ઠેર ઠેર આ માથાકૂટ
મેઈન્ટેનન્સ બાકી હોય એટલે સોસાયટીનો વહીવટ અટવાય
– સોસાયટીની છાપ અને વાતાવરણ બંને બગાડતા મેઈન્ટેનન્સ વિવાદ
આજના સમયમાં મોટા શહેરોમાં આપણે સભ્ય સમાજના લોકો જે સોસાયટીઓમાં રહીએ છીએ તેમાથી ઘણીખરી સોસાયટીઓ એક યા બીજા કારણોસર વિવાદમાં આવતી રહી છે. જેમાં એક મુખ્ય કારણ મેઈન્ટેનન્સ પણ બની રહે છે. મોટાભાગની સોસાયટીમાં એવા કેટલાય લોકો હોય છે કે જેમણે લાંબા સમયથી સોસાયટીનું મેઈન્ટેનન્સ ભરતા નથી નથી. જેની આડઅસર એ થાય છે કે, સોસાયટીનો વહીવટ સુચારુરૂપથી ચાલતો નથી અને કયારેક કયારેક મૂળભૂત સુવિધાઓ ઉપર પણ કાપ મુકવો પડે છે. આજે ઠેર ઠેર મેઈન્ટેનન્સના કારણે સોસાયટીના જ રહીશો અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. આ વિષય સોસાયટીની છાપ અને વાતાવરણ બંને બગાડી રહ્યા છે. અને જે લોકો મેઈન્ટેનન્સ નથી આપતા તેની સામે સોસાયટી લાચાર બની જાય છે.
– મેઈન્ટેનન્સ ન આપતા બગડતી સોસાયટીની વ્યવસ્થાઓ
મહત્વનું છે કે, ફ્લેટમાં વધારે મકાનો હોવાથી ખર્ચ વિભાજિત થઈ જતા ઘર દીઠ ભારણ ઓછું આવે છે. જયારે ટેનામેન્ટમાં લોકો પર ભારણ વધારે આવે છે. સોસાયટીઓ જૂની થાય ત્યાં પાણી કોર્પોરેશનનું, કોમન લાઇટ કોર્પોરેશન આપે, ફક્ત કચરાના નિકાલ અને ગટર સફાઈ જેવું નાનું-મોટું કામ હોય તેની સામે સોસાયટીની કમિટી વધારે પડતો ફાળો ઉઘરાવે તો વિવાદ થતો હોય છે. રાજ્યમાં એવી કેટલીય સોસાયટીઓ હશે જ્યાં આવી માથાકૂટો ચાલતી હશે. અને ઘણા લોકો સોસાયટી મેઈન્ટેનન્સ ન આપીને સોસાયટીની વ્યવસ્થાઓ બગાડી રહ્યા છે.
– મેન્ટનન્સ લો છો તેની સામે સુવિધા મળતી નથી તેવા બહાના
અમુક સભ્યોનું નકારાત્મક વિચારે છે કે, સોસાયટીની કમિટી શું કરી લેવાની છે? મારી પાસે પૈસા નથી તેવું બહાનું કાઢે છે. આવી પરિસ્થિતિમાં સોસાયટી પાસે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે સોસાયટીની કમિટી પાસે એવી કોઈ સત્તા નથી કે તેઓ ડાયરેક્ટ વસૂલાત કરી શકે. પરિણામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં દાવો કરવો પડે. જ્યાં વકીલની ફી ચૂકવવી પડે, મેન્ટનન્સની નજીવી વસૂલાત સામે સોસાયટી પર મોટું આર્થિક ભારણ આવી શકે છે. ઘણીવાર તો સભાસદો કહે છે કે તમે જેટલું મેન્ટનન્સ લો છો તેની સામે એટલા પ્રમાણમાં સુવિધા મળતી નથી. આવા મુદ્દા ઉઠાવવાનો સભાસદોને અધિકાર ખરો પણ એ સોસાયટીની આંતરિક વ્યવસ્થાનો એક ભાગ હોય તે સામાન્ય સભામાં રજૂ કરી શકે છે. આવી બાબતોને કોર્ટ લઈ જવી અને તેમાં સોસાયટીનું વાતાવરણ બગડે, સભ્યો વચ્ચેના સંબંધો બગડે એ સારી બાબત ન કહેવાય.
