આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને કવિના શબ્દો થકી પ્રેમ કાવ્ય, વિરહમાં ગઝલ રચાય જાય છે. આજનો દિવસ જીવનમાં કવિતાઓનું મહત્વ સમજાવવા દર વર્ષે ઉજવાય છે.
પ્રાચિન કાળથી કૃષ્ણ ભકિતના મીરાબાઇની ઘણી રચના જોવા મળે છે. પ્રેમ અને સુંદરતાનું વર્ણન કરવા કવિતાથી સારુ માઘ્યમ કોઇ નથી. બધા જ કવિઓએ સ્ત્રીની સુંદરતા, ચહેરા, આંખ, કેશ, હોઠ, ગાલ જેવા વિવિધ અંગોની સુંદરતા પર કવિતા લપ્ત છે. મીરાબાઇની દરેક રચનામાં કૃષ્ણ ભકિત અને પ્રેમ ભકિતના વિવિધ પાસાઓને શબ્દ દેહે શણગાર્યા છે. દરેક કવિ પોતાના મનમાંથી કવિતાનું સર્જન કરીને તેને જન્મ આપે છે.
‘કવિતા’એ હ્રદયની સૌથી સમીપની લાગણી છે
એક પાનામાં વ્યકત કરી ન શકીએ ત્યારે કવિ માત્ર એક બે વાકયોમાં હ્રદય પીગળી જાય તેવા શબ્દોમાં કરી જાય છે. કાવ્ય દ્વારા દેશના દરેક નાગરીકના હૈયામાં દેશભકિતનું નિરુપણ પણ કરી શકાય છે. હ્રદયના ઊંડા ખુણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એક માત્ર સાધન એટલે કવિતા છે. આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં પણ પૃથ્વી પરના દરેક માનવીના મનમાં, આત્મામાં એક સુંદર કવિતા ઝંખે છે. કવિતા આંતરિક શકિત પણ છે, સાથે કવિ તેની રચના દ્વારા અંધારામાંથી પણ અજવાળા તરફનો માર્ગ શોધી લે છે.
વિશ્વ કવિતા દિવસનો ઇતિહાસ :
સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એ 1999 માં તેની 30મી સામાન્ય સભા દરમિયાન 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય કવિતાને સંવાદ, સાંસ્કૃતિક વિવિધતા અને અભિવ્યક્તિના માધ્યમ તરીકે સ્થાપિત કરવાનો હતો. કહેવાય છે કે આ ઉજવણીની શરુઆત વિશ્વમાં પ્રથમવાર પેરીસ શહેરથી કરવામાં આવી હતી.
વિશ્વ કવિતા દિવસ 2025 થીમ :
દર વર્ષે વિશ્વ કવિતા દિવસ પર એક ખાસ થીમ રાખવામાં આવે છે, જે સમાજમાં કવિતાની ભૂમિકાને વધુ સુસંગત બનાવે છે. 2025 ની થીમ છે: “શાંતિ અને સમાવેશ માટે સેતુ તરીકે કવિતા”. આ થીમનો હેતુ કવિતા દ્વારા શાંતિ, સંવાદિતા અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે, વિશ્વભરમાં કવિ સંમેલન, સાહિત્યિક પરિસંવાદો અને કવિતા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. મહત્વનું છે કે કવિતા એ વિશ્વભરમાં લાગણીઓ, વિચારો અને સામાજિક મુદ્દાઓને વ્યક્ત કરવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે. તે સાહિત્યિક વારસાને સાચવવામાં અને તેને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
વિશ્વ કવિતા દિવસનું મહત્વ:
આ દિવસ ભાષાકીય વિવિધતાની ઉજવણી છે અને વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓમાં લખાયેલી કવિતાઓને પ્રોત્સાહન આપવા માટે સેવા આપે છે. ઉપરાંત, કવિતાઓ સામાજિક મુદ્દાઓ, માનવ અધિકારો, પર્યાવરણ, શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિવસ નવા અને યુવા કવિઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે.
વિશ્વ કવિતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
વિશ્વ કવિતા દિવસ પર વિવિધ દેશોમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં કવિ સંમેલન અને સાહિત્યિક પરિસંવાદો, શાળાઓ અને કોલેજોમાં કવિતા પઠન સ્પર્ધાઓ, ઓનલાઈન કવિતા વેબિનારનું આયોજન કરવામાં આવે છે.
BY SHWETA BARANDA ON MARCH 21, 2025
Be First to Comment