“એક દુનિયા આ પણ” આ બજારનું નામ ‘હાથીખાના‘ કેમ પડ્યું ?
અહીં એક સમયે હાથગાડા ,બળદગાડા ,ઊંટગાડાનું હતું અસ્તિવ. મોલની કોમ્પિટિશનમાં અડીખમ “હાથીખાના બજાર”
વડોદરાના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવતું “હાથીખાના બજાર”
ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ વડોદરા જિલ્લો સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. વડોદરામાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (A.P.M.C) ની સ્થાપના ૧૪ જાન્યુઆરી ૧૯૫૮ ના રોજ થઈ હતી. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (A.P.M.C) વડોદરા જિલ્લામાં સૌથી મોટું બજાર સ્થળ છે. જ્યાં કૃષિ ખાદ્ય પદાર્થોનું વેચાણ સૌથી વધુ થાય છે. APMC એક એવી જગ્યા છે જ્યાં ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદન વેચવા આવે છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વજન, મહત્તમ ભાવ અને રોકડ ચુકવણી મળે છે. આ બજાર સાથે લગભગ ૧૦૪ ગામો જોડાયેલા છે. A.P.M.C માં સયાજીપુરા માર્કેટ યાર્ડ અને હાથીખાના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરના તુલસીવાડી નજીક આવેલ હાથીખાના માર્કેટયાર્ડ વર્ષ 1965થી કાર્યરત છે. જ્યારે એ.પી.એમ.સીની રચના થઈ, તે વખતે આ માર્કેટ યાર્ડ બનાવવમાં આવ્યું હતું. લોકોને એક જ સ્થળે કરિયાણું મળી રહે તે હેતુથી આ બજારનું નિર્માણ કરાયું હતું. ત્યારથી આખા શહેરના વેપારીઓ હાથીખાના માર્કેટ યાર્ડમાં આવીને હોલસેલનો વેપાર કરવા લાગ્યા હતા. હાથીખાના માર્કેટયાર્ડમાં 400 જેટલા વેપારીઓ છે. હાથીખાના માર્કેટયાર્ડમાં તમામ લોકો ખરીદી શકે છે. શહેરમાં આવેલ અસંખ્ય પ્રોવિઝન સ્ટોરના વેપારીઓ પણ આ માર્કેટયાર્ડમાંથી જ ખરીદી કરે છે.
આ બજાર શહેરના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. આ બજારનું નામ ‘હાથીખાના’ કેમ પડ્યું તે અંગે વિવિધ માન્યતાઓ છે. એક માન્યતા મુજબ, આ વિસ્તારમાં પહેલા હાથીઓને રાખવામાં આવતા હતા અને તેથી આ વિસ્તારને હાથીખાના તરીકે ઓળખવામાં આવતો હતો. બીજી માન્યતા મુજબ, આ વિસ્તારમાં હાથી જેટલી મોટી જગ્યામાં અનાજ સંગ્રહ કરવામાં આવતું હતું. સમય જતાં, હાથીખાના બજાર માત્ર અનાજ માટે જ નહીં પરંતુ વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો, મસાલા, સુકા મેવા અને અન્ય દૈનિક જરૂરિયાતની વસ્તુઓ માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આજે, તે વડોદરાનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત બજારોમાંનું એક છે.
હાથીખાના બજાર વડોદરાના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. બજારના કારણે આસપાસ વસતા અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાથીખાના બજારથી શહેર જિલ્લાના સહુ કોઈ વાકેફ છે. આજે મોલની કોમ્પિટિશનમાં પણ વડોદરાવાસીઓ હાથીખાના બજારમાંથી ખરીદીનો આગ્રહ રાખતા હોય છે. અગાઉ આ બજારનો રૂપરંગ કેવો રહ્યો હશે તે જાણવા પણ નવી પેઢીમાં ઉત્સુકતા હોય છે. ત્યારે બજારની કેટલીક યાદો અહીં જીવંત કરવાનો પ્રયાસ કરીશું.
પહેલાના સમયમાં હાથીખાના બજારના દરવાજા રાત્રી થતા જ બંધ થઇ જતા હતા. જેથી ત્યારબાદ બજારની બહાર અન્ય શહેર જિલ્લામાંથી આવનાર વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. બજાર ખુલતાની સાથે જ બજારમાં દોડાદોડી શરુ થઇ જતી હતી. અહીં ટ્રકોમાંથી અનાજ સહિતના સમાન ઉતારવા માટે હમાલી ઓનો પણ એક દશકો રહી ચુક્યો છે. બજારમાં ચીજ- વસ્તુઓની આયાત થયા બાદ નિકાસ માટે તે સમયે વાહનો જવલ્લે જ જોવા મળતા હોય હાથ ગાડા ,બળદ ગાડા અને ઊંટગાડા મારફતે કરિયાણાનો નિકાસ થતો હતો. આજે વાહનોનો ધમધમાટ છે.
પશુના ગળે બાંધેલ ઘંટડીઓના મધુર અવાજ સાથે માથે પાઘડો અને ધોતિયા ઝભ્ભામાં સજ્જ ગાડા હાંકનાર શહેરમાં ગામડાનું સુંદર દ્રશ્ય ઉભું કરતા હતા. અને હા બાળકો ઊંટગાડા અને બળદગાડાની પાછળ ટીંગાઈ છુપી સવારીનો આનંદ માણવાનો અવસર ચુકતા ન હતા. આ અનાજ બજરમાં વર્ષો અગાઉ પશુ બજાર પણ ભરાતું હતું. બકરી , ભેંસ, બળદ , ગધેડા , સહિતના પશુના ખરીદ વેચાણ માટે લોકો અન્ય શહેર જિલ્લામાંથી પણ આવતા હતા. તે સમયે બજારમાં પશુઓની સુવિધા હેતુ પાણીના મોટા હોજ પણ હતા. બજારમાં એક સમયે કેન્ટીનની પણ બોલબાલા હતી.
ખાસ કરીને, હાથીખાના બજારમાં અગાઉ જમીનમાં દાટેલ મોટા પથ્થરો ઠેર ઠેર જોવા મળતા હતા. પરંતુ રસ્તામાં નડતરરૂપ બનતા તેને દૂર કરાયા હતા. બહારથી માત્ર બે ફૂટ જેટલા બહાર દેખાતા આ પથ્થરો જમીનમાં 5 ફૂટ સુધીના હતા. કહેવાય છે કે, હાથી બાંધવા માટે આ પથ્થરોનો ઉપયોગ થતો હતો. બજારના પ્રવેશ દ્વાર નજીકઆવેલ તળાવ હાથી તળાવ તરીકે ઓળખાતું હતું. લોકો માટે પાણીની જરીરિયાતને પહોંચી વળવા આ બજારમાં કૂવાનું પણ અસીત્વ હતું. પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા હતી. બજારની અંદર ગાયકવાડી શાશનના લાકડાના મહેલ જેવા મોટા દરવાજા પણ હતા. બજાર પશુ પક્ષીઓ માટે પણ આશીર્વાદરૂપ છે. અહીં ચણ સરળતાથી મળી રહેતું હોવાથી બજારમાં અને આસપાસ મોટી સંખ્યામાં કબૂતર, પોપટ, જેવા પક્ષીઓનો વસવાટ પણ છે.
BY KALPESH MAKWANA ON JANUARY 22, 2025
Be First to Comment