લોકહિતની આડમાં પોતાના વિકાસની હોડ
સભાઓમાં આજે લોકહિતની આડમાં કેટલાક પત્તા ફેંકી પોતાનો વિકાસ કરતા હોવાનો ગણગણાટ છે. અંદાજ કરતા ડબલ ભાવની મલાઈ ઇજારદારોને પીરસવા સાથે પોતે પણ આરોગી રહ્યા હોવાની રાવ છે. સરકારી તિજોરીઓ તળિયાઝાટક થતા તંત્ર ચલાવવા આવક ઉભી કરવાના સ્થાને સરકારી પ્લોટો વેચી અથવા વ્યાજ સાથે લોન કરી સહારો લેવાની નોબત ઉભી કરી છે.
મહાનગર પાલિકા , નગરપાલિકા, જિલ્લા – તાલુકા ખાતે વિકાસને વેગ આપવા અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ અર્થે સભા યોજાતી હોય છે. જેમાં શાશક અને વિપક્ષના સભ્યો વચ્ચે ચર્ચા વિચારણાના અંતે નિર્ણય થતો હોય છે. પરંતુ આ સભાઓમાં કેટલાક કામો ઈમરજન્સીના નામે તથા બહુમતીના જોરે અથવા શાશક -વિપક્ષની સમજૌતા એક્સપ્રેસ સાથે મંજુર થતા ભ્ર્ષ્ટાચારની વ્યાપક ફરિયાદો સામે આવે છે. અંદાજ કરતા વધુ મુજબ 30 થી 80 ટકા વધુ ભાવના કામોને લીલીઝંડી મળી રહી છે. જેના કારણે સરકારી તિજોરી ઉપર ભારણ વધતું રહે છે. પરિણામે બચત થઇ ન શકતા મહેકમ સાથે જરૂરી સાધન સામગ્રીનો અભાવ રહેતા સીધી અસર કામગીરી ઉપર વર્તાય રહી છે.
આજે કેટલાક સભાસદો પોતાનો એજન્ડા સેટ કરવા ધમપછાડા કરતા જણાય છે. કેટલાક કિસ્સામાં સભામાં અથવા અંગત રજૂઆતો સાથે મીડિયામાં દેખાડા પૂરતો હાઉ ઉભો કરી કોન્ટ્રાકટર -અધિકારીઓ સાથે સાંઠગાંઠનો તખ્તો ઘડી રહ્યા છે. તેમાંય જરૂર પડે તો એડવોકેટ અથવા આરટીઆઈ થકી સમગ્ર ખેલને વળાંક અપાય છે. અધિકારીઓ પણ એસી રૂમમાં બેઠા બેઠા જ મલાઈ મેળવી લઇ યોગ્ય સુપરવિઝન ન કરતા ભ્રસ્ટાચારને વેગ મળી રહ્યો છે. સભાસદોને કેટલાક કામો ખોટા હોવાની માહિતી હોવા છતાં ધૃતરાષ્ટ્ર માફક સમર્થન સાથે પાપના સહભાગી બને છે.
સભાઓમાં લોકસુવિધા – વિકાસકાર્યોની ચર્ચા અને નિર્ણયો થાય છે તેમાં બે મત નહિ, પરંતુ સત્તા મળતા જ કેટલાકની સંપત્તિમાં તીવ્ર ગતિએ વધારો સહુ કોઈને અચંબિત કરે છે. સામાન્ય પરિવારમાંથી સત્તામાં આવનાર કેટલાક આજે ગણિત ન બેસે તેટલી સંપત્તિ વસાવી બેઠા છે. આવા લોકો કાયદાની માયાજાળથી પરિચિત હોય શકુનિની માફક પાસા ફેંકી બચતા ફરે છે.
ભ્રષ્ટચારની આ સાંકળમાં ઈમાનદાર વ્યક્તિનો જીવ ઘૂંટાતો રહે છે. જો સહકાર આપે તો પોતાની સામે જ નજર ન મિલાવી શકે અને સહકાર ન આપે તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે. તેમ છત્તા હજુ પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા અનેક નેતા -અધિકારીઓ જનતાનો વિશ્વાસ ડગમગે નહિ તેના પ્રયાસોમાં ઝઝૂમતા રહે છે જે સન્માનને પાત્ર છે.
Be First to Comment