Press "Enter" to skip to content

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન

સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.

વડોદરા શહેરમાં પીકઅવર્સ દરમ્યાન વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. ટ્રાફિક સરળતા માટે દીર્ઘદ્રષ્ટિનો અભાવ પણ જોવા મળ્યો છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા કેટલાક સર્કલો નાના કરાયા છતાં ઝાઝો ફેર જણાતો નથી. આજે પણ અંડરપાસ સુવિધાયુક્ત બની શક્યા નથી. શહેરના નવા બનેલ બ્રીજોની ડિઝાઇનમાં ખામીની ફરિયાદો પણ મળી છે. જેથી જનતા તંત્રને સવાલ કરી રહી છે કે, ચક્કાજામથી રાહત ક્યારે?

વડોદરા શહેરમાં સવારે અને સાંજે ગણતરીના સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે નાના-મોટા અકસ્માતોની માથાકૂટો જોવા મળી રહી છે. વાહનચાલકોનો કિંમતી સમય વેડફાય રહ્યો છે. સ્માર્ટ સીટી સાથે સુરક્ષા – સુવિધાની વાતો કરતુ તંત્ર દીર્ઘદ્રષ્ટા મહારાજ સયાજીરાવ ગાયકવાડ માફક સમયના વહેણ સાથે જરૂરી બદલાવ કરવામાં નિષ્ફ્ળ નીવડ્યું છે. આજે રસ્તે રખડતા પશુઓ, મુખ્ય માર્ગ પર લારી-ગલ્લાના દબાણ , આડેધડ દોડતા વાહનો જીવનું જોખમ પણ ઉભું કરી રહ્યા છે.

વડોદરા શહેરના અટલબ્રીજ- પંડ્યા બ્રિજ, અક્ષરચોક , મુજમહુડા , એરપોર્ટ, ચાર દરવાજા વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિક સૌથી વધુ રહેતા ટ્રાફિક જામની સમસ્યા થાય છે. પ્રવેશબંધી સમયે પણ ભારદારી વાહનો દોડે છે. ટ્રાફિક માટે મુખ્ય એક કારણ એ છે કે, ચાર રસ્તાઓ પર વાહનચાલકોને ડાબી તરફ વળવા માટે પણ રસ્તા ખુલ્લા મળી રહ્યા નથી. મુખ્ય માર્ગના ચાર રસ્તાઓ પર લારી ગલ્લાના દબાણો છે. કેટલાક ટ્રાફિક જંકશનોમાં સિગ્નલના ટાઇમર બાબતે વિસંગતા જોવા મળી છે. સમસ્યાના નિરાકરણના સ્થાને સ્માર્ટ અથવા AI આધારિત ટ્રાફિક સિગ્નલની માત્ર ચર્ચાઓ છે. ટ્રાફિક પોલીસ – ટ્રાફિક બ્રિગેડના જવાનો સુવિધાના અભાવે જીવના જોખમે ફરજ નીભવતા પણ નજરે ચડે છે.

કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા હોય તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાય તેવું આયોજન થઇ શક્યું નથી. મલ્ટી લેવલ પાર્કિંગની વાહવાહી મેળવી રસ્તા ઉપર જ ફૂટપાથ પહોળા કરી પાર્કિંગ ફાળવી દેતા સમસ્યા વધુ વકરી છે. લાલબાગ , અટલ , ફતેગંજ સહિતના બ્રીજોની ડિઝાઇનમાં ખામીની ફરિયાદો પણ છે. અંડરપાસમાં વરસાદી પાણી ભરાય ત્યારે બૂમ બેરિયર સેન્સર ,સીસીટીવી , પાણી ઉલેચવા પંપ જેવા આયોજન તંત્ર કરી શક્યું નથી.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!