Press "Enter" to skip to content

ગુજરાતમાં ભાજપની મહાન જીત, કોંગ્રેસ માટે મોટી ચિંતાની બાબત

હવે પાલિકા પંચાયતો પણ ભગવા’મય

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી 62 પર ભગવો લહેરાયો.જ્યાં કયારેય ભાજપ જીત્યું નથી ત્યાં જીતનો પરચમ.

રાજકારણમાં એમ કહેવાયછે કે,ગુજરાત ભાજપની લેબ છે,ગુજરાતમાં ભાજપના રાજકીય પરીક્ષણો હીટ થાય એટલે સમજવું દેશમાં પણ ભાજપની ગાડી ગબડી જશે,ગુજરાતમાં ભાજપ એવા ફેવીકોલના જોડ સાથે સત્તા પર બેસી ગયું છે કે,30 થી 35 વર્ષ વીત્યા હજી સુધી કોંગ્રેસને ભાજપને દૂર કરવામાં સફળતા મળી નથી,વિધાનસભાની ચૂંટણીઓમાં તો ઠીક હવે તો પાલિકા અને પંચાયતોમાં પણ ભાજપનો જ પરચમ લહેરાય રહ્યો છે.ભાજપના સ્ટીમ રોલર નીચે કોંગ્રેસ સહીત વિરોધીઓના સૂપડાસાફ થઇ રહ્યા છે,છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત વિધાનસભા હોય કે મહાનગર પાલિકાઓ ભાજપને હારનો સામનો કરવો પડ્યો નથી તેવામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનું બુલડોઝર ચાલ્યું હતું અને ભાજપને પાલિકા પંચાયતોમાં ઐતિહાસિક વિજય મળયો છે,ગત 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ ચૂંટણીના આજે પરિણામો આવ્યા હતા આ પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું હતું કે,ગુજરાત ભાજપ સાથે જ છે,પાલિકા અને પંચાયતો પણ હવે ભાજપામય બની રહી છે,આજે જાહેર થયેલા પરિણમોમાં 66 નગરપાલિકામાંથી 62 નગર પાલિકા પર ભગવો લહેરાયો હતો.શહેરી વોટર સાથે ગ્રામ્ય વિસ્તારોના વોટરનો પણ ભાજપ તરફી ઝુકાવ આ પરિણમો પરથી જોવા મળી રહ્યો છે.કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની ગુજરાતમાં આવી દુર્દશા થશે તે ખરેખર રાજકીય પક્ષો માટે પણ વિચારવા જેવો વિષય બન્યો છે.

આજરોજ ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે.જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા સહીત 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગર પાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી સાથે જ પરિણામો કોંગ્રેસ માટે ફરી નિરાશાજનક રહ્યા હતા.66 નગર પાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીના પરિણામમાં ભાજપે 62 પર જ્યારે કોંગ્રેસે 1 પર કબ્જો કર્યો છે.જ્યારે બાકીની 5 પર અન્ય પક્ષો કિંગમેકરની ભૂમિકામાં છે.રાધનપુર નગર પાલિકામાં ભાજપે પહેલીવાર કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી પોતાના કબ્જે કરી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.ચારેકોર ભાજપની જીત જોયા મળી છે જોકે કોંગ્રેસ કરતા સમાજવાદી પાર્ટી 2 નાગર પાલિકાઓ મેળવવમાં સફળ રહી છે.કોંગ્રેસના ફાળે માત્ર 1 જ નગર પાલિકા આવી છે,બીજીતરફ આમ આદમી પાર્ટીએ પણ ગજુ કાઢતા વિપક્ષની દમદાર ભૂમિકા માટેના પ્રયાસોમાં વધુ એક ડગ ભર્યો છે.

— ભાજપ પર ગુજરાતનો વિશ્વાસ વધ્યો

વિધાનસભાની ચૂંટણીમાં 160થી વધુ બેઠક જીતી ક્લિનસ્વીપ કરનારા ભાજપને લોકસભાની ચૂંટણીમાં એક બેઠકની હાર ખુબ ખુંચી હતી,26 માંથી 26 લોકસભાની બેઠક જીતવાના લક્ષ્યને ભાજપ થોડા મતોથી ચુકી ગયું હતું,ભાજપ માટે આ હાર જીતની ખુશીમાં ખુબ મોટી નિરાશા જેવી હતી,જોકે આ હાર બાદ ભાજપે કમીઓને દૂર કરવાની દિશામાં કામ કરી લોકોમાં ભાજપ પરનો વિશ્વાસ વધે તે માટેના પ્રયાસો કર્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણમો ભાજપની મહેનત ફળી હોવા તરફ નિર્દેશ કરી રહી છે,ભાજપે લોકસભાની ચૂંટણી બાદ તુરત જ પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેના પ્રયાસો શરુ કરી દીધા હતા,કોઈ પણ ચૂંટણીને સામાન્ય ન સમજી તેને જીતવા માટેની જિ-તોડ મહેનત પરિણમલક્ષી બને છે તે આ પરિણામો પરથી જાણી શકાય છે.ભાજપ પહેલા જ્યાં કયારેય જીત્યું નથી તેવી જગ્યાએ પણ ભાજપની જીત જ બતાવે છે કે ભાજપની મહેનત કામ કરી ગઈ જયારે બીજા છેડે ચૂંટણીઓમાં કોંગ્રેસની લેટ લતિફી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફરી એકવાર ભારે પડી છે.

