Press "Enter" to skip to content

મહારાણી ચીમનાબાઈના સ્મારકો: વડોદરાની ઐતિહાસિક વારસો અને તેમના યોગદાન

મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો

ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને નાગમ્મા બાઈ સાહિબ મોહિતેને ત્યાં ૧૮૬૪ માં મરાઠા પરિવારમાં થયો હતો. તેમનું જન્મ સમયનું નામ લક્ષ્મીબાઈ હતું. તેમના પિતા તાંજોરના અમીરરાવ હતા અને દાજી સાહેબ તરીકે જાણીતા હતા. તેમની માતા તાંજોરના શ્રી અબાજી રાવ ઘાટગે, સેરજીરાવની પુત્રી હતા. લક્ષ્મીબાઈને તેમની બે બહેનો સાથે રાજકુમારી વિજયા મોહના (૧૮૪૫-૧૮૮૫) દ્વારા દત્તક લેવામાં આવી હતી, જે તાંજોરના છેલ્લા મહારાજા શિવાજીની પુત્રી હતી. તેમણે સદરઅટ્ટમ નૃત્યની તાલીમ લીધી હતી અને તેણે વીણા વગાડી શકતા હતા. દહેજ તરીકે, તેમની સાથે સાદિરઅટ્ટમ નૃત્ય મંડળીને બરોડા મોકલવામાં આવી હતી જેણે ત્યાં નૃત્ય સ્વરૂપ રજૂ કર્યું હતું. સયાજીરાવ અને ચીમનાબાઇ દ્વારા ગાયકવાડ પરિવારના હાલના શાહી નિવાસસ્થાનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ મહેલ તેમના જન્મના નામ લક્ષ્મી પરથી રાખવામાં આવ્યું છે.

ચિમનાબાઈ ક્લોક ટાવર, જેને રાવપુરા ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલો એક ઘડિયાળ ટાવર છે. આ ટાવરનું બાંધકામ ૧૮૯૬ માં પૂર્ણ થયું હતું અને તેનું નામ ચિમનાબાઈ રાણી અને બરોડા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રથમ પત્નીની યાદમાં રાખવામાં આવ્યું હતું. તે ઇન્ડો-સારેસેનિક સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. આ ઘડિયાળ ટાવર તે સમયે 25,000ના નાગરિકો દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2017 માં મ્યુનિસિપલ કમિશનર, વિનોદ રાવે ટાવરને હેરિટેજ સ્મારક તરીકે સાચવવા માટે ટાવરમાં આવેલ ખાનગી દુકાન માલિકને ખાલી કરવાનો આદેશ આપ્યો.હતો. ટાવર ઘડિયાળની યાંત્રિક સિસ્ટમને બદલવામાં આવી છે. પાંચ માળનો ટાવર લાલ ઇંટોથી બનેલો છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક સાંકડી સર્પાકાર સીડી છે જે ઉપરના માળ તરફ દોરી જાય છે. જોન ટેલર એન્ડ કંપની દ્વારા બનાવેલી એક વિશાળ ઘડિયાળ સયાજીરાવ લંડનથી લાવીને ચોથા માળે ફીટ કરવામાં આવી હતી. આ ઘડિયાળનો વ્યાસ છ ફૂટ અને તેનો મિનિટ કાંટો 3 ફૂટ લાંબો છે. ગાયકવાડ શાસન દરમિયાન, દર 15 મિનિટે ડંકો વાગતો ,જે પાછળથી દર કલાકે બદલાઈ ગયો. બાદમાં, યાંત્રિક સિસ્ટમને ઇલેક્ટ્રિક કનેક્શન દ્વારા બદલવામાં આવી અને હવે ઘંટડીઓ મ્યૂટ થઈ ગઈ છે.

સુર સાગર તળાવ પાસે એક શાકભાજી બજાર બનાવવામાં આવ્યું હતું અને તેનું નામ ‘મહારાણી ચિમનાબાઈ માર્કેટ’ રાખવામાં આવ્યું હતું, જેનો પાછળથી ટાઉન હોલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઇમારતને મહારાણી ચિમનાબાઈ ન્યાય મંદિર તરીકે રૂપાંતરિત કરવામાં આવી હતી. ન્યાય મંદિરના મુખ્ય ઓરડામાં રાણીની સફેદ આરસપહાણની પ્રતિમા મૂકવામાં આવી છે.

ચીમનાબાઈનું મૃત્યુ ગર્ભાવસ્થાને લગતી જટિલતાઓને કારણે થયું હોવાથી સયાજીરાવ દ્વારા ૧૮૮૫માં રાજ્યની અન્ય મહિલાઓની સુખાકારી અને સલામત પ્રસૂતિ માટે વડોદરામાં એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ ડફરિન હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું, કારણ કે તેનું ઉદઘાટન બોમ્બે પ્રેસિડેન્સીના તત્કાલીન ગવર્નર લોર્ડ ડફેરિને કર્યું હતું. હાલ આ હોસ્પિટલ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે.

સયાજીરાવ દ્વારા ખેરાલુ નજીક કાદરપુર ગામમાં એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચિમનાબાઇ પ્રથમની યાદમાં અને ચીમનાબાઈ સરોવર નામ આપવામાં આવ્યું હતું. આ બાંધકામ ૧૮૯૮ માં શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૯૦૫ માં પૂર્ણ થયું હતું. તેની પાણીની સંગ્રહ ક્ષમતા ૬૩૨ મિલિયન ક્યુબિક ફૂટ છે. બરોડા મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને ચીમનાબાઈ પ્રથમના નામ પરથી ઈનામ આપીને સન્માનિત કરવામાં આવે છે.

 

BY KALPESH MAKAWANA ON FEBRUARY 17, 2025

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!