ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરાના મૂની સેવાશ્રમમાં કેન્સરના દર્દીઓને મળશે CAR-T સેલ થેરાપી
પૂ. અનુબેનની પુણ્યતિથિના દિવસે કાર – ટી સેલ થેરાપીનો થશે પ્રારંભ, રૂ. ૧૨ કરોડના ખર્ચથી તૈયાર કરાઇ લેબોરેટરી
કર્કરોગી દર્દીના ટી સેલને જીનેટકલી રિપ્રોગ્રામિંગ કરી તેને કેન્સરના કોષોનો પ્રતિકાર કરવા ઇન્જેક્ટ કરાશે
વડોદરાના જાણીતા આધ્યાત્મિક વિભૂતિ અને સમાજ સેવિકા પૂ. અનુબેનની પ્રેરણાથી સેવારત ગોરજ સ્થિત મૂની સેવાશ્રમની કેન્સર હોસ્પિટલમાં કર્કરોગગ્રસ્ત દર્દીઓ માટે ગુજરાતમાં પ્રથમ કાર – ટી સેલ થેરાપીની સુવિધા શરૂ થવા જઇ રહી છે. ભારતમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર મળે છે અને તે પણ રૂ. ૪૦ લાખના ખર્ચથી ! તેની સામે મૂની સેવાશ્રમમાં કાર – ટી સેલ થેરાપીની તેના અડધા ખર્ચથી કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરવામાં આવશે.
મૂની સેવાશ્રમમાં કાર્યરત કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કર્કરોગથી પીડાતા દર્દીઓની નજીવા દરે સારવાર કરવામાં આવે છે અને આ સેવા અનેક ગરીબ તથા મધ્યમ વર્ગીય દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. હવે અહીં ગુજરાતની પ્રથમ કાર – ટી લેબોરેટરી બનવા જઇ રહી છે. જેની માટે મૂની સેવાશ્રમ દ્વારા અંદાજે રૂ. ૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનો પ્રારંભ આગામી ૧૮મી ડિસેમ્બરના રોજ પૂ. અનુબેનના પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવશે.
CAR-T સેલ થેરાપી શું છે ? એના વિશે જાણવું રસપ્રદ રહેશે. જીવંત દવા તરીકે ઓળખાતી કાર – ટી સેલ થેરાપી એ ચાઈમેરિક એન્ટિજન રીસેપ્ટર ટી સેલનું મિતાક્ષર છે. કર્કરોગ સામે હાલમાં જે દવાઓ અને સારવાર ઉપલબ્ધ છે, તે કારગત ના નીવડે ત્યારે કાર – ટી પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ સારવાર દરમિયાન બી – સેલ લ્યુકેમિયા અને બી – સેલ નોન હોજકિન લિંફોમા કેન્સરના કણો સામે પ્રતિકાર ના કરતા હોય તેવા દર્દીઓ માટે કાર – ટી સેલ થેરાપી આશાનું કિરણ બની છે.
કાર – ટી સેલ થેરાપી કેવી રીતે કામ કરે છે, એ જોઇએ તો કેન્સરગ્રસ્ત દર્દીનું રક્ત મેળવવામાં આવે છે. તેના પર ક્લિનિકલ પ્રોસેસ કરી રક્તમાંથી ટી – સેલને તારવવામાં આવે છે. એક ખાસ પ્રકારની કિટમાં દર્દીના ટી – સેલને વેક્ટર થકી કેન્સરના કણો સામે લડતા શીખવવામાં આવે છે. ટી – સેલ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે તે જીનેટકલી રોગકારક તત્વો સામે લડી શકવા માટે સક્ષમ હોય છે.
કેન્સરના કોષો ઘણી વખત શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચી જતા હોય છે. એથી દર્દીના ટી સેલને કાર – ટી થેરાપીની જીનેટકલી રિપ્રોગ્રામિંગ કરી કર્કરોગના કોષ સામે લડવા સક્ષમ બનાવવામાં આવે છે અને ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.
અમેરિકા અને યુરોપિયન દેશોના તબીબી જગતમાં કાર – ટી સેલ થેરાપી બહુ ચર્ચા સાથે આશા જગાવી છે. આ દેશોમાં કાર – ટી સેલ થેરાપી માટે રૂ. ત્રણથી ચાર કરોડનો ખર્ચ થાય છે. ભારતની જૂજ હોસ્પિટલમાં આ થેરાપી ઉપલબ્ધ છે. જેમાં રૂ. ૪૦ લાખ જેટલો ખર્ચ થાય છે. તેની સામે મૂનીસેવા આશ્રમ અડધા ખર્ચે સેવા આપવાનું આયોજન કરી રહી છે.
અમદાવાદ મેડિસિટીમાં કાર્યરત રાજ્ય સરકારની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં આગામી દિવસોમાં કાર – ટી સેલ થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાનું આયોજન છે.
BY KALPESH MAKWANA ON DECEMBER 13, 2024