fbpx Press "Enter" to skip to content

કેન્સરથી લડાઈ – સમયસર શોધ અને સારવારથી મુંઝવણને માત આપો

કેન્સર એટલે શું ? શું કેન્સર ને હરાવી શકાય છે !?

“કેન્સર”  શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેન્સર એટલે કેન્સલ એમ લોકો માની લેતા હોય છે. કારણ કે કેન્સર જ્યારે પકડાય છે ત્યારે એ ત્રીજા કે ચોથા સ્ટેજ પર હોય છે. જેનો કોઈ ઈલાજ હોતો નથી. એટલે કે દર્દી ને થોડા મહિના કે વર્ષ નું જીવન આપી શકાય છે. પરંતુ કેન્સર માંથી છુટકારો આપી શકાતો નથી. પણ કેટલાક કેસ માં એટલે કે અર્લી સ્ટેજ માં જો કેન્સર પકડાય તો તેનાથી બચી શકાય છે.

ભારતના પ્રાચીન ઈતિહાસમાં અથર્વવેદમાં પણ કેન્સરનો ઉલ્લેખ છે. આયુર્વેદમાં એને “અર્બુદ”ના નામથી સંબોધાયો છે. ભારતના મહાન પ્રાચીન સર્જન સુશ્રુતે સંસ્કૃતમાં લખેલી “સુશ્રુત સંહિતા”માં અર્બુદ એટલે કે કેન્સર ,તેના વિવિધ પ્રકારો અને તેની શલ્યક્રિયા (Surgery) વિશેની વિસ્તૃત માહિતી આપેલી છે. અમેરિકન કેન્સર સોસાયટીના મતે કેન્સરનો સૌથી જૂનો રેકોર્ડ (3000 B.C.) ઈજિપ્તના ઈતિહાસમાંથી મળે છે જેમાં સ્તન કેન્સર અને તેની સર્જરીનો ઉલ્લેખ છે.

કેન્સર શું છે?

આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિતરૂપે કાર્ય કરવા કટિબધ્ધ હોય છે અને નિયમિતરૂપે તેમનું વિભાજન થતું હોય છે. ઉદાહરણરૂપે, કોઈ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિતરૂપથી વિભાજીત થઈ એ ઘા ને રૂઝાવી દે છે. આ વિભાજનની પ્રક્રિયામાં જો કોઈ કોષમાં ખામી ઉત્પન્ન થાય તો તે કોષ નાશ પામે અને તેની જગ્યાએ નવા ખામીરહિત કોષ ઉદભવે. પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ના પામે અને પછી તે અનિયમિતરૂપે સતત વિભાજીત થતા જાય ત્યારે કેન્સરમાં પરિણમે છે. ટૂંકમાં, શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્વિ એટલે “કેન્સર”.

કેન્સર કયા અંગ ને પકડે છે :-

કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, હાડકા, બ્લડ, ચામડી એવા વિવિધ પ્રકારના કેન્સર જોવા મળે છે. કેન્સરની ઉત્પત્તિ શરૂઆતમાં કોઈપણ એક અંગમાં થાય છે અને પછી તેનો ફેલાવો શરીરના બીજા અંગોમાં થઈ શકે છે, જેને Spread અથવા તો મેડિકલની ભાષામાં Metastasis કહે છે. જેમ કે, જીભનું કેન્સર જીભ સુધી સીમિત હોય છે પછી એ ગળાની ગાંઠોમાં જઈ શકે છે એનાથી આગળ ફેફસા, લિવર, હાડકામાં તેનો ફેલાવો (Spread) થી શકે છે.

ભારતમાં દર વર્ષે કેન્સરના આઠ થી દસ લાખ નવા કેસ નોંધાય છે. એક સર્વેક્ષણ મુજબ દર વર્ષે આશરે છ લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે. ભારતમાં 70% કેન્સર એડવાન્સ સ્ટેજમાં (ત્રીજા કે ચોથા સ્ટેજમાં) પકડાય છે. જેથી કેન્સરને કારણે થતાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે. જો કેન્સરને તેના શરૂઆતના તબક્કામાં પકડી શકાય તો તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે.

કેન્સર કરનારા પરિબળો

તમાકુ , દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ (હિપેટાઈટીસ વાયરસ, હ્યુમન પેલીલોમા વાયરસ)આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ ગણી શકાય.

