આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ
એક માન્યતા અનુસાર નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેથી આ દિવસે ખ્રિસ્તી લોકો એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવવાની સાથે ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે દેવળોમાં કે પછી લોકો પોતાના ઘરે ક્રિસમસ ટ્રી મૂકીને તેને શા માટે ડેકોરેટ કરે છે? તેમજ સાન્તાક્લોઝનું બાળકો અને પરિવારજનોને ભેટ આપવા પાછળ શું કારણ રહેલું છે? નથી ને? તો આવો તેના વિશે આપણે જાણીએ.
ખ્રિસ્તી ધર્મના લોકો નવા વર્ષની શરૂઆત પ્રભુ ઈસુના જન્મદિવસથી કરતા હોય છે. આ પર્વ દરમિયાન લોકો પોતાના ઘર અને દેવળોને જુદી જુદી લાઈટો, સ્ટાર, ક્રિસમસ ટ્રી, અલગ અલગ સુશોભન વગેરેથી સજાવતા હોય છે. આ સાથે કેટલાક લોકો સાન્તાક્લોઝ બનીને બાળકો, પરિવારજનો અને જરૂરિયાતમંદોને નાની-મોટી ભેટ-સોગાદ આપતા હોય છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથ્લેહેમમાં થયો હતો. તેથી યુરોપમાં રહેતા ખ્રિસ્તી ધર્મના લોકો નાતાલ પર્વની ઉજવણી વખતે પોતાના ઘર અને દેવળોના આંગણમાં ફર કે પાઈનના વૃક્ષ અને તેની ડાળીઓને સજાવતા. એટલું જ નહિ, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તેઓ ગુપ્ત રીતે પાઈનના વૃક્ષની ડાળીઓ પર નાની-મોટી ભેટો પણ લટકાવતા.
ક્રિસમસ ટ્રીની સાથે સાથે સાન્તાક્લોઝનું પણ અનોખું મહત્વ રહેલું છે.સામાન્ય રીતે સાન્તાક્લોઝ અને નાતાલને ઐતિહાસિક રીતે કે પછી આધ્યાત્મિક રીતે ખાસ કોઈ સંબંધ નથી. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના માનવજાત પ્રત્યેના ઉદાર પ્રેમને વ્યક્ત કરતી ભાવના જોડાયેલી છે. પ્રભુ ઈસુ કહેતા કે જેની પાસે વધારે હોય તેમણે જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ. જે ગરીબને આપે છે તે પ્રભુને ઉછીનું આપે છે. આમ, આ સિદ્ધાંતોના આધારે ખ્રિસ્તી ધર્મમાં લોકો ઈસુના જન્મની ઉજવણી પ્રસંગે ભેટ આપીને એકબીજાની મદદ કરે છે.
સાન્તાક્લોઝનું મૂળ નામ સેંટ નિકોલસ પરથી પડ્યું હોવાનું મનાય છે. સેંટ નિકોલસ ચોથી સદીમાં થઈ ગયેલા તુર્કીના એક ઉદાર સ્વભાવના ગ્રીક સંત હતા. તેઓ જરૂરિયાતમંદને મદદ કરવાની ભાવના સાથે અનેક પુણ્યશાળી પ્રવૃત્તિઓ પણ કરતા. સેંટ નિકોલસ જ્યારે જરૂરિયાતમંદોને મદદ કરતા ત્યારે તેઓ પોતાને પોષાક પણ બદલી નાખતા. બાળકોને ભેટ-સોગાદો પણ આપતા. આમ, સાન્તાક્લોઝની ભેટ આપવાની આ પ્રથા આજે માનવતાના પ્રેમનું પ્રતીક બની ગઈ છે.
BY SHWETA BARANDA ON DECEMBER 25, 2024
Be First to Comment