શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો
ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો ઘડો ફૂટશે
એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું ગુજરાત છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ બની ગયું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં કોંગ્રેસની સતત પડતી થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસની ફરી નામોશી થઈ છે. ચૂંટણીના પરિણામમાં ભાજપે 62 પર જ્યારે કોંગ્રેસે 1 પર કબ્જો કર્યો છે. જ્યારે બાકીની 5 પર અન્ય પક્ષો કિંગમેકરની ભૂમિકામાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં. ગુજરાતમાં હવે કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ વિપક્ષમાં છે. આમ કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા છત્તીસગઢની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરાજય બાદ ગુજરાતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યની તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં મોટા રાજકીય અપસેટ સર્જાયા છે, જેણે રાજકીય પંડિતો અને પક્ષોને વિચારતા કરી દીધા છે. આ અપસેટ માત્ર અમુક વ્યક્તિઓ કે પક્ષોની હાર નથી, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા બદલાવનો સંકેત આપે છે. જ્યારે કોંગ્રેસ હર વખતેની જેમ મનોમંથન કરી અને પછીની ચૂંટણીમાં ખરાબ દેખાવ કરે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું છે. ભાજપની પ્રચંડ જીતથી ગુજરાતમાં સત્તા પર પાછા ફરવાની કોંગ્રેસની આશાને ફટકો પડ્યો જ નથી, પરંતુ રાજ્યમાં ફરીથી ઉભરી આવવાની પાર્ટીની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસની શરમજનક હારને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી આંતરિક કલેશ અને સંગઠનાત્મક પડકારોથી ઝઝૂમી રહી છે. અનેક નેતાઓને ગુમાવવાથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને નુકસાન થયું છે.
ગુજરાતની પરિસ્થિતિને લઈને પાર્ટીને મજબૂત કરવામાં સફળ થશે એ પ્રકારની હાઈકમાન્ડની અપેક્ષાઓ ક્યાંક વામણી સાબિત થઈ છે. ગુજરાતમાં કાઢવામાં આવેલ ન્યાય યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખ્યો હતો. કોંગ્રેસ તેને ભાજપના પાપનો ઘડો નામ આપ્યું હતું. એમાં લોકો તેમના પ્રશ્નો નાખે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે તેવી વાત હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હોવાની ચર્ચા રાજકીય નિષ્ણાતો કરી રહ્યા છે. રાજ્યના મતદારોએ કોંગ્રેસના વાયદા અને વચનોને પણ ઠોકર મારી છે. મોંઘવારી, સતત વધતો જતો ભાવવધારો, બેકારી, ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દાઓની ચૂંટણી પરિણામોમાં કોઇ અસર જોવા મળતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ તૂટવાનો સિલસિલો હજી પણ યથાવત છે. કોંગ્રેસ પાર્ટીએ એક આત્મ મંથન કરવાની જરૂર છે, કારણ કે પાર્ટીમાંથી નેતાઓ અને ધારાસભ્યોનું જવું એ જનાધાર ખોવા બરાબર છે. 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ગુજરાત કોંગ્રેસમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો, પરંતુ ત્યારબાદ ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની પેટા ચૂંટણી પરિણામો કોંગ્રેસથી વિપરીત રહ્યા.
ગુજરાતમાં કૉંગ્રેસની હાલની પરિસ્થિતિનું અવલોકન કરીએ તો તેની સામે વિચારધારાનું સંકટ પણ છે અને સંગઠનના સ્તરે પણ મોટું સંકટ છે. સંગઠનની શક્તિ જાળવી રાખવા માટે વિચારધારા જરૂરી છે. એવું દેખાય છે કે કૉંગ્રેસ પોતાની પાર્ટી કૅડરમાં વિચારધારાની બાબતે સ્પષ્ટતા જાળવી શકતી નથી. ગુજરાતમાં કૉંગ્રેસમાં વર્ષોથી નેતાઓ વચ્ચે અલગ-અલગ દેખીતા ફાંટાઓ રહ્યા છે. પરંતુ અહેમદ પટેલ બાદ અહીંના નેતાઓ વચ્ચે તાલમેલ બેસાડે તેવું કોઈ બચ્યું નથી અને હવે તે ફાંટાઓ વધુ ઉપસી રહ્યા છે, જેની સીધી અસર વિચારધારા પર પડે છે.
ચૂંટણીને લઈ ભાજપ ગેલમાં જોવા મળે છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય અને દિવ્ય વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂક્યો છે. ગુજરાતમાં 1995માં ભાજપ પહેલીવાર પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યો હતો. ત્યારથી એટલે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સતત ભાજપનું શાસન રહ્યું છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરવાનો રેકૉર્ડ રહ્યો છે. ભાજપના વિજયથી પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ તેમજ અન્ય કાર્યાલયો પર કાર્યકરોએ જીતનો જશ્ન મનાવી ફટાકડા ફોડયા હતા.
ગુજરાતના હાલના રાજકીય માહોલ તરફ નજર દોડાવીએ તો સંખ્યાબળની રીતે ગુજરાતમાં વિપક્ષ અત્યાર સુધીની સૌથી નબળી અને ખરાબ પરિસ્થિતિમાં છે. નાના તાલુકાઓ અને ગામડાંઓમાં કાયમ મજબૂત ગણાતી કૉંગ્રેસનો ત્યાંથી પણ સફાયો થઈ ગયો છે. આમ, પહેલેથી જ ગુજરાતના ચૂંટણીલક્ષી રાજકારણમાં આંકડાકીય રીતે વિપક્ષનું ધોવાણ થઈ ચૂક્યું છે.
BY KALPESH MAKWANA ON 18TH FEBRUARY, 2025
Be First to Comment