ત્યારે જો કેન્સર થી બચવું હોય તો શરીરમાં કોઈપણ તકલીફ જે સામાન્ય દવાથી ન મટતી હોય તો તેની અચૂક તપાસ કરાવવી. ક્યારેક ગળું બેસી જવું કે તાવ ન ઉતરવો , જમવાનું ગળામાથી ઉતારતા જો ગળા માં દુખાવો થતો હોય કે પછી માસિક સ્ત્રાવ વખતે વધુ પડતું લોહી આવવું, વગેર વગેરા બાબતો જે તમારા શરીર માં અચાનક બદલાવ લાવે ત્યારે ચોક્કસ થી રાહ ન જોઈ તુરંત ડોક્ટર નો સંપર્ક કરવો. કદાચ એ કેન્સર ન પણ હોય . છત્તા અચાનક શરીર માં આવેલ બદલાવ કઈ અજુગતું થયા ની નિશાની સૂચવે છે. જે તમારું શરીર સ્વીકારી શકતું નથી.

અને એવું પણ નથી કે જો આપ કોઈ વ્યસન નથી કરતા., આપ પૌષ્ટિક ખોરાક લઈ રહ્યા છો, આપ નિયમિત કસરત પણ કરો છો તેમ છતાં પણ કેન્સર થઈ શકે છે.  એટલે જ જો કોઈ શરીર માં ફેરફાર લાગે કે પછી દવા પણ તમારા રોગ પર કારગત નથી નિવડતી તો ક્યાંક એ કેન્સર પણ હોઇ શકે છે.

કેન્સરની સારવાર પદ્વતિઓ

કેન્સરની મુખ્ય ત્રણ સારવાર પદ્વતિ હોય છે (1) ઓપરેશન (2) રેડિયો થેરાપી અને (3) કેમોથેરાપી અને Targeted therapy. કેન્સરની સારવારમાં એક પધ્ધતિ કરતાં વધુ પધ્ધતિ અપનાવાય છે. પચાસ ટકાથી વધુ કેન્સરની સારવારમાં એક કરતાં વધુ પધ્ધતિ અપનાવાય છે. જેમ કે સ્તનના કેન્સરમાં હવે સ્તન બચાવવાના ભાગરૂપે મોટાભાગના દર્દીમાં ત્રણેય સારવાર પધ્ધતિ અગત્યનો ભાગ ભજવે છે. તેવી જ રીતે મોટા આંતરડાના ઓપરેશન કર્યા પછી લગભગ પચાસ ટકાથી વધુ દર્દીને કેમોથેરાપી આપવામાં આવે છે તેવી જ રીતે મોઢાના કેન્સરના ઓપરેશન પછી ઘણા બધા દર્દીને રેડિયોથેરાપીની જરૂર પડે છે. અને આમ સારવારનો સમન્વય કરવાથી કેન્સર મટાડવાના પ્રમાણમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે..

 

કેન્સર રોગ સામેની લડત :-

“કેન્સર જે જાણે એ જીતે અને ડરે એ મરે”, આ કહેવતનો મતલબ એ છે કે કેન્સર વિશે જાણકારી હોવી અને જેને કેન્સર થાય એને કેન્સરની હિંમતભેર સારવાર કરાવી. કેન્સર થયું છે એના ડરથી બેસી જવાથી કેન્સર મટતું નથી. જો કે હવે કેન્સરથી થતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને એ પૂરવાર કરે છે કે કેન્સર મટે છે એમાં આજની આધુનિક સારવાર અને કેન્સરના ડોક્ટર્સનો અથાગ પ્રયત્ન તો ખરો જ, પણ બીજા ઘણા કારણો ભાગ બજવે છે જેમાં દર્દી કેન્સરના રોગ પર વિજય મેળવે છે. જો કે શરૂઆતી તબક્કા માં કેન્સર વિષે માલૂમ પડી જવું અને એની સારવાર વેળાસર શરૂ કરી દેવી પણ કેન્સર સામે ની લડાઈ માં જીત માટે મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે દર્દી પોતાના હકારાત્મક વિચારો અને આંતરિક શક્તિઓથી જીવનનો દ્રષ્ટિકોણ બદલી ક્ષણેક્ષણની લડાઈ સાહસથી કેન્સર સામે લડવાથી તેને જીત હાંસિલ થાય છે. અંતે દર્દી બધા ભય, શોકથી મુક્ત, “કેન્સર મુક્ત” બને છે.

BY SHWETA BARANDA ON NOVEMBER 27, 2024

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!