આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ
દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય છે!
ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, મહિનામાં ‘માગશર’ મહિનો હું છું. આજે માગશર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશીના દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આથી, આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દ્વાપર યુગમાં રચાયેલ પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ છે. ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચે ચાલતા સંઘર્ષ અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. ગીતા જ્ઞાન દરમિયાન એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શન કરાવે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભીષ્મ પર્વમાં 25થી 42 સુધીના 18 અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે.
ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો
મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે. થોડા શ્લોકોના અપવાદ સિવાય ગીતાના તમામ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી લગભગ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા છે. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન વિષ્ણુના દરેક અવતારોની જયંતિ ઊજવાય છે. પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા દુનિયાનો એક માત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઊજવાય છે. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. અર્જુનની દુવિધાને દૂર કરવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સવિસ્તાર તેને વિસ્તારપૂર્વક સમજૂતી આપે છે. ગીતામાં જીવનનું ગૂઢ જ્ઞાન ધીરે-ધીરે અર્જુનના તમામ સંશયોનું નિવારણ આવે છે અને અર્જુન યુદ્ધ માટે સજ્જ થાય છે. આથી જ કહેવાય છે કે સાચી અને પૂર્ણ શ્રદ્ધા હોય તો મનુષ્ય પોતાના તમામ પ્રશ્નોનો હલ ગીતામાંથી મેળવી શકે છે.
યુદ્ધના પહેલાં દિવસે જ અર્જુને ધનુષ-બાણ નીચે રાખી દીધા હતાં
મહાભારત યુદ્ધના પહેલાં દિવસે કૌરવ અને પાંડવ સેના સામસામે હતી. તે સમયે અર્જુને કૌરવ પક્ષમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને તેમના કુંટુંબના લોકોને જોયા ત્યારે ધનુષ-બાણ નીચે રાખી દીધા હતા અને યુદ્ધ કરવાની ના પાડી દીધી હતી. અર્જુન તેના પરિવારના લોકો સાથે યુદ્ધ કરવા ઇચ્છતો હો નહીં અને બધું જ છોડીને સંન્યાસ ધારણ કરવાનો વિચાર કરી રહ્યો હતો. તે સમયે શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મ અંગે દિવ્ય જ્ઞાન આપ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે ગીતા
હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગશર સુદ અગિયારસની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ગીતાને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સનાતન ધર્મનો પ્રમુખ ગ્રંથ છે. મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ ગીતામાં લખાયેલો છે. ગીતામાં કર્મ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન યોગ દ્વારા જીવનના ઉદ્દેશ્યો અને ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણએ જે જ્ઞાન આપ્યું હતું તેની મદદથી અર્જુને મહાભારતનું યુદ્ધ જીતી લીધું હતું. અર્જુનને આપેલ આ ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે અને જીવનમાં આવતા અવરોધોને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે.
ક્રોધ પર નિયંત્રણ ,મન પર કાબુને લઇ ઉપદેશ
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ક્રોધને લઇને ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુસ્સો કોઈપણ પ્રકારના વ્યક્તિનું પતન કરે છે. ગીતામાં તેઓ કહે છે કે ક્રોધથી ભ્રમ ઉભો થાય છે, જેના કારણે બુદ્ધિ બેચેન થવા લાગે છે અને બુદ્ધિ જ્યારે બેચેન થવા માંડે છે ત્યારે તર્ક કરવાની ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. જ્યારે માણસનો તર્ક નાશ પામે છે, ત્યારે વ્યક્તિનું નૈતિક પતન થવા લાગે છે. ગીતામાં શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે મનુષ્યે પોતાના મન પર કાબૂ રાખવો જોઈએ. જે માણસ પોતાના મન પર કાબૂ રાખી શકતો નથી, તેના માટે તેનું મન શત્રુ સમાન છે. બંધન અને મુક્તિનું રણ મન જ છે.
સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર
ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે – સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કર. આમ, ગીતા કોઈ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને निर्णय सेवा माटे स्वतंत्रता आपे छे. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीर्विजयो भूतिर्भुवा नीतिर्मतिर्मम ॥ અર્થાત, હે રાજન! જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં શ્રી, વિજય, વિભૂતિ અને અચળ નીતિ છે, એવો મારો મત છે. (અધ્યાય-18, અંતિમ શ્લોક-78)
શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે. આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતી મનાવામાં આવે છે. ગીતા મનુષ્યનો પરીચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થએ કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા અજ્ઞાન, દુખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારીક વસ્તુંઓમાંથી મુકિતનો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે.
ગીતા જયંતીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે. દેશભરમાં મંદિરો વિશેષ કરીને ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પુજા કરવામાં આવે છે. ગીતા જયંતીના દિવસે લોકો ઉપવાસ રાખે છે. ગીતાના ઉપદેશ વાચવામાં આવે અને સાંભળવામાં આવે છે.
BY KALPESH MAKWANA ON DECEMBER 11, 2024