– બે પ્રકારે થતું હોય છે સોસાયટીઓનું રજિસ્ટ્રેશન
સામાન્ય રીતે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ-1860 અને ગુજરાત કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એક્ટ-1961 હેઠળ સોસાયટીઓનું રજિસ્ટ્રેશન થતું હોય છે. સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ-1860 હેઠળ સામાન્ય લોકો એક જ પ્રકારના હેતુ અને ઉદ્દેશો સાથે ભેગા મળીને નોંધણી કરાવે છે. જેમાં ફક્ત મંડળી કે ટ્રસ્ટની રચના કરીને નીતિ-નિયમો, બંધારણ ઘડીને ચેરિટી કમિશનરમાં મંજૂરી અર્થે મુકાય છે. પછી તેનું રજિસ્ટ્રેશન થાય છે. જયારે ગુજરાત કો.ઓ. સોસાયટી એક્ટમાં કેટલાક નીતિ-નિયમો છે. જેમ કે હાઉસિંગ સોસાયટી માટે જમીન ખરીદવી, રજાચિઠ્ઠી સહિતની તમામ પ્રક્રિયામાંથી પસાર થઈને તેનું રજિસ્ટ્રેશન થાય છે.
– પાણીનું કનેકશન કાપવું તે ક્રૂરતા ભરી શિક્ષાત્મક કાર્યવાહી
લહેણી નીકળતી રકમની વસૂલાત ના થાય ત્યાં સુધી તે સભાસદ ડિફોલ્ટર કહેવાય છે. આવા સભાસદને સોસાયટીની સવલત મેળવવાનો અધિકાર રહેતો નથી. તે સભ્ય તરીકેના તમામ હક ગુમાવી, સોસાયટીની બાબતોમાં મતદાન પણ કરી શકતો નથી. પાણી જીવન જરૂરી વસ્તુ કહેવાય છે. જેથી પાણીનું કનેકશન કાપી નાખવું એ ક્રૂરતા ભરી શિક્ષાત્મક કાર્યવાહી કહી શકાય. એટલે પાણી કાપવાનો હુ્કમ તો ન થઇ શકે તેમજ સોસાયટી તેવું પગલું ન ભરી શકે.
– સોસાયટી – સભાસદ મળીને વિવાદનું સમાધાન કરે તે વધુ આદર્શ
સોસાયટી અને સભાસદ સાથે મળીને વિવાદનું સમાધાન કરે તે વધુ આદર્શ બાબત છે . સોસાયટીએ નક્કી કરેલું હોય કે હવેના વર્ષથી આપણે પ્રત્યેક સભ્ય દીઠ આટલા રૂપિયા મેન્ટનન્સ ઉઘરાવીશું અને આ રકમ આ તારીખ સુધીમાં જમા કરાવવાની રહેશે. તેવી પરિસ્થિતિમાં સભાસદે જ પોતાની ફરજ અને જવાબદારી સમજીને તે રકમ સોસાયટીમાં ભરી દેવી જોઈએ. પણ જો આવું કોઈ ન કરે તો સોસાયટી એક કે બે રિમાઇન્ડર આપી શકે છે. ક્યારેક સભાસદને ખરેખર આર્થિક મુશ્કેલી પણ હોય શકે છે.
– ધારાશાસ્ત્રીના મતે મેઇન્ટેનન્સ પ્રક્રિયા મરજિયાત
આ બાબતે વડોદરાના ધારાશાસ્ત્રી નરેન્દ્ર મિશ્રાએ મંતવ્ય રજુ કર્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં મેઇન્ટેનન્સ પ્રક્રિયા અનુસરવી મરજિયાત એટલે છે , કારણ કે, આ વિષય સમજૂતી હેઠળ આવે છે. સરકાર દરેક માટે નવા કાનૂન ન બનાવી શકે તેમ આ પ્રક્રિયા માટે પણ કાયદો ન થાય. સોસાયટીમાં એક સભાસદ મેઇન્ટેનન્સ બાબતે વિરોધ કરે તો સોસાયટી લાચાર બને છે. ખરેખર સભાસદોએ હળીમળીને રહેવું જોઈએ. હાલ ઘર દીઠ 50 હજાર વસુલાત કરી તેના વ્યાજથી મેઇન્ટેનર્સ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ , જૂની સોસાયટીમાં આ વિષય ગંભીર બનતો જાય છે. મેઇન્ટેન્સ નહિ આપનાર વ્યક્તિ નાદારી કરે કે મને સોસાયટી ની સુવિધા નથી જોઈતી તમે કઈ ન કરી શકો. અને આવા કિસ્સામાં કોઈ નિયમ પણ નથી. આવી પરિસ્થિતિમાં સભાસદોએ સ્વયં પરિસ્થિતિ સંભાળવી પડશે. તો જ સારી સોસાયટી બનાવી શકીશું. વાત સમજૂતીની હોય તો સભાસદોએ અભિમાન વચ્ચે ન લાવવું જોઈએ.
Be First to Comment