Categories: Magazine

જેલ: એક અલગ દુનિયા | જેલની હકીકત, કેદીઓનું જીવન અને સુરક્ષા વ્યવસ્થા

“જેલ” એક અલગ દુનિયા

 

સાંભળતા જ ડરામણો લાગતો શબ્દ “જેલ”ની વાસ્તવિકતા

જેલના દ્રશ્યો ફિલ્મો માટે પ્રાણરૂપી રહ્યા છે. ફિલ્મોમાં હીરોની છબી માટે વિલનનની ભૂમિકા અગત્યની રહે છે. ફિલ્મોમાં વિલન હોય એટલે સ્વાભાવિક છે પોલીસ અને જેલના દર્શ્યો પણ આવે. ફિલ્મોમાં દર્શાવતી જેલોની પ્રવૃત્તિ કાલ્પનિક અને વાસ્તવિક બને હોય છે. પરંતુ ફિલ્મોમાં દર્શાવતા અને હકીકતના જેલના દ્રશ્યોમાં ઘણો ફેર હોય છે. જેલ આરોપીઓને સજા સાથે સમાજમાં સન્માનભેર પુનઃ સ્થાપિત માટેનો ઉદ્દેશ્ય ધરાવે છે. અહીં આપણે જેલમાં કેદીઓની દિનચર્યા , કેદીઓ -પોલીસ વચ્ચે તાલમેલ , જેલની સુરક્ષા – સુવિધા સહિતના કેટલાક મહત્વના પાસાઓ અને ગતિવિધિ વિષે વાત કરીશું.

જેલ એટલે કેદી તથા શકમંદ વ્યક્તિને અટકાયતમાં રાખવાનું સ્થળ

ગુનામાં સંડોવાયેલી વ્યક્તિને જેલમાં પૂરી રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ન્યાયાલય દ્વારા ફરમાવવામાં આવેલ શિક્ષાનો અમલ કરવાનો તો હોય છે. તે ઉપરાંત, આવી વ્યક્તિઓની હેરફેર પર નિયંત્રણ મૂકી સમાજના અન્ય ઘટકોને ગુનેગારોથી રક્ષણ પૂરું પાડવાનો તથા શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખવાનો ઉદ્દેશ પણ તેમાં સમાયેલો હોય છે. ફોજદારી ગુના માટે એક વર્ષ કરતાં ઓછી સજા પામેલા ગુનેગારોથી માંડી જનમટીપની તથા ફાંસીની સજા પામેલા ગુનેગારોને પણ જેલમાં રાખવામાં આવતા હોય છે. કેટલીક જેલોમાં મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારોને ફાંસી આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી હોય છે. બંદી પર સતત દેખરેખ રાખવા માટે તથા જેલની સુરક્ષા જાળવી રાખવા માટે જુદા જુદા પ્રકારના રક્ષકોની નિમણૂક કરવામાં આવે છે.ભૌગોલિક ર્દષ્ટિએ જેલોનું વર્ગીકરણ સ્થાનિક, જિલ્લા સ્તર કક્ષાની તથા મધ્યસ્થ જેલ આ ત્રણ રીતે કરવામાં આવે છે. અન્ય રીતે પણ વર્ગીકરણ કરી શકાય છે.

કુખ્યાત કેદીઓ હોવાથી જેલની સુરક્ષા મહત્વની

મહત્તમ સુરક્ષા જેલની ચોફેર ઊંચી, પથ્થરની મજબૂત દીવાલો અથવા કાંટાવાળા તારની ફરતી વાડ હોય છે. દીવાલો પર થોડા થોડા અંતરે નિરીક્ષણ સ્તંભો હોય છે. ત્રણ પ્રકારની જેલોમાં સ્ત્રી-ગુનેગારો માટે અલાયદા ખંડ તથા સુરક્ષા કર્મચારીઓ રાખવામાં આવે છે. 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના કિશોર-ગુનેગારોને તરુણો માટેની જેલોમાં તથા બાળ-ગુનેગારોને રિમાન્ડ હોમ નામનાં સ્થાનોમાં રાખવામાં આવે છે, જેથી રીઢા કે ખતરનાક ગુનેગારોના સંપર્કથી તેમને મુક્ત રાખી શકાય. કેટલીક વાર જેલોને સુધારાગૃહ તથા જેલ એવા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સુધારાગૃહમાં ગુનેગારને રાખવાનો આશય તેને સજા કરવા કરતાં તેણે કરેલા ગુના માટે પ્રાયશ્ચિત્ત કરી સમાજના સામાન્ય પ્રવાહમાં તેને પુન:સ્થાપિત કરવાની તક પૂરી પાડવાનો હોય છે, જ્યારે જેલમાં કેદીને રાખવાનો મુખ્ય આશય તેણે કરેલા ગુના માટે શિક્ષા દ્વારા શારીરિક અને માનસિક વ્યથા આપી અપરાધ કરવો સારી વાત નથી એ ઠસાવવાનો હોય છે.

