સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી
વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક મોટું શહેર છે. તળાવ અંગે કોઇ વાત કરે એટલે આપણી સમક્ષ મોટાભાગે કોઇ ગામડાનું ચિત્ર તરવરી ઉઠે, પણ સુરસાગર તળાવનું નામ લઇએ તો તરત જ વડોદરા શહેર મસ્તિકમાં ઉપસી આવે! સુરસાગર તળાવ અગાઉ ચંદન તળાવના નામથી જાણીતું હતું. ગાયકવાડે મોગલો પાસેથી વડોદરા જીતી લીધું હતું. તે સમયે ‘વોલ સીટી’ની બહાર એક તળાવ હતું .ઇ.સ. ૧૭૫૭માં સુરેશ્વર દેસાઇએ આ તળાવને ખોદાવ્યું અને તેને નવો વધુ સારો આકાર આપ્યો હતો. એ પછી આ ચંદન તળાવનું નામ સુરસાગર તળાવ રાખવામાં આવેલું છે. સુરસાગર તળાવ વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે. આ તળાવ ગુજરાતના મોટા તળાવોમાંનું એક તળાવ છે. આખું તળાવ ગોળાકાર છે અને તે આશરે દોઢ માઇલનો ઘેરાવો ધરાવે છે. આ તળાવ આશરે ૬૦ ફૂટ ઉંડું છે. તળાવની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. તળાવના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકુવા હોવાથી અતિશય ગરમીનાં દિવસોમા પણ સુરસાગર પાણી વિહોણું બન્યું નથી. વખતો વખત વડોદરાના વિવિધ શાસકો દ્વારા તળાવ નુ પુનર્નિર્માણ અને સુશોભન કરવામાં આવ્યું હતું. જો આ તળાવ છલકાય તો આપમેળે તળાવનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચે તેવી વ્યવસ્થા હતી.
તળાવ ના કાંઠે ઘણાં મંદિરો છે. વડોદરાના સયાજીરાવ મહારાજા દ્વારા સ્થાપિત ‘મ્યુઝિક કોલેજ’ તરીકે જાણીતુ , પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી, એમ.એસ. યુનિવર્સિટી સુરસાગરની સામે આવેલું છે. એક સમયે સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખુબ જ જાણીતું સ્થળ હતું . પરંતુ તળાવના બ્યુટીફીકેશન બાદ પ્રતિમાઓના વિસર્જન તથા પૂજાપા સહિતની સામગ્રી પધરાવવા સામે પ્રતિબંધ મુક્યો છે. વડોદરા મનપાએ તળાવની મધ્યમાં ભગવાન શિવની ખૂબ સુંદર અને ઊંચી પ્રતિમા સ્થાપિત કરી છે. 111 ફૂટ ઊંચી ભગવાન શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. આ પ્રતિમા નિર્માણનો કાર્ય વર્ષ 1996માં શરૂ કરવામાં આવેલ. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા અમેરિકામાં સ્થાઇ ડૉ. કિરણ પટેલ અને દેશવિદેશના અનેક દાતાઓએ ખર્ચને પહોંચી વળવા દાન આપ્યું હતું.
વર્ષ 1996માં સૂરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી અને પાણી ઉલેચવામાં આવ્યુ હતું. ત્યારે સૂરસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય એવું સ્ટ્રક્ચર દેખાયું ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલને સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી હતી . સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાધીદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રીએ શિવજીની સવારી નીકળે એવી ઇચ્છા દર્શાવી હતી. યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય ફરી નરેશ માતુરામ વર્માને સોપ્યું. નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર સાડા 8 ટનની બેનમૂન અને જીવંત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી હતી.
વર્ષ 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો. પહેલી જ યાત્રામાં શહેરની હજારો જનતા લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા. વર્ષ 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની ગયું હતું. મહા શિવરાત્રી જેવા તહેવારો દરમિયાન, પ્રતિમાને રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે, જે ભક્તો અને દર્શકોને આકર્ષિત કરે છે. વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે આ તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે સમયે બોટની ક્ષમતા 20 લોકોની હતી, પરંતુ તેમાં લગભગ 38 લોકો સવાર થયા હતા. તળાવમાં ક્ષમતા કરતા વધુ લોકોને લઈને બોટ પલટી જતા 22 લોકો ડૂબીને મૃત્યુ પામ્યા હતા. 17 વર્ષ સુધી કોર્ટમાં લડત આપ્યા પછી વળતરનો કેસ જીત્યા હતા અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશને વળતર આપ્યું હતું.
Be First to Comment