Categories: Magazine

જ્યાં દુકાનનો નફો ગાંધીજી સુધી પહોંચતો હતો, એ સ્વતંત્રતાની વાર્તા!

 

અહીં દુકાનમાંથી મળતો નફો ગાંધીજીને મોકલાતો હતો.વડોદરાની દુકાન જે સ્વતંત્ર સંગ્રામ સાથે પણ જોડાયેલી છે.

 

વિદેશી વસ્ત્રોની હોળી કરવાના ગાંધીજીના આહ્વાન બાદ ખાદી ખરીદવા દુકાનમાં લાંબી કતારો લાગી હતી. રાવપુરામાં હાલમાં પણ કાર્યરત ભારત ઉદ્યોગ હાટનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજે કર્યું હતું.

તમને જાણીને વિસ્મય થશે કે, વડોદરા શહેરમાં એક એવી દુકાન હજું પણ કાર્યરત છે, જેના માલિકો પોતાનો ઘરખર્ચ કાઢી બાકીનો નફો ગાંધીજીને મોકલતા હતા. આ દુકાન વડોદરાની પ્રથમ ખાનગી ખાદી વિક્રેતા હતી. શહેરના રાવપુરા પાસે આવેલી આ ભારત ઉદ્યોગ હાટ નામની દુકાન દેશની ખાદી પ્રત્યેની લાગણી અને આઝાદી માટે દેશજનોના લગાવની સાક્ષી પૂરે છે. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના અવસરે ભારત ઉદ્યોગ હાટની વાત જાણવી સૌને ગમશે.

અંગ્રેજો સામેની આઝાદી ચળવળમાં મહાત્મા ગાંધીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાકલ કરી હતી. તેનાથી પ્રેરાઇને વડોદરામાં છોટાલાલ વસંતજી મહેતા અને તેમના બે પુત્રો ધીરજલાલ અને સુમનચંદ્રએ ૧૯૩૦-૩૨ના સમયગાળામાં ખાદીનું વેચાણ શરૂ કર્યું. બાદમાં ૧૯૩૭માં હાલમાં રાવપુરામાં છે, એ દુકાનનો પ્રારંભ કર્યો હતો. આ દુકાનનું ઉદ્દઘાટન કરવા માટે રવિશંકર મહારાજ પોતે આવ્યા હતા. એ સમયે વાજબી ભાવે સ્વદેશી ખાદી માટે આ દુકાનની બોલબાલા હતી. એવામાં વર્ષ ૧૯૪૨માં ગાંધીજીએ આપેલા આહ્વાનને પગલે ઠેરઠેર વિદેશી વસ્ત્રો અને વસ્તુઓની હોળી થવા લાગી ત્યારે, વડોદરામાં ભારત ઉદ્યોગ હાટમાં ખાદી ખરીદવા માટે લાઇનો લાગી હતી. વોલમાર્ટમાં બ્લેક ફ્રાઇડે સેલમાં ખરીદી માટે ગ્રાહકોની કતારો લાગે એવી રીતે ૧૯૪૨માં આ દુકાનમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ત્યારે એક ગ્રાહકને માત્ર ત્રણ મિટર કાપડ આપવું, એવો નિયમ કરવો પડ્યો હતો.

દુકાન માલિક છોટુલાલ મહેતાએ આઝાદીની ચળવળમાં યોગદાન આપ્યું હતું

છોટાલાલ મહેતાએ બાદમાં પોતાનું જીવન સમાજસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને ગાંધીજી સાથે ચાલ્યા હતા. તેમના મોટા પુત્ર ધીરજલાલ મહેતા માટે કન્યા શોધવાનું કામ પણ રવિશંકર મહારાજે કર્યું. સૌરાષ્ટ્રના જેતપુરના પ્રભાબેન સાથે વેવિશાળ કરાવી રવિશંકર મહારાજે બારડોલી ખાતે લગ્નની વિધિ પણ પોતે કરી હતી. ગાંધીજી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગોળ ખવડાવી સૌના મ્હોં મીઠા કરાવ્યા હતા. આવા સંસ્મરણો છોટાલાલના પ્રપોત્રો ૭૧ વર્ષીય શ્રી પુલકિત મહેતા અને ૬૩ વર્ષીય શ્રી સંજય મહેતા વાગોળે અને કહે છે કે, બાદમાં ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અવારનવાર ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લેતા રહ્યા હતા.મહેતા પરિવારે આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપવા માટે અનેક અનોખો નિર્ણય કર્યો. ભારત ઉદ્યોગ હાટમાંથી થતી આવકમાંથી પોતાના ઘરખર્ચનો ભાગ કાઢી બાકીની રકમ ગાંધીજીને અથવા તે કહે તે આશ્રમને મોકલી આપવામાં આવી હતી. લગભગ એક દાયકા સુધી આવકનો ભાગ આ રીતે મોકલવામાં આવ્યો. ગાંધીજી સાથે આ બાબતે પત્ર વ્યવહાર પણ થતો હતો.

આ ઐતિહાસિક દુકાનમાં આજસુધી કોઇ પણ પ્રકારનું રિનોવેશન કરાયું નથી

વડોદરા શહેરમાં પુલકિતભાઇ અને સંજયભાઇ આજે પણ આ દુકાન ચલાવે છે. એ દુકાન કોઇ પણ પ્રકારનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. જે સ્થિતિમાં હતી, એ જ સ્થિતિમાં અત્યારે ભારત હાટ કાર્યરત છે. વિવિધ પ્રકારની ખાદી સાથે ગરમ વસ્ત્રોનું વેચાણ કરે છે. ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લો તો તમને જૂના જમાનામાં દુકાનો કેવી હતી, એનો ખ્યાલ આવશે.

City Updates

Recent Posts

ભારતમાં ઉજવાયો 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ

જનતા દ્વારા, જનતા માટે, જનતાનું શાસન.ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી   ભારત આજે 15મો…

2 days ago

બે વર્ષમાં 36 કરોડ પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી..!

ગુજરાતમાં 'ટુરિઝમ' ટોચ પર..!   વાઈબ્રેન્ટ નવરાત્રી 23.12 લાખ,રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ 17.83 પ્રવાસીઓ આવ્યા.ગુજરાતમાં…

3 days ago

મેઈન્ટનન્સ નહી આપનારાની સામે સોસાયટીઓ લાચાર..

ઠેર ઠેર આ માથાકૂટ મેઈન્ટેનન્સ બાકી હોય એટલે સોસાયટીનો વહીવટ અટવાય - સોસાયટીની છાપ અને…

3 days ago

આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને રાષ્ટ્રીય બાલિકા દિવસ: મહત્વ અને ઉજવણી

જાણો આ દિવસનું મહત્વ   આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાશે શિક્ષણ એ…

3 days ago

આ બજારનું નામ ‘હાથીખાના’ કેમ પડ્યું ?

"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…

5 days ago

‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ આગવી સંસ્કૃતિ રજુ કરે છે

  પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…

5 days ago