ 74 કેસ છે, પાછલા વર્ષે 92 કેસ હતા. આમ 19.5 ટકાનો ઘટાડો થયો છે. બાકી ક્રાઈમ કાબૂમાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 22 દિવસમાં અમદાવાદમાં 10 હત્યાના બનાવ બન્યા છે. અમદાવાદ શહેરમાં 8 અને બોપલમાં 2 હત્યા થઈ છે. છેલ્લા 10 મહિનામાં થયેલી ગુનાખોરીના આંકડા જોઈએ તો , હત્યા 97, હત્યાની કોશિષ 74, ઘાડ 10, લૂંટ 96, ઘરફોડ 312, ચોરી 3150, રાયોટિંગ 51,ચીટિંગ 420, વિશ્વાસઘાત 88, એટ્રોસિટીના ગુના 125, સાયબર ક્રાઇમના ગુના 251, પાસા 806 ની કાર્યવાહી છે.

 રાજકોટ શહેર હવે ક્રાઈમ શહેર બનતું જાય છે

Rajkot Tourism (Gujarat) (2024 - 2025) - A Complete Travel Guideરાજકોટ શહેર હવે ક્રાઈમ શહેર બનતું જાય છે, દિવસને દિવસે અહીં ક્રાઈમ વધી રહ્યા છે. ગુનેગારો રાજકોટ પોલીસને પડકાર ફેકતા હોય તેમ હત્યા કરી રહ્યા છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખુલ્લેઆમ હત્યાના એકપછી એક બનાવવો સામે આવી રહ્યાં છે. ત્યારે હત્યા, બળાત્કાર જેવા અનેક ગુનાઓ રોકવા માટે પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા ગાર્ડન પાસેના નવી ઘાંચીવાડમાં ઘરમાં ઘૂસી ત્રણ શખ્સે ધમાલ મચાવી પ્રૌઢને છરીના ઘા ઝીંકાયા હતા.કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં અનૈતિક સબંધમાં આધેડની હત્યા થઇ હતી. રાજકોટના ઢેબર કોલોની પાસે આવેલી રેલવે ફાટક પાસે પારકા ઝઘડામાં વચ્ચે પડનારા પિતાને 3 દીકરાની સામે મોતને ઘાટ ઉતારી દીધો હતો.ચંદ્રેશનગરમાં યુવાનની પ્રેમ સંબંધમાં હત્યા થઇ છે.

 વડોદરામાં ચંદુ અને તપનની ઘાતકી હત્યા

વડોદરા - વિકિપીડિયાવડોદરામાં એક સમય હતો કે, જવલ્લે જ હત્યાની ઘટનાઓ સાંભળવા મળતી હતી. પરંતુ વસ્તી અને વિસ્તાર વધવા સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. ખાસ કરીને વડોદરામાં ઉપરા છાપરી ચોરી, લૂંટ, હત્યા જેવા બનાવોમાં વધારો થતા માહોલ ચિંતાજનક જણાય રહ્યો છે. ‘બકરી ઈદ પછી તને પણ બકરાની જેમ હલાલ કરીશું’, કહી વડોદરામાં યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. સરદારભવનના ખાંચામાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે હત્યા થઇ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાની એક અસામાજિક તત્વએ સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી છે.

  ખૂનના ગુનાઓમાં 51 ટકાનો ઘટાડો : ડીજીપી

ત્રણ મહિના અગાઉ વડોદરા પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના રેન્જ આઇ.જી અને શહેરોના પોલીસ કમિશનર હાજર રહ્યા હતા.ડીજીપી વિકાસ સહાયે આ અંગે જણાવ્યું હતું કે, ગયા વર્ષના આઠ મહિનાની સરખાણીમાં ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં ઓગસ્ટ સુધી ખૂનના ગુનાઓમાં 51 ટકાનો ઘટાડો, ખૂનની કોશિષમાં 64 ટકા ઘટાડો, મિલકત સંબંધ વિરોધી ગુનાઓમાં 4287 ગુના, શરીર સંબંધી 231 ગુના, મહિલાઓ અને બાળકો સંબંધિત 313 ગુનો, પોક્સો એક્ટમાં 43 ગુનાઓ, ધાડ-લૂંટમાં 66 અને એટ્રોસિટીમાં 32 ગુનાઓમાં ઘટાડો થયો છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપતા ઓગસ્ટ મહિનામાં જ રૂ. 33 કરોડના ઇંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સાયબર ફ્રોડમાં જે લોકોએ રૂપિયા ગુમાવ્યા હતા, ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાત પોલીસે રૂ. 26 કરોડ તેમને પરત અપાવ્યા છે. ઓગસ્ટમાં નાસતા ફરતા 825 આરોપીઓ ઝડપાયા છે. ગુજરાત પોલીસ ‘તેરા તુજ કો અર્પણ ઝુંબેશ’ ચલાવે છે. 17.05 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો છે. 163 વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 

BY KALPESH MAKWANA ON NOVEMBER 19, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!