Press "Enter" to skip to content

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ

ગુજરાતએ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે. જુદા-જુદા જિલ્લાઓની હસ્તકળા અને જુદી-જુદી હાથવણાટ કળાઓ દેશ–વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, કાષ્ટ કળા, માટી કળા, ટાંગલીયા, જરીકામ સહિતની કળાઓએ લોકોમાં અનેરું આકર્ષણ જન્માવ્યું છે. ત્યારે હસ્તકળાએ માત્ર કારીગરી નથી, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આવી જ એક 700 વર્ષ કરતાં પણ જૂની કળા એટલે ટાંગલિયા વણાટ ટાંગલિયા કળાની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ હતી.

એક સમય હતો, જયારે ગુજરાતની પ્રાચીન ટાંગલિયા કળા લુપ્ત થવાના આરે પહોંચી હતી. આધુનિક ટેકનોલોજીથી બનેલા કાપડોની લહેરમાં આ હાથવણાટ કળાએ પોતાનું અસ્તિત્વ ગુમાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ આજે, કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી આ કળાએ નવો જીવનપ્રાણ પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામના લીલાબેન રાઠોડનું જીવન આ પરિવર્તનનું જીવંત ઉદાહરણ છે. ટાંગલિયા કળા દ્વારા પોતાનું આર્થિક જીવન સુધારતાં લીલાબેન રાજ્ય અને દેશના પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યા છે અને તેમના ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી રહ્યા છે.

ટાંગલિયા: એક પ્રાચીન કળા

ટાંગલિયા કળા 700 વર્ષથી પણ વધુ જૂની છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગસિયા સમુદાયમાં ઉદ્ભવી હતી. આ કળામાં બારીકાઈપૂર્વક કોટન, વુલન અને સિલ્કના ધાગા વણાઈને અનોખી ડિઝાઈન બનાવવામાં આવે છે. આ ડિઝાઈન બંને બાજુ એકસરખી દેખાય છે, જે આ કળાની આગવી વિશેષતા છે. મહત્વનું છે કે આ કળા ઉનના કપડાં માટે પ્રખ્યાત હતી, પણ આજે કોટન અને સિલ્કના વસ્ત્રોમાં પણ આ કળાનો ઉપયોગ થવા લાગ્યો છે. ત્યારે આજે ટાંગલિયા વણાટના દુપટ્ટા, સાડી, ડ્રેસ અને બેડશીટ આજે લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે.

સરકારનો સહયોગ અને નવો અવકાશ

ટાંગલિયા કળા જીવંત રાખવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે. 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) અને સાથ NGOના સહયોગથી ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એસોસિએશનની સ્થાપના થઈ. યુનેસ્કોએ આ કળાને 2009માં જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર (GI) ટેગ આપ્યો, જે 2024માં રીન્યૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટેગથી ટાંગલિયાની ગુણવત્તા પ્રમાણિત થઈ છે અને નકલી ઉત્પાદનો સામે રક્ષણ મળ્યું છે. GI ટેગ એ ગુણવત્તાનું પ્રમાણપત્ર છે જે ગ્રાહકોને ખાતરી આપે છે કે તેઓ અસલી ઉત્પાદન ખરીદી રહ્યા છે.

કેવી રીતે કરાઇ છે આ કારીગરી

મહત્વનું છે કે ટાંગલિયા વર્ક એ હાથની કળા છે, આ કામ મશીનથી કરવામાં આવતું નથી. કારીગર ગણતરી કરીને કોટનના એક પછી એક તાર પર દોરાના છેડાને સિફતપૂર્વક આંગળીથી ગોળ વણીને તોડી નાખે છે અને એમ કરતાં-કરતાં ડિઝાઈન બનતી જાય છે. તારની ઉપર દોરો ગોળ વણાઈ જતો હોવાથી કાપડની બન્ને બાજુ એની ડિઝાઈન એકસરખી જ દેખાય છે.

સ્વરોજગારી અને આર્થિક પ્રગતિ

ટાંગલિયા કળાના પુનર્જીવિત થવાથી અનેક પરિવારો આત્મનિર્ભર બન્યા છે. લીલાબેન રાઠોડના નેતૃત્વમાં ‘શ્રદ્ધા મહિલા મંડળ’ જેવી સંસ્થાઓ મહિલાઓને રોજગારી આપવામાં મદદરૂપ થઈ છે. ત્યારે આ પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં ભાગ લઈને કારીગરો વાર્ષિક રૂ. 15-18 લાખનું વેચાણ કરે છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટાંગલિયા કળાની ઓળખ

આજના સમયમાં ટાંગલિયાના ઉત્પાદનોને દેશ-વિદેશમાં વેચાણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. બેંગ્લોર, ચેન્નાઈ, કોલકાતા, તેમજ વિદેશી બજારોમાં પણ ટાંગલિયાની માંગ વધતી જોવા મળી છે.

ટાંગલિયા: ગુજરાતની ગૌરવશાળી શાન

ગુજરાતના હસ્તકલા વારસામાં ટાંગલિયા કળાએ આગવું સ્થાન મેળવી લીધું છે. સમયને અનુરૂપ ડિઝાઇન ફેરફાર અને નવા પ્લેટફોર્મ દ્વારા વેચાણની તકો વધારવામાં આવી છે.

આ કળાને મળેલો GI ટેગ અને સરકારનો સહયોગ એ દર્શાવે છે કે પ્રાચીન કળાઓને સાચવવા માટે નવી પેઢી અને સરકારની એકતામાં મોટી શક્તિ છે. ટાંગલિયા કળાનું પુનર્જીવિત થવું એ ગુજરાતના કળાક્ષેત્ર માટે એક ગૌરવશાળી સિદ્ધિ છે. તદુપરાંત ગુજરાત ની આ ટાંગલિયા કળા થી વૈશ્વિક ફલક પર સ્થાન મજબૂત બન્યું છે.

 

BY SHWETA BARANDA ON JANUARY 09, 2025

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!