Press "Enter" to skip to content

ભારતમાં ઉજવાયો 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ

જનતા દ્વારા, જનતા માટે, જનતાનું શાસન.ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી

 

ભારત આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 2011થી દેશમાં દર વર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ECIની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ થઇ હતી. યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને અને મતદાર નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો આ દિવસનો ઉદ્દેશ્ય છે. આજે રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, મતવિસ્તાર અને મતદાન મથક સ્તરે દેશની સૌથી મોટી ઉજવણી થઇ રહી છે.

ચૂંટણી પંચ દ્વારા સતત ૧૫મા વર્ષે થનાર “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી “Nothing Like Voting, I Vote For Sure – મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ પર કરાઈ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીના ભાગરૂપે, તમામ સરકારી કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓ અને સંસ્થાઓએ આજના દિવસે પ્રતિજ્ઞા લીધી છે. દેશભરની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાતા દિવસની થીમ પર ચર્ચાઓ અને સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ છે. પ્રથમ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2011માં તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર SY કુરૈશીના નેતૃત્વમાં ઉજવાયો હતો.

ભારતના ઉદાહરણને અનુસરી પાકિસ્તાન, નેપાળ ,ભૂટાન સહિત છ દેશો પણ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરે છે. આજના દિવસે નવા મતદાતા, ગત ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ, કેમ્પસ એમ્બેસેડર સહિત શ્રેષ્ઠ કૃતિઓને સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આજના દિને લાયક મતદાતાઓની ઓળખ કરવામાં આવે છે. જો તેમની ઉંમર 18 વર્ષથી વધુની હોય તો આવા યુવાનોનું નામ મતદાતા યાદીમાં સામેલ કરીને તેમનું ચૂંટણી કાર્ડ બનાવવામાં આવે છે.

આ દિવસે મતદાતાઓને શપથ પણ અપાવવામાં આવે છે કે તેઓ મતનો ઉપયોગ કરીને દેશના વિકાસ માટે લાયક પ્રતિનિધિની પસંદગી કરે. એક લોકશાહી દેશનો પાયો નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર છે. ભારત લોકશાહી અને બંધારણીય દેશ છે. અહીં જનતા દ્વારા, જનતા માટે, જનતાનું શાસન છે. ભારતની આઝાદી બાદ 26 જાન્યુઆરી 1950માં દેશમાં બંધારણ લાગુ થયુ હતું. જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યુ તો તેના એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના થઈ અને ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બંધારણમાં ભારતના નાગરિકના જે કર્તવ્ય છે, તેમાંથી એક મતદાનનો અધિકાર છે. મતદારનો મત ચોક્કસ પક્ષને પાંચ વર્ષ માટે સત્તામાં મૂકે છે. અને વ્યક્તિ દેશ અને રાજ્યના વિકાસ માટે નાગરિક તરીકેની ફરજ નિભાવે છે. જોકે દેશમાં મતદાનનું વલણ ઓછુ હોય મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશમાં મહિલાઓ અને અમુક વર્ગના લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરતા ન હોય દેશની પ્રગતિ માટે દરેક વોટ જરૂરી છે. તેથી મતદાતા દિવસ મનાવવાનો હેતુ તમામ પાત્ર મતદાતાઓની ઓળખ કરીને તેમને વોટ આપવા પ્રત્યે પ્રેરિત કરવાનો છે. 18 વર્ષની ઉંમર બાદ મતદાનનો અધિકાર મળે છે. ચૂંટણી પંચ દ્વારા “વોટર હેલ્પલાઈન” એપ સહિતની વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦ની સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકો ઘર બેઠા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહીત જરૂરી તમામ બાબતોની જાણકારી મેળવી શકે છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવે તે જરૂરી છે. મતદાન બુથ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ. ચૂંટણી પંચના પોર્ટલ દ્વારા પણ આધારકાર્ડ લિંક કરી શકાય છે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!