Press "Enter" to skip to content

સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ વધુ પડકારજનક બની શકે છે

સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ વધુ પડકારજનક

સાયબર સ્કેમર્સ દરરોજ નવી નવી રીતોથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. અને લોકો પણ લાલચ, ડર, અપૂરતી માહિતીના કારણે ભોગ બની રહ્યા છે. સાયબર ફ્રોડ વૈશ્વિક સમસ્યા બની ગયું છે. સાયબર ફ્રોડમાં બેરોજગાર યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને નિશાન બનાવવામાં આવે છે. કૌભાંડોનો ભોગ બનેલા લોકો તેમની મહેનતની કમાણી તેમજ ઉછીના લીધેલા નાણાં ગુમાવે છે. છેતરપિંડીનાં પરિણામો લોકો અને અર્થતંત્ર બંનેને અસર કરે છે. લોકો જીવનની તમામ બચત ગુમાવી રહ્યા છે. જેથી માનસિક તણાવ વધવા સાથે અને ડિજિટલ પ્લેટફોર્મ પરનો વિશ્વાસ ઓછો થાય છે. ફ્રોડ બાદ તેની ફરિયાદ, તપાસ ,ફ્રોડ રોકવાના પ્રયત્નો પાછળ આર્થિક બોજ પણ વધી રહ્યો છે. સાયબર ફ્રોડની અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે. દુનિયાના તમામ દેશો આ જ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. આજના યુગમાં ડિજિટલાઇઝેશન વધવા સાથે સાયબર ફ્રોડ પણ વધી રહ્યાં છે. સાયબર ગઠિયા કેટલીકવાર લોકોને છેતરવા માટે લોકપ્રિય વલણો ,ઇવેન્ટ્સ વગેરેનો લાભ લે છે. ઘણા લોકો તેની જાળમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે.

ડિજિટલ એરેસ્ટ વીતેલા વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહેલ સાયબર ફ્રોડમાં મોટેભાગે પોલીસકર્મી, ED અધિકારી, કસ્ટમ અધિકારી, જજ કે પછી CBI અધિકારી બનીને ગઠિયાઓ લોકોને વીડિયો કોલ કરે છે. ખોટા કેસનો ડર બતાવી વીડિયો કોલ દ્વારા જ નજરકેદ કરવામાં આવે છે. સાથે જ રૂપિયા ખંખેરવામાં પણ આવ્યા છે. તેમજ શેરબજારમાં રોકાણ કરવાના નામે મોટા વળતરની લાલચ આપવામાં આવે છે. નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભાં કરવામાં આવે છે. વેબસાઇટ અને એપ્લિકેશન બને છે. લાલચમાં આવી કોઇ રોકાણ કરે એટલે પત્યું સમજો. જયારે ફિશિંગ સ્કેમ સાયબર ફ્રોડનો આ પ્રકાર તો જૂનો અને સદાબહાર છે, જેમાં યેનકેન પ્રકારે તમને કોઇ લિંક પર ક્લિક કરવા માટે મજબૂર કરવામાં આવે છે. તે લિંક પર ક્લિક કરો એટલે એકાઉન્ટ ખાલી થઇ હે છે. તદુપરાંત AI ની મદદથી સ્કેમર્સ ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવતા હતા, જેમાં તેઓ માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો અથવા પરિચિતોના અવાજની નકલ કરતા હતા અથવા તેમના જેવા ચહેરાઓ બનાવતા હતા. અને વીડિયો કે ઓડિયો કોલ કરે છે. તથા અસલ શોપિંગ વેબસાઇટની નકલ કરીને નકલી પોર્ટલ બનાવ્યું અને લોકોને લૂંટ્યા છે .લોકોને નકલી ડિસ્કાઉન્ટ અને ઑફર્સની લાલચ આપવામાં આવી રહી છે.

મળતી માહિતીનુસાર, ભારત સહિત સમગ્ર વિશ્વ 85 લાખ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો શિકાર બન્યું છે. ગત વર્ષે માત્ર ભારતમાં જ રોજનું 60 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં ભારતીયોએ લગભગ 11 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર પ્રતિદિન 6 હજાર ફરિયાદો થઇ છે. ભારતીયોને સરેરાશ દૈનિક રૂ. 60 કરોડનું નુકસાન થયું છે. સરકારે આવી છેતરપિંડી રોકવા માટે 6.69 લાખ સિમ કાર્ડ અને 1.32 લાખ આઇએમઇઆઇ બ્લોક કરી નાખ્યા છે.

ગુજરાત પોલીસ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ વીતેલા વર્ષ 2024માં સાયબર સ્કેમર્સએ છેતરપિંડી કરી નિર્દોષ નાગરિકોના પડાવી લીધેલ રૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. વીતેલા એક વર્ષમાં 285.12 કરોડ રૂપિયા ફ્રિઝ કરી રિકવર કરવાની કાર્યવાહી થઇ રહી છે. રાજ્યમાં વર્ષ 2024 દરમ્યાન સાયબર ક્રાઇમની 1.31 લાખ ફરિયાદો સામે આવી છે. સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ ભારત માટે વધુ પડકારજનક બની શકે છે. સાયબર સ્કેમર્સ નવી પદ્ધતિઓ વિકસાવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. જાગરૂકતા અને સલામતીનાં પગલાં ધ્યાનમાં નહીં લેવામાં આવે તો નાગરિકો અને વ્યવસાય બંનેને નુકસાન થઈ શકે છે. જેથી લોકો જાગૃત થાય તો જ આ સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. તેમાંય ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં સાક્ષરતા દર જ ઓછો હોય ત્યારે આ વાત વધારે મહત્ત્વની અને ચેલેન્જિંગ બની જાય છે.

BY KALPESH MAKWANA ON 3 JANUARY 2025

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!