— જો ગુજરાતમાં કોંગ્રેસના આવા જ હાલ રહ્યા તો આવનાર સમયમાં મુખ્ય પક્ષ તરીકે પણ ભૂંસાઈ શકે છે?

કોંગ્રેસને દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા છત્તીસગઢની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરાજય બાદ ગુજરાતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.કોંગ્રેસ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહત્વ પૂર્ણ હોય છે,કોંગ્રેસને ગુજરાતમાં પુન: બેઠી કરવાનો ચાન્સ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી જોકે કોંગ્રેસ આ ચાન્સ પણ મિસ કરી ગઈ છે,કોંગ્રેસના ભાગે ગણીને માત્ર 1 નગરપાલિકા આવી છે,કોંગ્રેસના એવા ભૂંડા હાલ આ ચૂંટણીમાં થયા છે કે,કોંગ્રેસનું ગુજરાતમાં અસ્તિત્વ પણ હવે જોખમમાં મુકાઈ તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે,આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સારી એવી બેઠકો જીતી કોંગ્રસની નજીક પોહોચી રહી છે,આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત વિપક્ષનો વિકલ્પ બનીને સામે આવી રહી છે ત્યારે જો ગુજરાતમાં કોંગ્રેસના આવા જ હાલ રહ્યા તો આવનાર સમયમાં મુખ્ય પક્ષ તરીકે પણ ભૂંસાઈ શકે છે?

— જયારે કોંગ્રેસને ફાળે ફરી એકવાર મંથન-ચિંતન જ આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે,66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગર પાલિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામમાં ભાજપે 62 પર,જ્યારે કોંગ્રેસે 1 પર કબજો કર્યો છે, જ્યારે બાકીની 5 પર અન્ય પક્ષો કિંગમેકરની ભૂમિકામાં છે.કોંગ્રેસના ફાળે સમખાવા પૂરતી માત્ર એક જ નગર પાલીકા રહી છે.કોંગ્રેસને ઉપર ઉપરી હારના ઝટકાઓ સહન કરવા પડી રહ્યા છે ત્યારે કોંગ્રસના નેતાઓની ભૂમિકાઓ અને તેમની કાર્યક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે.કોંગ્રેસની હાર બાદ ફરી એકવાર કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે આવ્યા હતા જોકે શક્તિ સિંહ ગોહિલે કોંગ્રેસની હાર 2018 કરતા ખરાબ ન હોવાના ગાણા ગાયા હતા,2018માં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધુ હતી છતાંય ભૂંડી હાર થઇ હતી આ વખતે તો ધારાસભ્યોનું બળ ખુબ જ ઓછું છે તેમ છતાંય કોંગ્રેસે સારી ફાઇટ આપી હોવાનું કહ્યું હતું.ખેર કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસની હાર ને પોતાની મરજી મુજબ મૂલવી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ મૃતપ્રાય બની રહેલ કોંગ્રસમાં પ્રાણ પુરવામાં ફેઈલ થયા છે.એટલે ફરી એકવાર કોગ્રેસને ફાળે મંથન-ચિંતન જ કરવાનું આવ્યું છે.

— જીતથી મુખ્યમંત્રી પણ રાજી રાજી

પાલિકા પંચાયતોની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ફરી વિજયોત્સવ લઈ આવ્યા હતા,ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં એક પછી એક ભાજપની જીતથી આજે જો સૌથી વધુ કોઈ ખુશ હશે તો તે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હશે,જીત બાદ રાજી રાજી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીતની ખુશી વ્યક્ત કરી હતી અને ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા,રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં.આ સાથે જ મુખ્યપ્રધાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

— વિમલ ચુડાસમા સાથે જબરું થયું!

જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગર પાલિકામાં 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે.ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે.ધારાસભ્ય વિમલ ચુડાસમા એક વૉર્ડની સામાન્ય ચૂંટણી પણ હારી ગયા હતા જેને લઇ ધારાસભ્યની સ્થિતિ ખુબ જ કફોડી બની છે,ચોરવાડ નગરપાલિકામાં સત્તા પુનરાવર્તન અને સત્તા પરિવર્તન માટે લડાઈ હતી. અહીં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનું શાસન હતું. પરંતુ આ વખતે સાંસદ રાજેશ ચુડાસમાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ચોરવાડ નગરપાલિકા પર કબજો કર્યો છે. બંને નેતાઓ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ હતી. જેમાં રાજેશ ચુડાસમાએ જીત મેળવી છે. વિમલ ચુડાસમા ચોરવાડમાં હરતા લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે જબરું થઇ ગયું?

BY DIPAK KATIYA ON 18TH FEBRUARY , 2025

More from MagazineMore posts in Magazine »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!