બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું, મારી અંત્યેષ્ઠિ નર્મદા કિનારે કરજો, પરિવારે કહ્યું, અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ
કરનાળીના મા રેવા આશ્રમે ભાવુક દૃશ્યો સર્જાયા,કામ-ધંધો છોડી મધ્યપ્રદેશના ૧૩ સભ્યો એક મહિનાથી નીકળ્યા છે
સમાજમાં વૃધ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃધ્ધો લાચારીભરી સ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે,ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના મા રેવા આશ્રમ ખાતે વૃધ્ધ માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે ધંધો-રોજગાર છોડી ત્રણ પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.
મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાડા નગરમાં રહેતા સેન પરિવારના ૨ વર્ષથી માંડીને ૯૦ વર્ષ સુધીના ૧૩ સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા. પરિવારના મોભી કૈલાસચંદ્ર સેને કહ્યું હતું કે, અમારા પરિવારમાં મારા ૯૦ વર્ષના માતા લક્ષ્મીબાઈ, મારી પત્ની, મારા બે પરિણીત પુત્ર સુરેન્દ્ર અને જિતેન્દ્ર તેમના પત્ની અને પાંચ બાળકો છીએ.અમે બ્યુટીપાર્લર,દુકાન અને ખેતી કરી ગુજરાન ચલાવીએ છીએ. થોડા સમય પહેલાં મારા માતા પથારીવશ થતાં તેમણે નર્મદા કિનારે અંત્યેષ્ઠિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમારી માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાતે બે કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ.માતાની ઇચ્છા પુરી કરવા બાબતે મારા બે પુત્ર સાથે વાત કર્યા બાદ અમે તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું. માતાને લઇ અમે મકાન-દુકાનને તાળાં મારી પરિક્રમા શરૂ કરી છે.જ્યારે, બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે. નર્મદા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજ પરોઢિયે ચાર વાગે ઉઠીને પૂજા-ધ્યાન કરી અમારી સાથે ભજન-કિર્તન કરી રહ્યા છીએ. અમને પરત ફરતાં દોઢથી બે મહિનાનો સમય લાગશે.મા રેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ કહ્યું હતું કે, અમારે ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઇને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે