Press "Enter" to skip to content

બે વર્ષમાં 36 કરોડ પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી..!

ગુજરાતમાં ‘ટુરિઝમ’ ટોચ પર..!

 

વાઈબ્રેન્ટ નવરાત્રી 23.12 લાખ,રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ 17.83 પ્રવાસીઓ આવ્યા.ગુજરાતમાં વધતા ટુરિઝમ વચ્ચે ટુરિસ્ટ પેલેસના વિકાસ માટે સરકાર પણ કટિબંધ.

ગુજરાત હવે પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે,ગુજરાતના અનેક ટુરિસ્ટ સ્થાનો જેમાં ધાર્મિક સ્થળો પણ આવી સામેલ છે ત્યાં પ્રવાસીઓની મોટી સંખ્યામાં આવી રહ્યા છે,પ્રવાસીઓને ગુજરાતનું ટુરિઝમ ગમ્યું છે અને એટલે જ તો બે વર્ષમાં 36 કરોડ જેટલા પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હોવાનું જણાવા મળ્યું છે,ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ સમાન રાષ્ટ્રીય પર્યટન દિવસ પહેલા ગુજરાત ટુરિઝમના આ આંકડાઓ સામે આવ્યા છે,જે ખુબ જ આવકારદાયક પણ છે સાથે જ સરકારની પણ જવાબદારી વધારનાર છે,ગુજરાતના ટુરિસ્ટ પ્લેસમાં આવતા યાત્રીઓની સુવિધાઓ માટે સરકાર વધુ ને વધુ સુવિધા ઉભી કરવાની દિશામાં પણ કામ કરી રહી છે.ગુજરાત સરકાર ગુજરાતમાં વધુ ટુરિસ્ટ પ્લેસને વિકસિત કરી પ્રવાસીઓને આવકારવા આતુર છે.આમ બે વર્ષના આંકડાઓ ગુજરાતમાં ‘ટુરિઝમ’ બિઝનેસ માટે પણ શ્રેષ્ઠ છે ત્યારે ગુજરાતમાં ‘ટુરિઝમ’ ટોચ પર એમ કહેવું ભૂલ ભરેલું નથી,ગુજરાતમાં ફરવા માટે આ વર્ષે પણ બોહોળી સંખ્યામાં પ્રવસીઓ આવે તેવી શક્યતા છે.


પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ,ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રત્યન કર્યા હતા.ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2023 માં 17.26 કરોડથી વધુ તેમજ વર્ષ 2024માં18.62 કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પર્યટકો આવ્યા હતા જયારે રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ 17.83 લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે,જયારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 9.29 લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં 5 લાખ તેમજ તરણેત્તર મેળામાં 4 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.

ધોરડો ખાતે ‘રણોત્સવ’ ગ્લોબલ ઇવેન્ટ બની

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ધોરડો ખાતે ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે.એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનું રણ ‘રણોત્સવ’થી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે.યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના પરિણામે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે.

ગુજરાતને નવી ઓળખ મળી ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’

ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે.સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે,જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.આ વર્ષે આયોજિત પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 47 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.જ્યારે ગુજરાતના 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજોએ,એમ કુલ 607 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.

વાઇબ્રન્ટ ગુજરાતની ‘વાઇબ્રન્ટ નવરાત્રી’

રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે ઓળખાતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવ 10 દિવસનો ઉત્સવ છે જ્યાં હજારો ભક્તો દેવી માં અંબાની ભક્તિના પ્રતીક તરીકે પરંપરાગત દાંડિયા અને ગરબા રમે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે 23.12 લાખથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા.

હાફેશ્વર ગામને ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન’નો એવોર્ડ

માં નર્મદા ગુજરાતમાં જ્યાંથી પ્રવેશે છે તે છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-૨૦૨૪’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ અહીં વાર્ષિક એક લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે. હાફેશ્વર ગામને ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન’નો એવોર્ડ મળતા વિશ્વ ફલક પર હવે આ નામ ગુંજતું થયું છે પરિણામે આગામી વર્ષોમાં હાફેશ્વરમાં પણ પ્રવસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શક્યતાઓ વધી છે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!