ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના
ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે. ગુજરાતમાં કૉમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરવામાં આવી હોવાની જાહેરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંયુક્ત પત્રકારપરિષદ ભરીને આ માહિતી આપી હતી. સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. જેથી ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓહિંદુ મેરેજ એક્ટ , હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ લાગુ રહેશે નહીં. ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે.
– મુખ્યમંત્રીએ કહ્યું, ભાજપ સરકાર જે કહે છે તે કરે છે.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ 370, ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે. ગુજરાત સમાન નાગરિક ધારો અમલ કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધીશું. કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટે નો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી રચાશે. આ કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. જે રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે.
– ગૃહમંત્રીએ કહ્યું, આદિવાસી સમાજના રીત-રિવાજોનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવશે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે “45 દિવસમાં યુસીસી કમિટી સરકારને રિપોર્ટ રજૂ કરે ત્યાર બાદ સરકાર રિવ્યૂ કરી તે અંગે નિર્ણય કરશે. આ લાગુ થતા સમાજના બધા લોકોને ફાયદો થવાનો છે. અશાંતધારાને યુસીસી સાથે કોઈ સંબંધ નથી.” હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે આદિવાસી સમાજના રીતિ-રિવાજોને કોઈ પણ પ્રકારે નુકસાન કરવામાં આવ્યું નથી, યુસીસીના કાયદામાં આદિવાસી સમાજના રીત-રિવાજોનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવશે.
– કમિટીમાં કોણ-કોણ?
ગુજરાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સભ્યો તરીકે સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ, નિવૃત્ત આઈએએસ અધિકારી સી. એલ. મીણા ,ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર એડવોકેટ આર. સી. કોડેકર, દક્ષેષ ઠાકરનો સમાવેશ કરાયો છે.
– કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ?
જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યું અને પછી 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
કમિટી ક્યારે સુપરત કરશે રિપોર્ટ?
આ કમિટી અભ્યાસ કરીને રિપોર્ટ 45 દિવસમાં ગુજરાત સરકારને આપશે. રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભાજપની સરકારનો હંમેશા એક વ્યવહાર રહ્યો છે કે, જે બોલે તેનું પાલન કરવું. તેમણે કહ્યું કે, રિપોર્ટ બનાવતી વખતે તમામ વિષયોનો ધ્યાન રાખવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે યુસીસીનું મોડલ રજૂ કર્યું છે. 45 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ સરકારે એનું રિવ્યૂ કરશે. તે પછી જ નિર્ણય લેવામાં આવશે.
– યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું?
દેશમાં ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા એમ બે પ્રકારના કાનૂન છે . ક્રિમિનલમાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો અને સિવિલમાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. જેથી આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ ,શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, આ બિલમાં 400થી વધુ જોગવાઈઓ છે. આ બિલને લઇ વિવાદ થઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં.
– યુસીસી લાગુ થયા બાદ આ પૈકીના કેટલાક ફેરફાર થવાની શક્યતા છે.
* 6 મહિનામાં લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે
* લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત
* પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર
* માતા-પિતાને પણ સંપત્તિનો અધિકાર
* હલાલા – બહુપત્નીત્વ પર પ્રતિબંધ
* 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન થશે નહિ
* સમગ્ર મિલકતના વસિયતની છૂટ
* લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજિસ્ટ્રેશન
* અન્ય ધર્મના બાળકને દત્તક નહિ લઈ શકાય
* અનુસૂચિત જનજાતિઓ યુસીસીના કાયદાની બહાર
* જાતિ, ધર્મ, પરંપરાના આધારે કોઈ છૂટછાટ નહીં
* ચોક્કસ ધર્મ માટે અલગ નિયમ નથી
* અનુસૂચિત જનજાતિઓને બાકાત રખાયા
* ટ્રાન્સજેન્ડરો અને પૂજા પદ્ધતિઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલ કરવામાં આવી નથી.
અત્રે નોંધનીય છે કે, ભારત દેશમાં હાલ જુદાં જુદાં ધાર્મિક સમૂહોના જુદા જુદા પર્સનલ લૉ અમલમાં છે. જેમ કે, હિંદુ મૅરેજ ઍક્ટ, હિંદુ સક્સેશન ઍક્ટ, ઇન્ડિયન ક્રિશ્ચિયન મૅરેજ ઍક્ટ, ઇન્ડિયન ડિવોર્સ ઍક્ટ, પારસી મૅરેજ ઍન્ડ ડિવોર્સ ઍક્ટ અને મુસ્લિમ પર્સનલ લૉ વગેરે. હિંદુ કાયદા હેઠળ લગ્નને પરંપરાગત રીતે પવિત્ર સંસ્કાર તરીકે જોવામાં આવે છે જ્યારે મુસ્લિમ કાયદામાં લગ્નને એક કરાર માનવામાં આવે છે. ત્યાંથી જ લગ્નમાં છૂટાછેડાનો વિચાર આવે છે. જોકે ઘણા નિષ્ણાતો માને છે કે હિંદુ મેરેજ ઍક્ટ પસાર થવાથી તે પણ એક કરાર જેવું જ બની ગયું છે. લગ્નની રીત અલગ હોવા ઉપરાંત પણ કોણ કોની સાથે લગ્ન કરી શકે તે અંગે બંને ધર્મોમાં અલગ-અલગ નિયમો છે. જોકે, હિંદુ મૅરેજ ઍક્ટ સ્પષ્ટ કરે છે કે અમુક લગ્નો થઈ શકતાં નથી. જેમ કે લોહીનો સંબંધ હોય તેમની વચ્ચે, કાકા અને ભત્રીજી વચ્ચે લગ્ન શક્ય નથી. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભત્રીજી અને કાકા વચ્ચે લગ્નની મંજૂરી આપવામાં આવી છે. જયારે મુસ્લિમ કાયદો પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્નની મંજૂરી આપે છે. મુસ્લિમ લગ્નોને કરારની માફક ગણવામાં આવે છે તેથી છૂટાછેડા સરળ છે.
BY KALPESH MAKWANA ON FEBRUARY 04, 2025
Be First to Comment