fbpx Press "Enter" to skip to content

આરોગ્ય સેવા: કયા કારણોથી ડોકટરો પરનો વિશ્વાસ ખોવાઈ રહ્યો છે?

આરોગ્ય સેવા :ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોકટરો ‘કસાઈ’ કેમ બની રહ્યા છે..?

પૈસાને પરમેશ્વર ગણી પૂજાતા આવા ડોક્ટરોને કારણે સેંકડો સારા ડોકટરો પણ વગોવાઈ છે!

આપણા સ્વજન જીવન મરણ વચ્ચે મોત સામે જંગ લડતા હોય ત્યારે આપણને સૌથી વધુ ભરોસો ભગવાન કરતા પણ આપણા સ્વજનની સારવાર કરી રહેલા ડોક્ટર પર હોય છે કારણ કે,ડોકટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે,જોકે વર્તમાન સમયમાં આ ભરોસો તૂટતો જાય છે,કેટલાક ડોક્ટરોના એક પછી એક બહાર આવતા કરતૂતોએ ભગવાનના સ્વરૂપ એવા ડોકટરો પરના વિશ્વાસને ડગમગાવી મુક્યો છે.ડોકટરના વ્યવસાયને રૂપિયા રળવાનું કારખાનું બનાવી બેસી ગયેલા અનેક તબીબો આજે ભગવાનનું રૂપ નહિ પણ કસાઈ જેવા બની રહ્યાં હોય તેમ લાગે છે જે દુઃખ સાથે આઘાતજનક પણ છે.આમ તો શિક્ષણના વેપારીકરણની જેમ આરોગ્ય સેવાનું પણ વ્યાપારીકરણ થઇ રહ્યું છે.ખાનગી હોસ્પિટલોના સંચાલનમાં ઘુસી આવેલા કેટલાક માલેતુજારોની લોબી માનવતાને નેવે મૂકી હોસ્પિટલોને કસાઈખાનું બનાવી રહી છે.ત્યારે હોસ્પિટલ અને તબીબો કેમ કસાઈ બની રહ્યા છે એવો સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે.ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાતા ડોકટરો જ થોડા પૈસા માટે છરો લઈ જયારે કારણ વગર દિલ ચીરતા હશે ત્યારે તમને હાથ ધ્રુજ્યા કે કેમ નહીં હોય? કેમ કસાઈ બની દર્દીને બકરા સમજી કાપી દેવતા હોય છે? તબીબી વ્યવસાયમાં ઘુસી ગયેલા આ દુષણ સામે ઝુંબેશ જરૂરી છે કારણકે કેટલાક તબીબોને કારણે આખે આખી ડોક્ટર કોમ બદનામ થઇ રહી છે.લોકોનો ડોક્ટર પરથી ભરોસો ઉઠી રહ્યો છે.

સામાન્યતઃ તબીબી વ્યવસાય કોઈ પૈસા કમાવવાનો વ્યવસાય નથી પણ વર્તમાન સમયમાં પૈસાને જ પરમેશ્વરની જેમ પૂજાતા પરમેશ્વર સ્વરૂપ તબીબોના હાથમાં કેલિડોસ્કોપ માત્ર દેખાવ પૂરતો જ રહ્યો હોય તેવું હાલમાં બની રહેલી અનેક ઘટનાઓ પરથી લાગી રહયું છે.કેટલાક તબીબો અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓ હલાલ માટે આવતા બકરા સમાન બની રહયા છે,તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબીઓએ સરકારી PAMJY યોજનાના નાણાં મેળવવા માટે અનેક દર્દીઓની છાતી ચીરી મૂકી હતી.2 દર્દીઓના મોતને કારણે ડોકટરોનું કસાઈખાનું બની રહેલ ખ્યાતિનું સત્ય સામે આવ્યું હતું.લોકોને ભોળવી પોતાના ખિસ્સા ભરતા આવા અનેક તબીબો આજે બજાર ખોલી તબીબી વેપાર કરી રહ્યા હોવાનું મનાય છે,જેઓ સારવારના નામે થોકબંધ રૂપિયા પડાવતા પણ અચકાતા નથી.જુદાજુદા બહાને દર્દીઓને સુવડાવી નોટો છાપવાનો ગોરખધંધો આવા તબીબો ચલાવતા રહેતા હોવાનું પણ મનાય છે.ખેર પૈસાને પરમેશ્વર ગણી પૂજાતા આવા ડોક્ટરોને કારણે સેંકડો સારા ડોકટરો પણ વગોવાઈ છે જે વાસ્તવિકતા છે.

 સારા ડોકટરોની પણ ખોટ નથી..પણ તેને ઓળખવા જરૂરી!

ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોકટરો 'કસાઈ' કેમ બની રહ્યા છે..
ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોકટરો ‘કસાઈ’ કેમ બની રહ્યા છે..

