Press "Enter" to skip to content

વડોદરા શહેર ભાજપાના નવા પ્રમુખ જાહેર

વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.

કાર્યકરોમાં “કહી ખુશી ,કહી ગમ” નો માહોલ જોવા મળ્યો

વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે આખરે જય પ્રકાશ સોનીના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી પેન્ડા વહેચી ખુશી વ્યક્ત કરી હતી. વડોદરા શહેર પ્રમુખ પદ અને વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી. ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા હતા. જેમાં ૪૪ થી વધુ કાર્યકર્તા અને આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર પ્રદેશના અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનો મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા.

ડૉ . વિજયશાહે જયપ્રકાશની દરખાસ્ત મુક્તા સાંસદ , ધારાસભ્યનો ટેકો

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, લોકશાહી ઢબે પાર્ટીની રચના એક માત્ર ભાજપ કરે છે. તાજેતરમાં વોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને સરળતાથી પૂર્ણ કરી છે. સેન્સ પ્રક્રિયાબાદ વાત પ્રદેશ સમક્ષ રજુ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો. આ કારણસર પ્રક્રિયામાં વિલંબ થયો હતો. આજે વડોદરા શહેર શહેર પ્રમુખ તરીકે ડૉ .જયપ્રકાશ સોનીનું નામ જાહેર કરતા સહુ કોઈએ વધાવ્યું હતું. ડૉ . વિજયશાહે જયપ્રકાશ સોનીના નામની દરખાસ્ત મુક્તા સાંસદ ડૉ .હેમાંગ જોશી અને ધારાસભ્ય કેયુર રોકડીયાએ દરખાસ્તને ટેકો જાહેર કર્યો હતો. પ્રદેશ પ્રતિનિધિ તરીકે વડોદરા શહેર વિધાનસભા માટે અજિત દધીચિ , સયાજીગંજ માટે ધર્મેન્દ્ર પંચાલ , અકોટા માટે નરવીરસિંહ ચુડાસમા , રાવપુરા માટે સદાનંદ દેસાઈ અને માંજલપુર માટે નિલેશ રાઠોડની વરણી કરવામાં આવી છે.

જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન મજબૂત કરીશ : ડૉ .જયપ્રકાશ સોની

વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડૉ .જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, મારી અધ્યક્ષ તરીકે નિમણુંક થતા સહુ કોઈનો આભાર માનું છું અને કાર્યકર્તા તરીકે કાર્યકર્તાઓને વિશ્વાસ આપું છું કે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન મજબૂત કરીશ. સહુને સાથે રાખી વડોદરાને ઉચ્ચતમ સ્થળે લઇ જવા પ્રયાસ રહેશે. જયારે ડૉ . વિજય શાહે જણાવ્યું હતું કે, સર્વ સંમતિ સાથે નિમણુંક તથા અભિનંદન પાઠવું છું મને વિશ્વાસ છે મારાથી વધુ સારું કાર્ય કરશે. આ ઉપરાંત અન્ય હોદેદારો તથા કાર્યકર્તાઓએ પણ નિર્ણયને વધાવ્યો છે.

જાણો કોણ છે ડૉ. જય પ્રકાશ સોની

ડો. જયપ્રકાશભાઈ મહેશભાઈ સોની બાલ્યકાળથી સંઘનાં સ્વયંસેવક છે. તેઓ PhD, MBA in Financeનો અભ્યાસ કર્યો છે. એમએસયુમાં આસી રજીસ્ટાર પણ રહી ચુક્યા છે. સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાતના ડેપ્યુટી રજીસ્ટાર પદેથી રાજીનામુ આપી વડોદરા ભાજપ શહેર પ્રમુખની જવાબદારી સંભાળી છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત સહુ કોઈને ચોંકાવ્યા છે.

કાર્યકર્તાઓમાં ચૂંટણી પ્રક્રિયાનું નાટક કર્યું હોવાની ચર્ચા

વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા ભાજપમાં અલગ-અલગ જૂથો દ્વારા પોતાના માનિતાના નામ ચલાવવામાં આવતા હતા, તેમાંથી એક પણ કાર્યકર્તાનું નામ આવ્યું નહીં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈ નામ નહિ આવતા કાર્યકર્તાઓને પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં રહી હતી

બે મહિનાથી પ્રમુખના નામની અટકળોનો અંત

વડોદરા શહેર – જિલ્લાના પ્રમુખની નિમણૂંકને લઇ ભાજપામાં ધમાસાણ ચાલી રહ્યું હતું. સંગઠનોમાં પડેલા જૂથોમાંથી રોજ નવા નામો ઉછાળવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે ભાજપામાં ચાલતી જૂથબંધી વચ્ચે અનેકના પેચ કાપી શહેરના પ્રમુખ પદે ર્ડા .જયપ્રકાશ સોનીની નિમણુંક થવા પામી છે. શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ અને જિલ્લા ભાજપા પ્રમુખ સતિષ પટેલ (નિશાળિયા)પ્રમુખ પદે રિપીટ ન થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી જૂથો સક્રિય બની ગયા હતા. ભાજપના ક્લસ્ટર ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ વડોદરા મહાનગર ના નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદના નિમણૂકની જાહેરાત કરી છે.

– ભાજપના જિલ્લા – શહેર પ્રમુખોની યાદી જાહેર

ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યા છે. 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી . આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ભાજપે હોળાષ્ટકમાં શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવાનું શરૂ કર્યું હતું. પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ કુમરતામાં થશે? તેવી ચર્ચા છે.

BY KALPESH MAKWANA ON 6TH MARCH, 2025

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!