Press "Enter" to skip to content

સમયના વહેણમાં બદલાયા કાંકરિયાના રૂપરંગ

પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો

હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું હતું તેનો અંદાજ પણ નહીં હોય.વર્ષ 2008માં તેના રિનોવેશન બાદ તો તેની કાયાપલટ થઈ.

અહીં અમદાવાદના સુલતાન કરતાં હતાં સ્નાન

દરેક શહેરનો પોતાનો એક આગવો ઇતિહાસ રહ્યો છે. અમદાવાદમાં રહેતા ઘણા લોકો પણ તેના ઇતિહાસથી સંપૂર્ણ રીતે વાકેફ નહીં હોય. અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થવાથી ગુજરાતનું ગૌરવ પણ વધ્યું છે. પરંતુ અમદાવાદને આ દરજ્જો મળ્યો તેની પાછળ તેનો સદીઓ જુનો ઇતિહાસ છે. ૬ ફેબ્રુઆરી,૧૪૧૧ના રોજ માણેકબુર્જ પાસે અહેમદશાહે આ શહેરનો પાયો નાખ્યો અને નામ પોતાના નામ પરથી “અહેમદાબાદ” રાખ્યું જે પાછળ જતાં “અમદાવાદ” તરીકે ઓળખાયું. અહેમદશાહે કરેલા ઘણાં ઐતિહાસિક બાંધકામો આજે પણ શહેરની રોનક છે.

કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું હતું. જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું. તે સમયે કાંકરિયા તળાવ “કુતુબ-હૌજ” અથવા “હૌજ-એ-કુતુબ” નામે જાણીતું હતું. જે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી. ૧૭૮૧માં નગીનાવાડી (નગીના એટલે ઉર્દુમાં સુંદર થાય) સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા.

ત્યારબાદ નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૨૫ તારીખે યોજવામાં આવ્યો હતો. જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકાએ કર્યું હતું.

આજે તો કાંકરિયાનો નઝારો કંઈક અલગ જ છે. અમદાવાદનું કાંકરિયા તળાવ આજે વિશ્વ વિખ્યાત છે. કોઈ પણ વ્યક્તિ અમદાવાદ આવતી હોય, તો તેઓ પહેલા કાંકરિયા તળાવનો ઉલ્લેખ કરે અને ત્યાં ફરવા જવાની ઈચ્છા મુકે. વર્ષ 2008માં કાંકરિયાના થયેલા નવીનીકરણ પછી કાંકરિયાની શકલ જ બદલાઇ ગઈ છે.

રાતના સમયે તમે કાંકરિયામાં ફરી રહ્યા હોય, તો તમે ભારતમાં નહીં, પરંતુ ફોરેનના કોઈ પ્લેસમાં ફરતા હોય તેવો અહેસાસ કરાવે છે.કાંકિરયા તળાવ ગુજરાતના સૌથી મોટા તળાવમાનું એક ગણાય છે. આ તળાવની આસપાસ હાલ અનેક આકર્ષણો ઉભા કરાયા છે. જેને કારણે વિકેન્ડમાં કાંકરિયા પર મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. તેની આજુબાજુ બગીચા અને પ્લે એરિયા બનાવાયા છે. કાંકરિયા તળાવ તેના દિલમાં અનેક વાર્તાઓ ધરબીને બેઠું છે. હવે તો કાંકરિયાના આંગણે ફેસ્ટિવલ ઉજવાતા થઈ ગયા છે.

કાંકરિયા તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ મધ્યભાગમાં સ્થિત અંદાજીત ૨.૫ કિ.મી.નો ઘેરાવો ધરાવતું ૫૦૦ વર્ષથી પણ વધુ જુનું માનવ સર્જીત અને ઐતિહાસિક તળાવ છે. નવનિર્માણ પામેલા કાંકરિયા લેક ફ્રન્ટ પર તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર-૨૦૦૮ દરમ્યાન ભવ્ય અને અવિસ્મરણિય કાંકરિયા કાર્નિવલ-૨૦૦૮નાં આયોજન બાદ જાન્યુઆરી-૨૦૦૯માં કાંકરિયા લેક ફ્રન્ટને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

 

દર વર્ષે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન વિવિધ થીમ પર આધારિત કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે.જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય, હોર્સ અને ડોગ શો, યોગને લગતી કસરત, વોટર એડવેન્ચર્સ સ્પોર્ટસ, રંગોલી સ્પર્ધા, ભવ્ય આતિશબાજી, લેઝર શો અને આવા અનેક સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

નવનિર્માણ પામેલા કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે વિવિધ આકર્ષણો પૈકી દેશભરમાં એકજ એવી અટલ એક્સપ્રેસ ટ્રેન, બલુન સફારી રાઈડ, કિડ્સ સિટી તેમજ વિવિધ જાણીતી કંપનીનાં ફૂડ સ્ટોલ્સ, આકર્ષક લેન્ડ સ્કેપ, સુમધુર ડિજીટલ મ્યુઝિક, આકર્ષક રોશની, નગીનાવાડી, અલ્ટ્રા ફાસ્ટ લેઝર શો, વન ટ્રી હિલ ગાર્ડન, બાળકો માટે પ્લે સ્ટેશન વગેરેનો સમાવેશ થાય છે.

સમયાંતરે નાના ભૂલકાંઓ, નાના મોટા વિદ્યાર્થીઓ, યુવાન અને વૃધ્ધ એમ તમામને આકર્ષે એવા અનેક આકર્ષણોનો ઉમેરો કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કરવામાં આવેલ છે. બાળકોને મનોરંજન સાથે જ્ઞાન મળે તથા જાત જાતનાં અનુભવ દ્વારા સ્વવિકાસ થાય તે હેતુથી ઉદ્યોગ, વાણિજ્ય તેમજ જીવન ઉપયોગી સેવાઓનાં પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા સક્ષમ અને જાગૃત નાગરિકનું સર્જન થાય તે માટે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે “કિડ્સ સિટી”નું નિર્માણ કરવામાં આવેલ છે.

કાંકરિયા તળાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણ ઊભું કરાશે. કાંકરિયા તળાવમાં મ્યુનિસિપલ તરતું થીમ બેઝ્ડ આઇલેન્ડ બનાવશે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.

દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંકનો લોગો પણ આ તળાવ સાથે જોડાયેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ અમદાવાદમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનિંગ દ્વારા આ લોગો ડિઝાઈન કરાયો હતો, જે કાંકરિયા લેકથી ઈન્સ્પાયર્ડ છે.

 

BY KALPESH MAKWANA ON FEBRUARY 05,2025

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!