વર્તમાનમાં બની રહેલી અનેક ઘટનાઓએ તબીબી વ્યવસાય સામે પ્રશ્નાર્થ સર્જી દીધા છે,મલ્ટીસ્પેશ્યાલીસ્ટ બની રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો તો માત્ર રૂપિયા રળવાનું મશીન બની જતા આરોગ્ય સેવા સદંતર કથળી ગઈ હોવાનું દેખાય છે.સરકારી હોસ્પિટાલોની સામે અનેક ફરિયાદો વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે જતા દર્દીઓને પણ આવી ખાનગી હોસ્પીટલોનો કડવો અનુભવ થઇ રહ્યો છે.જોકે ખરાબ હોય છે તેની વચ્ચે સારું પણ ઘણું હોય જ છે,આમ કેટલાક ખરાબ અને પૈસા ભૂખ્યા ડોકટરો વચ્ચે સારા અને ઈમાનદાર તબીબોની પણ ક્યાંય ખોટ નથી અનેક તબીબો દર્દીઓને સારા કરવા રાતદિવસ જોયા વગર મહેનત કરે છે કેટલાય ડોક્ટરો એવા છે કે,ગરીબ દર્દીઓની સારવાર માટે હજારો રૂપિયા જતા પણ કરે છે આવા સારા ડોકટરો સાચે જ ભગવાનનું સ્વરૂપ છે,પણ કમનસીબી એ છે કે,આવા તબીબોને ઓળખવા જરૂરી છે.જૉ ડોકટરો તબીબી વ્યવસાયને ભગવાને તેમને આપેલી અદભુત શક્તિ ગણી લોકોની સારવાર કરશે તો ચોક્કસ ડોકટરો માથે લાગેલ કસાઇનું કલંક ચોક્કસ પણ દૂર થશે તેમાં બે મત નથી!

 ડોનેશનનો ડોઝથી ‘ડોક્ટર’ ડોક્ટર મટી દુકાનદાર બની રહ્યાં છે?

તબીબી વ્યવસાયમાં ભારતનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે,અનેક દેશોના લોકો ભારતમાં સારવાર માટે પણ આવી રહ્યા છે જોકે ભારતમાં અને ગુજરાતમાં કેટલાક કિસ્સાઓ તબીબી વ્યવસાયને લાંછન લગાવે છે ખ્યાતિકાંડથી દેશ જ નહીં વિશ્વમાં ગુજરાતની આરોગ્ય સેવાની છબી ખરડાઈ છે.આ ઉપરાંત પણ અનેક કિસ્સાઓમાં કેટલાક તબીબોએ ડોકટરના પ્રોફેશનને માત્ર રૂપિયા રળવાનું મશીન બનાવી દેતા પણ આરોગ્ય સેવા કથળી છે,આ માટે કોણ જવાબદાર?એવો પ્રશ્ન ચોક્કસ થાય ત્યારે એમ મનાય છે કે, આ માટે કયાંક ને ક્યાંક મેડિકલ શિક્ષણમાં ઘર કરી ગયેલ ડોનેશન પ્રથા જવાબદાર છે,લાખો કરોડો રૂપિયાના ડોનેશન બાદ મેડીકલમાં પ્રવેશ મેળવી ડોક્ટર બનનાર કેટલોક વર્ગ એમ મને છે કે,ડોક્ટર બનવા ડોનેશન આપ્યું છે તો પછી કમાણી તો કરવી જ રહી અને આમ એ ‘ડોક્ટર’ ડોક્ટર મટી દુકાનદાર બની જાય છે? ખેર મેડિકલ શિક્ષણ માટે હવે તો ઉચ્ચ શિક્ષણમાં મેળવેલા ગુણાંકની ગુણવતાનો પણ ક્યાં આધાર રહ્યો છે.બસ ડોનેશનના આધારે મેડીકલમાં સરળતાથી એડમિશન મળી જાય એટલે ડોક્ટરનો થપ્પો લાગી જ ગયો? આ વાત કડવી પણ ક્યાંક ને ક્યાંક વાસ્તવિક પણ છે અને આ બધા ડોક્ટરોને લાગુ નથી પડતી પણ જેને ડોક્ટરને દુકાનદારનું બનાવી રૂપિયા જ રળવામાં રસ છે તેવો માટે છે.

  ‘PMJAY‘ કેટલીક ખાનગી હોસ્પિટલો માટે ‘ATM’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોની આરોગ્યની સુખાકારી માટે ખાસ યોજના અમલમાં મૂકી છે,પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા યોજનાથી ગરીબ અને જરૂરિયાતમંદ દેશવાસીને 5 થી 10 લાખ સુધીની મફત સારવાર દેશભરની અનેક હોસ્પિટલોમાં મળી રહી છે,ગુજરાતમાં પણ અનેક ખાનગી હોસ્પિટલો આ યોજના સાથે જોડવામાં આવી છે જોકે આ પૈકીની કેટ્લીક હોસ્પિટલોએ ‘PMJAY’ યોજનાને એની ટાઈમ મની (ATM) સમજી વ્યાપક ગેરરીતિ આચરી છે. જેના ચોંકાવનારા ખુલાસાઓ પણ એક પછી એક સામે આવી રહ્યા છે.ખ્યાતિ હોસ્પિટલ ‘PMJAY’નો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવતો તેનું સૌથી મોટું ઉદાહરણ છે.કેવી રીતે રૂપિયા કમાવવા જીવતા લોકોના હ્ર્દય ચીરી નખવામાં આવતા? જે સાંભળીને જ કાળજું કંપી જાય તો એવું કરનારા તબીબોના હાથ ધ્રુજ્યા કેમ નહીં તેવો પણ સવાલ ચોક્કસ થાય? દેશમાં આરોગ્ય સેવા તમામને મળે અને ગરીબોને મફત સારવાર માટે આ યોજનાનો અમલ કરવમાં આવી રહ્યો છે જોકે આ યોજનાનો ગેરલાભ લેતી અનેક હોસ્પિટલોના કારનામાઓ સામે આવતા જ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે કેટલીક હોસ્પિટલો સામે કાર્યવાહી કરાઈ છે તો કેટલીક હોસ્પિટલોને નોટીસ પણ ફાટકરવામાં આવી છે.

BY DIPAK KATIYA ON DECEMBER 19, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!