ફિલ્મમાં જેલના દ્રશ્યો અને વાસ્તવિકતામાં ઘણો ફેર

વર્ષ 1993માં થયેલ મુંબઇ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલામાં દોષિત આરોપી બોલીવુડ અભિનેતા સંજય દત્તને 5 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી હતી. જેલ માંથી મુક્ત થયા બાદ, સંજય દત્ત ફિલ્મ ‘સંજુ’ બનાવી હતી. અજય દેવગનની અપહરણ ફિલ્મ માં જેલમાંથી ખંડણી નું નેટવર્ક દર્શાવાયું છે. જેલ આધારિત આવી અનેક ફિલ્મો પણ બની ચુકી છે. અને આજેપણ મોટાભાગની ફિલ્મોમાં જેલના દ્રશ્યો જોવા મળે છે. અનેક ફિલ્મોમાં તમે જેલના ઘણાં દ્રશ્યો જોયા હશે, સાચી હકીકત તેના કરતા ઘણી જુદી જ છે. ભગવાનને પ્રાર્થના કરજો કે જીવનમાં ક્યારેય જેલમાં ન જવું પડે, જેલમાં જીવન નર્ક સમાન બની જાય છે. કેદીઓને જીવનભર પોતાના ગુનાનો પસ્તાવો થાય છે. દેશના દરેક રાજ્યમાં સેન્ટ્રલ જેલ હોય છે. 2 વર્ષથી વધુની સજા ભોગવનારા કેદીઓને સેન્ટ્રલ જેલમાં રખાય છે.ફિલ્મોમાં તમે જોયું હશે કે જેલના કેદીઓની થાળીમાં બે સૂકી રોટલી, થોડી સબ્જી અને એલ્યુમિનિયમના મગમાં પાણી હોય. દરેક જેલમાં અલગ અલગ પ્રકારનું જમવાનું મળે છે. કોઈ જેલમાં ઘણુ સારું ભોજન તો કોઈ જેલમાં બહુ ખરાબ જમવાનું મળે.

જેલમાં કેદીઓને કરવા પડે છે આ કામ

જેલમાં કેદીઓને નિયમો અને આદેશો અનુસાર કામ કરવું પડે છે. જેમ કે સવારે 4 વાગ્યે ઉઠવાનું. આ પછી સવારની ચા 5-5:30 સુધી મળે છે. નાસ્તો 8 વાગ્યે ઉપલબ્ધ છે. લંચ 11:30 વાગ્યે ઉપલબ્ધ છે. આ પછી બપોરે 3 વાગ્યે ચા અને બિસ્કિટ આપવામાં આવે છે. પછી સાંજે 6 વાગ્યે રાત્રિભોજનનો સમય હોય છે અને રાત્રે 10 વાગ્યા સુધી સૂવાનું હોય છે. આ દરમિયાન, તમામ કેદીઓએ તેમનું સોંપેલું કામ કરવાનું હોય છે. તમને જણાવી દઈએ કે તમામ રાજ્યોમાં જેલના નિયમો અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ મોટાભાગની જગ્યાએ જેલમાં રહેલા કેદીઓને જેલ પ્રશાસન દ્વારા સોંપાયેલ કામ કરવાનું હોય છે. બદલામાં, જેલ પ્રશાસન તેમને વેતન પણ આપે છે, જે જેલમાં બંધ કેદી તેના પરિવારને મોકલી શકે છે.

