આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ છે. ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે આ સંબંધિત અરજીઓ ત્રણ જજની બેંચને મોકલવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ અધિનિયમ લોકોની સમાનતા, જીવવાના અધિકાર અને વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાના આધારે પૂજાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયાધીશોની બેંચ – CJI ડી વાય ચંદ્રચુડ સિંહ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જે પી પારડીવાલા આ તમામ અરજીઓ પર સુનાવણી હાથ ધરી છે. બેન્ચ આ અધિનિયમની બંધારણીયતા અને વર્તમાન સંદર્ભમાં તેની સુસંગતતા પર પણ સુનાવણી કરશે. કોર્ટના નિર્ણય પર સમગ્ર દેશની નજર છે. આ નિર્ણય દેશમાં રાજકીય અને ધાર્મિક વિવાદોની દિશા નક્કી કરી શકે છે.
દેશમાં વિવાદિત ધાર્મિક સ્થળોને લઈને ભારે ચર્ચા
![](https://www.ourvadodara.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-06-at-11.58.00-300x169.jpeg)
પૂજા અધિનિયમની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓના સંબંધમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી ઘણી વખત જવાબો માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે પૂજા અધિનિયમ વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરવાની મંજૂરી આપતા જ દેશમાં વિવાદિત ધાર્મિક સ્થળોને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોર્ટના નિર્ણયની વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર પણ મોટી અસર પડી શકે છે.આ બે ધાર્મિક સ્થળો સિવાય પણ એવા ઘણા ઐતિહાસિક સ્થળો અને ઈમારતો છે, જેના વિશે દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, દિલ્હીનો કુતુબ મિનાર, આગ્રાનો તાજમહેલને લઈેને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ ઐતિહાસિક ઈમારતોનો પાયો હિંદુ ધાર્મિક સ્થળોનો હતો. જેનું અસ્તિત્વ મુઘલ કાળમાં તોડી પાડવામાં આવ્યું હતું. તેમ કહેવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં કુલ છ અરજીઓ દાખલ કરવામાં આવી
![](https://www.ourvadodara.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-06-at-11.21.21-300x200.jpeg)
પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991 ની કેટલીક જોગવાઈઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કુલ છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય અને વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘની અરજીનો સમાવેશ થાય છે.આ સમગ્ર મામલે સુન્ની મુસ્લિમ ઉલેમાનું સંગઠન પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. સંગઠને કહ્યું છે કે અયોધ્યા ચુકાદા દરમિયાન અન્ય ધાર્મિક સ્થળોને લઈને કોર્ટ દ્વારા આપવામાં આવેલા વર્ઝનમાં ફેરફાર ન કરવો જોઈએ. આમાં ફેરફાર થવાથી લઘુમતીઓમાં અસલામતી પેદા થશે.
જ્ઞાનવાપીથી અજમેર શરીફની દરગાહ સુધી વણથંભ્યો સિલસિલો
![](https://www.ourvadodara.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-06-at-11.25.38-300x225.jpeg)
છેલ્લા થોડા સમયથી ભારતમાં મસ્જિદ અને દરગાહોના મૂળમાં મંદિરો શોધવાની પ્રવુત્તિ જોર પકડી રહી છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ અને મધ્યપ્રદેશના ધારની કમલ મૌલા મસ્જિદથી શરૂ થયેલો સિલસિલો ઉત્તર પ્રદેશના સંભલની મસ્જિદ અને રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ સુધી વણથંભ્યો ચાલુ જ છે. સંભલની શાહી જામા મસ્જિદ મૂળ હરિહર મંદિર હતું, એવા હિન્દુ પક્ષના દાવાને લીધે સર્જાયેલા વિવાદે હિંસક વળાંક લીધો હતો. આવા કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, દેશનો કાયદો આ બાબતમાં શું કહે છે?
કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ
પૂજા સ્થળ સંબંધિત વિવાદમાં ‘પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ’ (પૂજા સ્થળ અધિનિયમ) લાગુ પડે છે. 1991માં દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ આ કાયદો કહે છે કે, 15 ઓગસ્ટ, 1947ના રોજ કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ, તેની ધાર્મિક પ્રકૃતિ અને ધાર્મિક ઓળખ સમાન રહેવી જોઈએ, તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થવા જોઈએ. પૂજા સ્થળ અધિનિયમ મુજબ પૂજા સ્થાનોની ધાર્મિક ઓળખ બદલવા માટે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી, કોઈ નવા કેસ શરૂ કરી શકાતા નથી. જોકે, અયોધ્યાના રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદને આ કાયદાના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેથી અયોધ્યામાં રામ મંદિર બની શક્યું. 1991થી અમલમાં હોવા છતાં આ કાયદાની ઘણાં આધારો પર ટીકા પણ કરવામાં આવતી રહી છે. વિવિધ ધાર્મિક સંગઠનો અને વ્યક્તિગત રીતે પણ આ કાયદાને રતબાદલ કરવાની માંગ વખતોવખત ઊઠતી રહી છે.
![](https://www.ourvadodara.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-06-at-11.34.34-300x195.jpeg)
![](https://www.ourvadodara.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-06-at-11.36.49-300x195.jpeg)
BY KALPESH MAKWANA ON DECEMBER 06, 2024