fbpx Press "Enter" to skip to content

સોફટવેર એન્જિનિયર સતિષ પટેલ: ખેતીથી યુવાનોને પ્રેરણા આપનાર યુગ પુરુષ

ખેતીથી દૂર ભાગતા યુવાનો માટે સતિષ પટેલ પ્રેરણારૂપ

આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે,ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના સોફટવેર એન્જિનિયરે ફુલોની ખેતી કરવાની શરૂઆત કરી છે.ફુલોની ખેતી કરી યુવાન વર્ષે દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે.સુરતનો આ યુવાન ખેતીના કામથી દૂર ભાગતા એવા અનેક યુવાઓ માટે આજે દાખલારૂપ છે.સોફટવેર એન્જિનિયર છે અને અને હવે ખેડૂત પણ છે. સોફ્ટવેરનો સ્વતંત્ર બિઝનેસ કરે છે, એટલું જ નહી ફુલોની ખેતી કરીને વેચાણ પણ કરે છે. એટલે જ ખેડૂત, સોફટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ એવા આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી ૩૫ વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ મંદિરમાં પૂજા-અર્ચના, લગ્ન પ્રસંગો કે શુભ કાર્યક્રમોમાં સુશોભન માટે છૂટથી ઉપયોગમાં લેવાતા મેરીગોલ્ડ ફુલોની ખેતી કરીને વર્ષે દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે.

  કોરોનાએ ખેતી તરફ વાળ્યો…

સતિષ પટેલ કહે છે કે, મને નાનપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો. હું ભણીગણીને સોફટવેર એન્જિનિયર બન્યો. હાલ સુરત શહેરમાં બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું. પણ કોરોનાના સમયગાળા બાદ સોફટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી. જેથી ગલગોટાના ફુલોની ખેતી કરવાની શરૂઆત કરી હતી. ઓગષ્ટ-૨૦૨૪માં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું. નાસિકથી એક છોડ રૂા.ચારના ભાવે લાવીને ૩૨૦૦૦ છોડનું ૭ બાય દોઢ ફુટના અંતરે વાવેતર કર્યું હતું. જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઈરીગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચીંગ પધ્ધતિ અપનાવી, જેમાં સરકાર દ્વારા મલ્ચીંગમાં રૂા.૨૬,૦૦૦ તથા મેરીગોલ્ડમાં રૂા.૪૨૫૦૦ જેટલી સબસિડી પણ મળી છે.

  દરરોજ ૨૫૦ કિલો ગલગોટાનું ઉત્પાદન

ગલગોટાની ખેતીનો સમયગાળો ૯૦ દિવસનો હોય છે. ૬૦ દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે. પણ હાલ સતીષ પટેલના ખેતરમાં ૧૦૫ દિવસ બાદ પણ ફુલોનું ઉત્પાદન લઈ રહ્યો છું. દરરોજ ૨૫૦ કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે. સિઝન પ્રમાણે ભાવમાં વધઘટ જોવા મળી હતી. પણ સરેરાશ ભાવ એક કિલોદીઠ ૫૦નો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે.એક છોડ પર એક કિલોનું ઉત્પાદન મળતા કુલ ૧૫ લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે, જેમાં ૪૦ ટકા ખર્ચ બાદ કરતા રૂા.૮ લાખનો ચોખ્ખો નફો થયો હોવાનું સતિષ જણાવે છે.ગલગોટાના ફુલોમાં રોગ જીવાતની વિષે તેઓ જણાવે છે કે, આ છોડમાં ફંગસ તથા ઈયળનું પ્રમાણ વધારે રહે છે. ફુલોના છોડમાં વ્યવસ્થિત ફલાવરીંગ તથા બગાડ ન થાય તે માટે સ્ટેકીંગનો સપોર્ટ મહત્વનો છે.સતિષભાઈ કહે છે કે, મને સુરતમાં ફૂલોના વેચાણનું ઉમદા માર્કેટ મળ્યું છે, જ્યાં ધાર્યા મુજબ ફૂલોનું વેચાણ થઈ જાય છે. બરબોધન ગામથી સુરત શહેરના અશ્વીનીકુમાર ખાતે ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈને જાતે જ વેચાણ કરૂ છું, ફૂલોની યોગ્ય સંભાળ અને યોગ્ય કૃષિપદ્ધતિથી ઉછેરના કારણે મને ફુલોનો વધુ ભાવ મળે છે.

યુવા સતીષ પટેલની દિનચર્યા યુવનોને મહેનત માટે પ્રેરે છે

ખેડૂત, સોફટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ એવા આ યુવા સતિષ પટેલની દિનચર્યા જોઈએ તો સવારે ૩.૩૦ વાગે ફુલો લઈને ફુલોની માર્કેટમાં વેચાણ કર્યા બાદ બપોરે ૧૧.૦૦ વાગે પોતાની સોફટવેરની ઓફિસ પર અને ૪.૦૦ વાગ્યા બાદ વાડી પર જઈને કાર્ય કરે છે.આમ,આ સોફટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે. તેમણે સોફ્ટવેર અને ડિજીટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથો સાથ ખેતીને પણ જીવનનો ભાગ બનાવ્યો છે.

BY DIPAK KATIYA ON DECEMBER 4, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!