જેલના ભજીયા હાઉસ અને કેદી સંચાલિત પેટ્રોલ પંપથી આવક

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે જેલ ઉત્પાદિત ચીજ-વસ્‍તુઓનું વેચાણ કરવામાં આવે છે. તથા મેથીના ભજીયા તૈયાર કરી જાહેર જનતામાં વેચાણ કરવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે ભજીયાનું સરેરાશ રોજીંદુ રૂ. 25 હજારનું વેચાણ થાય છે. જેનાથી સરકારને સારી આવક મળી રહે છે. લાજપોર જેલ ખાતે પણ ભજીયા હાઉસ ચલાવવામાં આવે છે. વડોદરા મધ્યસ્થ જેલ હસ્તકની દંતેશ્વરઓપન જેલ ખાતે ‘પ્રિઝનર્સ વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન’ના નામથી કેદી સંચાલિત પેટ્રોલ પંપ કાર્યરત છે. જેની સફળતાથી પ્રેરાઈને રાજયની અન્ય જેલો ખાતે કેદી સંચાલિત પેટ્રોલ પંપ શરૂ કરવાની કાર્યવાહી ગતિમાં છે. પેટ્રોલ સ્ટેશન ખાતે પેટ્રોલ, ડીઝલ તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોનું આશરે 7 લાખનું દૈનિક વેચાણ થાય છે.

જેલ ઉદ્યોગો ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે કાર્યરત

રાજયની જેલોમાં વણાટ, સુથારી, બેકરી, દરજી, કેમીકલ, પ્રેસ તથા ભજીયા હાઉસ જેવા ઉદ્યોગોમાં કેદીઓને વ્‍યાવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે. સાથોસાથ બિનકુશળ કેદીઓને રૂ. 110, અર્ધકુશળ કેદીઓને રૂ.140-અને કુશળ કેદીઓને રૂ. 170- ના દરે વેજીસ ચૂકવવામાં આવે છે. જેલ ઉદ્યોગો ‘નહિ નફો નહિ નુકશાન’ના ધોરણે પડતર કિંમત ઉપર ફકત 10% નફો લઇ ચલાવવામાં આવે છે. જેલ ઉત્‍પાદનના વેચાણ દ્વારા ઊભી થનાર આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે.

રાજયની જેલો ખાતે કાર્યરત ગૌશાળા

વર્ષ 2017માં જુનાગઢ તથા વર્ષ ૨૦૨૧માં દંતેશ્વર (વડોદરા) ખાતે નવી ઓપન જેલ કાર્યરત કરી રાજયની ચાર ઓપન જેલ કાર્યરત કરવામાં આવી. ઓપન જેલોમાં પશુપાલન, ખેતીવાડી, વિગેરે રોજગારલક્ષી કામો કરવામાં આવે છે. અમદાવાદ ઓપન જેલ- 1995, અમરેલી ઓપન જેલ-૧૯૯૫, રાજકોટ મધ્યસ્થ જેલ-2012, પાલારા (ખાસ) જેલ-2012, જુનાગઢ જીલ્લા જેલ- 2019, નડીયાદ જીલ્લા જેલ-2020 અને દંતેશ્વર (વડોદરા) ઓપન જેલ-2021થી ગૌશાળા કાર્યરત છે.

જેલ સ્ટાફનો કેદીઓ સાથે માનવીય અભિગમ

કેદી જેલમાં દાખલ થયાથી જેલ મુક્ત થાય ત્યાં સુધી તેની સાથે માનવીય અને સન્માનનીય વર્તાવ શારીરિક અને માનસિક ત્રાસ આપવો નહીં, કેદીઓ સામે જરૂર પૂરતો જ બળનો ઉપયોગ કરવો, જેલમાં દાખલ થતાંની સાથે જ કેદીને જેલને સ્પર્શતી બાબતો, તેના હક્કો, ફરજો અને કયા પ્રકારની વર્તણુંક જેલ ગુનો ગણાય તેની સઘળી જાણકારી આપવી, કેદીને મળવાપાત્ર સુવિધાઓ જેવી કે રહેઠાણ, ખોરાક, કપડાં તથા બીમારી માટે દવાઓ સંબંધમાં તેનું યોગ્ય ધોરણ (સ્ટાન્ડર્ડ) જાળવવું, કેદીઓ સમાજને ફરીથી અનુરૂપ બને, પોતાના પગપર રહી આજીવિકા મેળવિ જીવન ગુજરાન કરે તેવી તકો જેલવાસ દરમિયાન પૂરી પાડવી, જેલબહાર પોતાના કુટુંબ સાથે સમયાંતરે પરામર્શ કરી શકે તેવી સુવિધા આપવી, જેલમાં કેદીઓને લાઇબ્રેરીનાં પુસ્તકો, વર્તમાનપત્રો અને ટીવી તથા રેડિયોની સુવિધા, જેલમાં કાચા કામમાં રહેલા આરોપીઓનો ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણી તેની સાથે વ્યવહાર કરવો સહિત્તની બાબતોનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે.

