Press "Enter" to skip to content

સરકારના દાવા વચ્ચે ખાલી જગ્યાઓ સંપૂર્ણ ભરાશે ખરી?

સરકારના દાવા વચ્ચે ખાલી જગ્યાઓ સંપૂર્ણ ભરાશે ખરી?

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અનેક ભરતી પ્રકિયા બાદ પણ મહેકમની અછત બાબતના પ્રશ્ન યથાવત રહે છે. સરકારી ખાતાઓમાં જરૂરી મહેકમની વાત તો દૂર રહી, પરંતુ, મંજુર મહેકમ જ પૂર્ણ ન હોય તો અન્ય વાત જ શું કરવી. હાલ રાજ્યમાં પોલીસ , શિક્ષણ , પાલિકા, પંચાયત, આરોગ્ય સહિતના સ્તરે મહેકમના પ્રશ્નો પેન્ડિગ છે. સરકાર ખાલી જગ્યાઓ ભરવા ઉપર ભાર મૂકી રહી છે. જો કે, મંજુર મહેકમ સંપૂર્ણ ભરાય તેવું અવકાશ હાલ જણાતું નથી. મહેકમનો અભાવ પ્રજાની સુરક્ષા સુવિધાની કામગીરી અસરગ્રસ્ત બને છે. વધુ કામના ભારણ વચ્ચે અધિકારી – કર્મચારી પણ મુશ્કેલીમાં હોય છે.

પોલીસ વિભાગમાં મહેકમ ઓછું હોવાના કારણે કામનું ભારણ

રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં કેટલાક પોલીસ અધિકારીઓ પાસે બે અલગ અલગ વિભાગના ચાર્જ હોય છે. છેલ્લા ઘણાં સમયથી મુખ્ય ચાર્જની સાથે સાથે અન્ય વિભાગના વધારાના ચાર્જ પણ સોંપી દેવામાં આવેલા છે. દરેક સરકારી વિભાગમાં સ્ટાફની અછત હોય છે અને સમયાંતરે તે અછત નો રેશિયો ઘટાડી પણ દેવામાં આવતો હોય છે. પરંતુ પોલીસ વિભાગમાં છેલ્લા ઘણાં વર્ષોથી મહેકમ એટલે કે પોલીસ અધિકારીઓની સંખ્યા ઓછી છે. જો કોઈ વિભાગમાં અધિકારીની નિમણૂક થઈ ના હોય તો અન્ય અધિકારીને પોતાના મુખ્ય ચાર્જની સાથે સાથે અન્ય વિભાગનો ચાર્જ પણ સોંપી દેવામાં આવતો હોય છે અને તે જવાબદારી પણ જે તે અધિકારીએ નિભાવવી પડતી હોય છે. રાજ્ય પોલીસ વિભાગની પરિસ્થિતિનો અંદાજો લગાવવા જઈએ તો ખૂબ જ કફોડી હાલતમાં રાજ્ય પોલીસ કામ કરી રહી છે. તહેવારો, આંદોલન અને રાજકીય કાર્યક્રમોમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સતત વ્યસ્ત રહેતો હોય છે તેવા સંજોગોમાં ખરા અર્થમાં પોલીસીંગ કરવાનો મોકો અધિકારીઓને મળતો જ નથી.

  ગુજરાત પોલીસમાં 21.3 ટકા જગ્યાઓ ખાલી

ગુજરાત રાજ્યમાં પોલીસની જરૂરિયાત સામે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાનું સોગંદનામુ હાઇકોર્ટ સમક્ષ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું . રાજ્યમાં કુલ 96,194 પોસ્ટમાંથી 22,000 જેટલી પોસ્ટ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4,132 જેટલી પોસ્ટ ખાલી હોવાની વિગતો હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરી હતી..જે મુજબ ટૂંક સમયમાં વિવિધ પદોની 12 હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી (પુરુષ) 687, જેલ સિપાહી (મહિલા) 57 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિનહથિયારી PSI ની 325 જગ્યા પર મંજૂરી આપી હતી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે ૫૭ કરોડની જોગવાઇ કરી છે.

– જામનગર મહાનગરપાલિકા ઈન્ચાર્જ પાલિકા બની

જામનગર મહાનગરપાલિકા ઈન્ચાર્જ પાલિકા બની છે. મહાનગરપાલિકામાં 55 ટકા મહેકમ ખાલી હોવાથી મોટાભાગની જગ્યા ઈન્ચાર્જ પર ચાલે છે. પુરતો સ્ટાફ ન હોવાથી નિયમિત અને સમયસર કામ થઈ શક્તા નથી હાજર રહેલા કર્મચારીઓ- અધિકારીઓ પર કામનું ભારણ વધે છે. વર્ગ 1માં 25 ટકા ભરાયેલા અને 75 જગ્યાઓ ખાલી છે. એક અધિકારીને બે કે તેથી વધુના ચાર્જ આપવામાં આવ્યા છે.

