Press "Enter" to skip to content

લવયાપા રિવ્યૂ: આજની પેઢીની રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લવ સ્ટોરી

આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં

કરિશ્મા પ્રણવ ભાવસાર દ્વારા શાનદાર રીતે લખાયેલ લવયાપા (Loveyapa) રોમેન્ટિક ફિલ્મ છે વેલેન્ટાઇન વીક પહેલા દર્શકો પર પ્રેમનો જાદુ ચલાવવા માટે સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ ગઈ છે. 2022માં આવેલી રાઈટર-ડિરેક્ટર પ્રદીપ રંગનાથનની તમિળ ફિલ્મ ‘લવ ટુડે’ની આ રિમેક ફિલ્મ છે. આઠેક વર્ષ પહેલાં, ‘સિક્રેટ સુપરસ્ટાર’થી પોતાની છાપ અંકિત કરનાર અને તે પછી ‘લાલસિંહ ચઢ્ઢા’થી નિરાશ કરનારા ડિરેક્ટર અદ્વૈત ચંદન વેલેન્ટાઈન્સ ફેબ્રુઆરીમાં લઈને આવેલ ‘લવયાપા’ ફિલ્મ આજની યુવા પેઢી એટલે કે જનરલ-જીની પ્રેમકથા પર કેન્દ્રિત છે. જેમાં તમને ઘણો રોમાંસ અને ડ્રામા જોવા મળશે. જુનૈદ ખાન અને ખુશી કપૂર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દર્શકોને જનરલ-ઝેડના સંબંધોમાં ચાલતી મૂંઝવણ અને આકર્ષણમાંથી પસાર કરે છે. આ સ્ટોરી લોકોને થોડી વિચિત્ર લાગી શકે છે. પરંતુ આજની પેઢી ખરેખર તેની સાથે સંબંધ બાંધી શકે છે.

જુનૈદ ખાન અને ખુશી કપૂર ની એક્ટિંગ :

નેટફ્લિક્સની ‘મહારાજા’માં પોતાના શાનદાર અભિનયથી દિલ જીત્યા બાદ, જુનૈદ ખાન હવે ‘લવયાપા’ સાથે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જે મોટા પરદા પર તેણી પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેનો અભિનય, તેનો લુક, બધું જ તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. તો જ્હાનવીની બહેન ખુશી કપૂર (ઓટીટી પર) ‘ધ આર્ચીઝ’માં બેટ્ટી કૂપર બનેલી. હવે એ મોટા પરદા પર બબ્બુની બાની છે. બન્નેને બિગ સ્ક્રીન પર એન્ટ્રી કરાવવા માટે આ પરફેક્ટ ફિલ્મ છે, જે ટાઈમમાં વાર્તા કહેવામાં આવી છે એ પણ પરફેક્ટ છે. રમુજી સંવાદો અને એક એવી વાર્તા છે જે તમને જકડી રાખશે

લવયાપા માં જુનૈદ ખાન અને ખુશી કપૂરનો અભિનય પ્રશંસનીય છે જે દર્શકોનું મનોરંજન કરતો રહેશે. આ ફિલ્મમાં કલાકારોએ આજની યુવા પેઢીના હાવભાવ, લાગણીઓ, સમસ્યાઓ, ઉત્સાહ અને આવેગને સુંદર રીતે દર્શાવ્યા છે. આ ઉપરાંત, તેમની કેમેસ્ટ્રી આધુનિક પ્રેમને યોગ્ય સ્પર્શ આપે છે. ફિલ્મની સ્ટોરી તમને જાદુઈ દુનિયા કરતાં વાસ્તવિક જીવનના સંબંધોની જટિલતાઓ, સીમાઓ અને ઘણી બધી પ્રેમલગ્નની વાતો વધુ રજૂ કરે છે. નેપોટિઝમની ટીકા કરતા લોકોના મોઢા પર ભલે તાળું ન મારી શકાય, પણ આ બન્નેએ મોરના ઈંડા ચિતરવા ન પડે તે તો સાબિત કર્યું છે. બન્નેની પહેલી ફિલ્મ નથી, પણ આ ફિલ્મથી તેમની નોંધ લેવાશે તેમ ચોક્કસ કરી શકાય…

શું છે સ્ટોરી :

ફિલ્મની સ્ટોરી લગભગ આજના દરેક ઘરમાં જોવા મળશે. આખો દિવસ મોબાઈલમાં જ માથું નાખીને પડ્યા રહેતા યુવાનોની આ લવસ્ટોરી છે.બે યુવાનો એકબીજાના પ્રેમમાં પડે છે. લગ્ન માટે છોકરીના પિતા પાસે જાય છે. છોકરીના પિતા એક શરતે માનવા તૈયાર થાય છે. આ શરત એ છે કે બન્નેએ પોતાના મોબાઈલ એકબીજા સાથે 24 કલાક માટે શેર કરવાના છે. મહત્વનું છે કે મોબાઈલ હવે માત્ર ફોન નથી રહ્યો, એક વ્યક્તિનો ઓરિજનલ બાયોડેટા કે ચરિત્રચિત્રણ થઈ ગયો છે તે જાણતા પિતાની આ ચેલેન્જ બન્નેની લવસ્ટોરીમાં કેવો વળાંક લાવે છે તેના પર ફિલ્મ બની છે. તો આજની વાત ને લઈ ને આ ફિલ્મ ચોક્કસ થી આજના યુવાઓને થિયેટર સુધી ખેચી શકે છે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!