ગુજરાતની જેલોમાંથી ગુનેગારીના અનેક દાખલા

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ કોલ સેન્ટર ચલાવી રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી. જૂનાગઢ જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ થતું હતું. સાબરમતી જેલમાં ચલાવવામાં આવતા ખંડણીના નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. ધોરાજી સબ જેલમાં કેદીઓ જેલની અંદરથી વસ્તુઓની હેરાફેરી કરવા માટે પીવાના પાણીના જગનો ઉપયોગ કરતા હતા. ભરૂચ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સબજેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી કેદીઓ પાસેથી ૭ મોબાઇલફોન કબ્જે કર્યા હતા. અમરેલી જિલ્લા જેલમાં પીસીઓ ચલાવવામાં આવી રહ્યું હતું. જેલમાં જ બેસીને બનાવટી મેડિકલ સર્ટીફીકેટ પણ બનાવડાવવામા આવતા હતા, જેના આધારે કેદીઓને જામીન પણ મળી જતા હતા. ઓડિશાથી ગુજરાતમાં ગાંજાના સપ્લાયનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ જેલમાંથી 6 વર્ષમાં 200થી બધું મોબાઈલ અને 100થી વધુ સીમકાર્ડ મળી આવ્યા છે. આવા અનેક કિસ્સા પાછલા કેટલાક વર્ષોમાં સામે આવ્યા છે. આવી પ્રવૃતિઓમાં કેદીઓ સાથે જેલ પોલીસની મિલીભગતીની શંકાને સમર્થન આપે છે.

આ ભારતની સૌથી મોટી જેલ છે

ભારતની ગણતરી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં થાય છે. જો કે વધતી વસ્તી સાથે કેટલીક ગુનાહિત ઘટનાઓનો ગ્રાફ પણ વધ્યો છે. ભારતમાં 1300 થી વધુ જેલો આવેલ છે. એક અહેવાલ મુજબ, આ જેલોમાં બંધ કેદીઓની સંખ્યા 4 લાખથી વધુ હોય જે આ જેલોની ક્ષમતા કરતા વધુ છે. ભારતમાં કુલ 145 સેન્ટ્રલ જેલો છે. અહીં 415 જિલ્લા જેલ, 565 સબ-જેલ, 88 ઓપન જેલ, 44 સ્પેશિયલ જેલ, 29 મહિલા જેલ, 19 બાળ ગૃહ અને અન્ય જેલો છે. ભારતની સૌથી મોટી જેલ તિહાર જેલ છે. આ જેલમાં કુલ નવ સેન્ટ્રલ જેલ છે, જ્યાં એકસાથે 5200 કેદીઓ રહી શકે છે. દિલ્હીની તિહાર જેલ કુલ 400 એકરમાં ફેલાયેલી છે, જેને સૌથી મોટી જેલ માનવામાં આવે છે. આટલા મોટા વિસ્તાર સાથે આ માત્ર ભારતની જ નહીં પરંતુ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે.

City Updates

Recent Posts

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

3 hours ago

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.  …

6 hours ago

વડોદરાના બજેટમાં 12 નવા રોડ અને 5 પુલ: ટ્રાફિક સમસ્યા હવે ઉકેલાશે?

બજેટમાં રોડ પર 'ભાર' પણ કેટલો પૂરો થશે? વડોદરામાં 12 જેટલા રોડ બજેટમાં મુકવામાં આવ્યા.સ્માર્ટસીટી…

1 day ago

લવયાપા રિવ્યૂ: આજની પેઢીની રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લવ સ્ટોરી

આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…

1 week ago

વડોદરાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના બજેટમાં નવા આયોજનો!

વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…

1 week ago

પાનનો રસિલો ઇતિહાસ પરંપરા, આયુર્વેદ અને સાંસ્કૃતિક મહત્વ

- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…

1 week ago