Press "Enter" to skip to content

જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.

જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ

જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી. ના જ્ઞાતિવાદ – ના જાતિવાદ, સબસે બડા હે રાષ્ટ્રવાદ.આ એક ભ્રમણા છે કે, શહેરમાં જાતિવાદ ઓછો છે.આઝાદીના દાયકાઓ બાદ પણ ચૂંટણીઓમાં જાતિવાદની બોલબાલા

21મી સદીમાં ભારતે ઘણાંબધાં ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, 21મી સદીમાં પણ ભારતમાં જ્ઞાતિવાદ અને જાતિવાદ નાબુદ થવાને બદલે વધુ વકરી રહ્યો છે. વિશ્વનાં અન્ય દેશોમાં જ્ઞાતિવાદ-જાતિવાદ,સંપ્રદાયોના ઝગડાઓને લીધે આંતરવિગ્રહો થયા હોય તેવા દેશો અધોગતિની ગર્તામાં ધકેલાય ગયા છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં ગોરા અને કાળાનો ભેદ વર્ષોવર્ષ સુધી ચાલ્યો. મધ્ય એશિયા, ઇસ્લામિક દેશો અને યુરોપમાં માલિક-ગુલામ વ્યવસ્થા અને અસ્પૃશ્યતાનું દૂષણ હજારો વર્ષોથી રહ્યું છે. પરંતુ જે દેશના નાગરિકોએ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે દેશની પ્રગતિ માટે એકસંપ થઇ મહેનત કરી છે તેવા દેશોએ આજે પ્રગતીનાં શિખરો સર કર્યા છે. ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, જોર્ડન,એસ્ટોનિયા,ઇઝરાયેલ વગેરે દેશોએ જે પ્રગતિ કરી છે તેની સરખામણીમાં ઘણીબધી બાબતોમાં હજુ આપણે પાછળ છીએ. તમામ જ્ઞાતિઓના અગ્રણીઓ તથા રાજકારણીઓ પણ જ્ઞાતિવાદના નામે સમાજને ઉશ્કેરવાનું છોડી સમાજના દુષણો દુર થાય તેવા પ્રયત્નો કરે અને સમાજના યુવાનો જ્ઞાતિવાદની સંકુચિતતામાંથી બહાર આવી દેશ માટે વિચારતા થાય ત્યારે જ આ દેશમાં ખરે-ખર સોનાનો સુરજ ઉગશે. દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે.

આજે આપણે એક થવાને બદલે વધુ ને વધુ વહેંચાઇ રહ્યા છીએ. દરેક જ્ઞાતિના લોકો પોતાનું સંખ્યાબળ બીજી જ્ઞાતિ કરતા વધુ છે તેવું બત્તાવવા મથી રહ્યા છે. અભણ તો ઠીક પણ ભણેલા પણ ‘જ્ઞાતિવાદને’ છોડી શકતા નથી. અમુક રાજકીય પક્ષો આનો ફાયદો લઇ પોતાનાં રાજકીય મનસુબા પાર પાડવા માટે જ્ઞાતિના નામે આંદોલનો કરાવી આનંદ લેતા હોય છે. જ્ઞાતિવાદનો ગ્રાફ વધે તેમ દેશની પ્રગતિનો ગ્રાફ ઘટે છે. યુવાન દેશની પ્રગતિ અને વિકાસ માટે મહેનત કરવાને બદલે જયારે જ્ઞાતિ આંદોલનોમાં પત્થર લઇ બસના કાચ ફોડતો નજરે ચડે ત્યારે સમજવું કે તે સમાજ-તે જ્ઞાતિ અધોગતિને માર્ગે છે. માનસિક, શારીરિક, સામાજિક કે આર્થિક દૃષ્ટિએ ઉત્થાન માટે સૌથી સચોટ માર્ગ છે ભણતર. ભણતર વધશે તો સમજ આપોઆપ કેળવાશે અને સમજ કેળવાશે તો જાતિવાદ પણ આપોઆપ નાબૂદ કરી શકાશે. જાતિ અનુસાર શોષિત ગણાતા સમાજના લોકોના માનસમાં એ વાત ઘર કરી ગઈ કે આરક્ષણ અમારો અધિકાર છે અને એ અમને આજીવન મળવો જ જોઈએ. પછી ભલે એ જાતિના કેટલાક લોકો આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ હોય અને બીજી તરફ અનારક્ષિત જાતિના લોકોમાં અમને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી ઘર કરવા માંડી.

