Press "Enter" to skip to content

સાંસદોને પગાર વધારાની જરૂર લાગે છે!?

24 ટકાના વધારા પછી લોકોના મનમાં એક જ સવાલ,સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા થઇ જાય છે?સાંસદોના પગાર વધ્યો તો વિપક્ષની પણ મોઢે પણ આંગળી પડી રહી!

સંસદને લોકહિતની ચર્ચાનું સદનને બદલે સબ્જી માર્કેટ બનાવી પ્રજાના વેરાનો વ્યય કરવો કેટલો યોગ્ય!

દેશના સાંસદો અને ભૂતપૂર્વ સાંસદો માટે ગતરોજ હરખના સમાચાર આવ્યા હતા દેશના તમામ સાંસદ સભ્યોના પગાર,દૈનિક ભથ્થા, પેન્શન અને વધારાના પેન્શનમાં લગભગ 24 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ વધારો ગત વર્ષની 1 એપ્રિલ, 2023થી જ અમલમાં આવશે, એટલે વધારાના લાભમાં પણ વધારો આવશે! આમ હવે સાંસદોનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે.સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો કરવાની સાથે દૈનિક ભથ્થું પણ 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે,તો ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે તેમનું માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પાંચ વર્ષથી વધુ સમયગાળા માટે દર વર્ષે વધારાનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે.2018થી સાંસદોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા દર પાંચ વર્ષે કરવામાં આવે છે.આ સમીક્ષા ફૂગાવાના દર પર આધારિત છે. 2018માં સાંસદોના પગાર અને ભથ્થાં અંગેના કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો.જોકે દેશના સાંસદોના પગાર વધારાની સાથે જ ચર્ચાઓ જાગી છે કે શું સાંસદોને પગાર વધારાની જરૂર લાગે છે!? લોકોમાં કેટલાક સવાલો પણ છે મોંઘવારીનો માર વેઠતી પ્રજાના જ પૈસે સાંસદોને મજા કેમ! 24 ટકાના વધારાથી મોટાભાગના સાંસદોને કોઈ ફરક પડતો નથી કારણેકે સંસદમાં લગભંગ સાંસદો પૈસેટકે સુખી છે તો કેટલાય સાંસદો સાંસદ બન્યા પછી માલામાલ અને સુખી સંપન્ન બની જતા હોય છે,સાંસદ બની રાજ કરતા કેટલાય સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા થઇ જાય છે? તે સવાલ આજે પણ કરોડો ભારતીયોને મુંઝવી રહ્યો છે?

આમ તો,રાજકીય વિપરીત વિચારધારાને કારણે સરકાર ચાલવતા સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ મોટાભાગના મુદ્દે એકબીજા પર ગંભીર આક્ષેપો-પ્રતિઆક્ષેપ કરતા રહે છે,જેના પડઘા સંસદના બંનેગૃહમાં પણ જોવા મળે છે,સંસદગૃહમાં સાંસદો ઘણીવાર લોકશાહી મર્યાદાઓ તોડતા પણ જોવા મળે છે,સદન લોકહિતની ચર્ચાનું સદન છે પરંતુ પોતાના રાજકીય હિત માટે સદનને સબ્જી માર્કેટ બનાવી પ્રજાના વેરાનો વ્યય કરવો કેટલો યોગ્ય છે જેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે.જોકે સાંસદોના પગાર વધારા બાબતે સત્તાપક્ષ અને વિપક્ષ એમ બંનેએ સમજોતા એક્સપ્રેસ ચાલવી મગનું નામ મરી પાડવામાં આવતું નથી.મૌન ધારણ કરી પગાર વધારાને મૂક સમંતિ આપી દેવાતી હોય તેમ લાગે છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાના સાંસદોના વેતનમાં વધારો કર્યો હતો જેને તમામે-તમામ સાંસદે હર્ષભેર સ્વીકારી લીધો છે,સાંસદોના પગાર વધ્યો તો વિપક્ષની પણ મોઢે પણ આંગળી પડી રહી હતી.વિપક્ષના એક પણ સાંસદનું નિવેદન આવ્યું નથી. કેમ કે અહીં પોતાના લાભની વાત છે.મજાની વાત એ છે કે કર્મચારી માટે નવી પેન્શન નીતિમાં પેન્શનની જોગવાઈને રદ કરવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે ધરણાં કે આંદોલન કરવા મજબૂર થવું પડે છે. પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂર્વ સાંસદોના પેન્શનની ચિંતા કરે છે. તો એટલી જ ચિંતા ખરેખર કર્મચારીઓની પણ કરવી જોઈએ. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પહેલાં, સાંસદોના પગાર અને ભથ્થામાં ફેરફાર એપ્રિલ 2018માં થયો હતો. 2018માં સાંસદોનો મૂળ પગાર રૂપિયા એક લાખ નક્કી કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય હતો કે તેમનો પગાર મોંઘવારી અને જીવનનિર્વાહના વધી રહેલા ખર્ચના પ્રમાણે હોય. 2018માં સાંસદોને પોતાના ક્ષેત્રમાં ઓફિસ ચલાવવા અને લોકોની મુલાકાત માટે રૂપિયા 70 હજારનું ભથ્થું મળતું હતું. આ ઉપરાંત, સાંસદોને ઓફિસના ખર્ચ માટે રૂપિયા 60 હજાર પ્રતિ મહિને અને સંસદ સત્ર દરમિયાન રોજ રૂપિયા બે હજારનું ભથ્થું મળતું હતું. હવે આ ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સાંસદોને કેટલીય અન્ય સુવિધાઓ પણ મળે છે. જેમ કે સાંસદોને ફોન અને ઈન્ટરનેટના ઉપયોગ માટે ભથ્થું મળે છે. સાંસદ પોતે અને પોતાના પરિવાર સાથે વર્ષમાં 35 ડોમેસ્ટિક વિમાનયાત્રા કરી શકે છે. સાંસદો કામ માટે કે અંગત કામ માટે ગમે ત્યારે રેલવે ટ્રેનમાં ફર્સ્ટ એસી ક્લાસમાં યાત્રા કરી શકે છે. રોડથી યાત્રા કરવા પર સાંસદોને પેટ્રોલ-ડિઝલનો ખર્ચ મળે છે. ઉપરાંત, પ્રતિ વર્ષ 50 હજાર યુનિટ વીજળી અને ચાર હજાર કિલોલિટર પાણી પણ મફત મળે છે. આ સાથે, સાંસદોને દિલ્હીમાં પાંચ વર્ષ માટે રહેવા માટે ઘર ભાડા વગર મળે છે. સાંસદોને સિનિયોરિટીના હિસાબથી હોસ્ટેલના રૂમ, એપાર્ટમેન્ટ કે બંગલા મળી શકે છે. જે સાંસદો સરકારી ઘર લેતા નથી, તેમને પ્રતિ મહિને ઘરનું ભથ્થું પણ મળે છે. ટૂંકમાં, સાંસદો કોઈ પ્રકારની તકલીફ પડે નહીં તેની કાળજી સરકાર રાખે છે. ખરેખર સરકારે આટલી કાળજી નાગરિકોની પણ રાખવી જોઈએ!

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!