– VMCમાં વર્ગ 1થી 3ની 50% જગ્યા ખાલી

વડોદરા કોર્પોરેશનમાં વર્ગ 1, 2 અને 3માં કુલ 4317 જગ્યાઓ પૈકી 2340 જગ્યાઓ ભરેલી છે અને 1978 જગ્યાઓ ખાલી છે. જ્યારે વર્ગ 4માં 2006થી જ ભરતી બંધ છે. અપૂરતા સ્ટાફથી મજબૂર પાલિકાના સત્તાધીશો 600 કર્મચારીઓની કોન્ટ્રેક્ટ હેઠળ ભરતી કરીને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ લાવવા માટે નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે.વડોદરા કોર્પોરેશનમાં આરોગ્ય, પાર્ક્સ એન્ડ ગાર્ડન, જમીન સંપાદન, દબાણ શાખા, ટાઉન પ્લાનિંગ, જમીન મિલકત શાખા, આકારણી સહિત વડોદરા કોર્પોરેશનમાં 70 વિભાગો દ્વારા વડોદરા કોર્પોરેશનનો વહીવટ ચાલે છે. જેમાં વર્ગ-1માં 68નું મહેકમ મંજૂર થયેલું છે. જે સામે 30 અધિકારીઓ ફરજ બજાવે છે. 38 જગ્યાઓ ખાલી છે. વર્ગ- 2માં 370નું મહેકમ મંજૂર થયેલું છે. જે સામે 261 અધિકારીઓ ફરજ બજાવે છે. 109 જગ્યા ખાલી છે. જ્યારે વર્ગ-3માં 3879નું મહેકમ મંજૂર છે. જે સામે 2049 ફરજ બજાવે છે. 1830 જગ્યા ખાલી છે.જોકે, તાજેતરમાં 535 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. હજુ વિવિધ જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.

– સુરતના ફાયરબ્રિગ્રેડ વિભાગમાં ૫૦ ટકા કર્મચારીઓની જગ્યા ખાલી

સુરત શહેરમાં વસ્તી પ્રમાણે કુલ ૩૪ ફાયર સ્ટેશન હોવા જોઈએ. જેની સામે હાલમાં માત્ર ૨૦ ફાયર સ્ટેશન જ છે. આ સિવાય અન્ય પાંચ ફાયર સ્ટેશનનું બાંધકામ ચાલુ છે. આ ઉપરાંત ફાયરબ્રિગ્રેડ વિભાગમાં કર્મચારીઓનું મહેકમ પણ ૫૦ ટકા ખાલી હોવાથી ભરતી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આગામી બેથી ત્રણ વર્ષમાં નવા ૯ ફાયર સ્ટેશન બનાવવા માટે પણ કવાયત શરુ કરાઈ છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં હાલમાં ૧૫૬૩ કર્મચારીઓનું મહેકમ છે. તે પૈકી ૮૦૦ જેટલી જગ્યા ભરાયેલી છે. જ્યારે ૭૬૩ જગ્યા ખાલી પડી છે. જોકે આ સંખ્યામાં માર્શલ અને ડ્રાઇવરની સૌથી વધારે જગ્યા ખાલી પડી છે. જેમાં માર્શલની ભરતી માટે કાર્યવાહી ચાલી રહી છે અને સિલેક્શન લિસ્ટ પણ બની ગયું છે.સબ ફાયર ઓફિસરની ૭૧ જગ્યામાંથી ૩૯ જગ્યા ભરેલી છે અને ૩૨ ખાલી પડી છે. સબ ફાયર ઓફિસર માટે અરજીઓ મંગાવી છે.

– રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે.

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. આ મુદ્દાને લઈને રાજ્ય સરકાર પર વિપક્ષે અનેક વાર વાકપ્રહારો કર્યા હતા. તેથી સરકારે તબીબોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં 1110 જેટલા તબીબોની ભરતી કરવામાં આવશે. રાજ્યની અનેક હોસ્પિટલમાં વર્ગ 2ના મેડિકલ ઓફિસર્સની ઘટ છેલ્લા કેટલાક સમયથી સળગતો મુદ્દો હતો. રાજ્યની 31 હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 119, 222 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430, રાજ્યની 57 ઈ.એસ.આઈ.સી હોસ્પિટલમાં 119 સહિત રાજ્યોને 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તબીબ વર્ગની 1272 જગ્યા પૈકી 1110 તબીબોને નિમણુંક આપી રહ્યા છીએ. બાકીની જગ્યાઓ ભરવા માટે પણ પ્રક્રિયા શરૂ કરી છે. એમબીબીએસ વર્ગ 2ના એમ.ઓ. ડોક્ટરનું કુલ મહેકમ 4855 છે. આ પૈકી 3636 જગ્યા ભરેલી છે. 1272 જગ્યા ખાલી છે. આ જગ્યા પૈકી 1110 જગ્યાઓ ભરી રહ્યા છે. ખાલી જગ્યાઓની સામે 2700 જેટલા બોન્ડેડ ડોક્ટરો ઉપલબ્ધ છે. આગામી એકાદ માસમાં પીજીની પરીક્ષા પૂર્ણ થયા બાદ લગભગ તમામ જગ્યાએ આ તબીબો ઉપલબ્ધ થશે. જગ્યા પસંદ કરીને પણ તેમને પણ નિમણુંક આપવામાં આવશે.