દેશની મુખ્ય રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પણ જાતિવાદના મુદ્દામાંથી બાકાત નથી. વિકાસના કે અન્ય મુદ્દાઓના દાવા ભલે થાય પરંતુ ચૂંટણી આવે ત્યારે ઉમેદવારની પસંદગી જાતિને અનુલક્ષીને જ થતી હોય છે. એટલું જ નહીં, રાજકીય પક્ષો વચ્ચે થતાં જોડાણોમાં પણ જાતિગત સમીકરણો ધ્યાનમાં લેવામાં આવે છે. આપણા દેશમાં ધાર્મિક આધારે વોટ માંગવાની મનાઇ છે પરંતુ જાતિગત ઓળખને આધાર બનાવીને મતો મેળવવા પર કોઇ રોકટોક નથી. ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણનું લોકાર્પણ કરતા પહેલાં જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતે રાજકીય દૃષ્ટિએ લોકશાહી ભલે અપનાવી લીધી હોય પરંતુ સમાજનું લોકશાહીમાં આગમન સરળ નહીં હોય કારણ કે દેશમાં જે સામાજિક પદાનુક્રમ છે એને દૂર કરવો સહેલો નથી. ભારતની જમીનમાં જાતિવાદના મૂળિયા આટલા ઊંડે સુધી કેમ ઘૂસેલા છે એ અંગે સમાજશાસ્ત્રીઓમાં પણ મતમતાંતર છે. આઝાદી બાદ અનેક સંગઠનોએ અને લોકનેતાઓએ જાતિનો ભેદભાવ દૂર કરવા માટે અનેક આંદોલનો ચલાવ્યાં છે પરંતુ આવા આંદોલનો પણ જાતિવાદના મૂળ કાપી શક્યાં નથી.

શહેરોમાં પણ વિસ્તારો જાતિના આધારે વસેલા છે. દલિતોને અન્ય સમાજના વિસ્તારોમાં મકાન મળવું મુશ્કેલ બને છે. ગુજરાત હજુ પણ સામાજિક જાગૃત્તિમાં પછાત છે. હજુ પણ જડ અને રૂઢીગત વર્ણવ્યવસ્થાનું વળગણ છે. પોતાની જાતિનો વટ પાડીને વરચસ્વ દેખાડવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. તેના કારણે પણ જ્ઞાતિવાદ ફેલાયો છે. તો પોતાના સંતાન આંતરજાતીય લગ્ન ન કરે તેવા ડરના કારણે દલિતોને સોસાયટીમાં મકાન નથી આપતા. કેટલાક લોકો અનામતની ઇર્ષાના કારણે જાતિવાદની જકડમાંથી બહાર નથી નિકળી શકતા. અને જ્ઞાતિવાદ ફેલાવાનું સૌથી મોટુ કારણ જ્ઞાતિ આધારિત ગીતો પણ છે. કમાણી કરવા માટે કલાકારો જ્ઞાતિને ભડકાવતા ગીતો તો બનાવે છે પરંતુ તેની આડ અસર સમાજ પર પડે છે. આ બધાથી પર પોતાની રાજનીતિ ચમકાવવા માટે નેતાઓ જ્ઞાતિવાદને હથિયાર બનાવે છે.

આ દૂષણની શરૂઆતની પ્રક્રિયા મુગલો અને અંગ્રેજકાળ દરમ્યાન થઈ હતી. મુગલોને યેનકેન પ્રકારેણ ભારત પર કબજો જમાવી લેવો હતો. ભારતની સંપત્તિ લૂંટવી હતી અને ભારતીય સ્ત્રીઓનો ભોગવિલાસ કરવો હતો, તેમને ગુલામ બનાવવી હતી. ત્યાર બાદ અંગ્રેજોએ જોયું કે, આ દેશ ધનવાન તો છે, પરંતુ સાક્ષર નથી. અહીં જે સત્તાધારી અને સાક્ષર છે તેમને સુધારાવાદી નહીં, પરંતુ સ્વાર્થી બનાવીશું તો આપણી દાળ વહેલી ગળશે.

ખાસ કરીને ચૂંટણી આવતા જાતિગત વાયદાઓનું પ્રમાણ વધી જાય છે. તો સડકો પર અનામતની માંગ કરી રહેલાં યુવાનો પણ જાતિવાદના આધારે એકજૂથ બની જાય છે. આવું વલણ છેલ્લા થોડા સમય દરમિયાન જાટ, મરાઠા અને પાટીદાર આંદોલનો દરમિયાન જોવા મળ્યું છે. તો જે લોકો પહેલેથી જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે પછી અન્ય પછાત વર્ગમાં સામેલ છે એવા લોકો વચ્ચે પોતાની અનામત વ્યવસ્થા જાળવી રાખવા અને ઓર મજબૂત કરવા માટે પ્રયાસ થતા રહે છે. જાતિથી ઉપરવટ જઇને કોઇ આર્થિક મુદ્દો લોકોને એકજૂથ કરી શકતો નથી. જોકે એવા પણ લોકો છે જેમને જાતિવાદ કરતા લોકતંત્રમાં ભરોસો વધારે છે. જેના કારણે ઘણાં લોકો જાતિવાદથી ઉપર જઇને મતદાન કરતા હોય છે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!