– રાજ્યમાં 25,000 શિક્ષકોની ઘટ

રાજ્યમાં શિક્ષકોની સ્થિતિ જોવા જઇએ તો સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 1.91 લાખનું મહેકમ ફાળવવામાં આવ્યુ છે. પરંતુ તેની સામે હાલ 1.73 શિક્ષકો ફરજ બજાવી રહ્યા હોવાની સત્તાવાર રીતે શિક્ષણ વિભાગ આપી રહ્યુ છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલ 25 હજાર શિક્ષકોની ખોટ વર્તાઇ રહી છે. એટલે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થાય છે, પરંતુ રાજ્યની શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી.રાજ્યમાં 33,339 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 1 થી 8 માં હાલ 50,57,477 વિદ્યાર્થીઓ, ધોરણ 9 થી 12 માં 1,85,090 વિદ્યાર્થીઓ મળીને રાજ્યની સરકારી શાળાઓમાં 52,42,567 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેની સામે ફક્ત 1.73 લાખ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. સરકાર દ્વારા 25 હજારમાંથી 10 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પરંતુ અન્ય ખાલી પડેલ જગ્યાઓને તબક્કાવાર ભરવામાં આવશે.

– 1606 શાળાઓ એક શિક્ષક થી ચાલતી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો

ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે વિકસિત વાયબ્રન્ટ ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળા છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વિકસિત ગુજરાતમાં ધો.1થી ધો.8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં 1 શિક્ષક હોય તો તો બાળકોને મળતા શિક્ષણનું સ્તર કેવું હશે તેની કલ્પના કરી શકાય છે. અમદાવાદમાં પણ ૧૭, ભરૂચમાં ૧૦૨, બોટાદમાં ૨૯, છોટાઉદેપુરમાં ૨૮૩, દાહોદમાં ૨૦, ડાંગમાં ૧૦ અને ગાંધીનગર ૮ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ત્યારે ૫.૩ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકાર કર્યો છે. રાજ્યની ઘણી એવી શાળાઓ છે જેમાં એક વર્ગમાં એક સાથે બે વિષયો પર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, શિક્ષકોની ઘટના કારણે એક શિક્ષકને વધારાના વિષય ભણાવવા પડી રહ્યા છે. ત્યારે આવી સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પણ સરખી રીતે અભ્યાસ કરી શકતા નથી. શિક્ષકોની ઘટ સાથે શાળાઓની બોગસ સ્થિતિ, જર્જરિત વર્ગખંડ, શાળામાં જોઈતી વ્યવસ્થાના અભાવના કારણે રાજ્યના વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર બની છે.

– સરકારી નોકરી કેટલાને આપી તે માહિતી જાહેર કરો : કોંગ્રેસ

વીતેલા વર્ષે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બેરોજગારોની માહિતી સંકલિત કરીને જાહેર કરવામાં આવી હતી . કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યના 31 જિલ્લામાં શિક્ષિત બેરોજગારોની સખ્યા 2,70,922, અર્ધશિક્ષિત બેરોજગાર 12,219 મળીને કુલ 293,140 બેરોજગારો નોંધાયા છે. તેની સામે સરકારે 4,70, 444 બેરોજગારોને ખાનગી રોજગારી પુરી પાડવાનો દાવો કર્યો છે. પરંતુ સરકારી રોજગારી કચેરી દ્વારા મળેલી માહિતી પ્રમાણે સરકારી નોકરી કેટલાં બેરોજગારોને મળી તેની માહિતી કચેરી પાસે ઉપલબ્ધ ન હતી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં સરકારી મહેકમ ભરવા બાબતે અવાર નવાર યુવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા સરકારી મહેકમ ભરવા માટે વિવિદ ભરતી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ પેપર લીંક થવાના કારણે સમયસર ભરતી થઈ શકતી નથી. જેના કારણે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે.

BY KALPESH MAKWANA ON NOVEMBER 26, 2024

error: Content is protected !!