ઈ-સાક્ષ્ય એપ્લિકેશન: ગુનાની તપાસ હવે સીધી કોર્ટમાં.
સામાન્ય રીતે કોઈ પણ ગુનો બને ત્યારે સંબંધિત પોલીસ સ્ટાફ દ્વારા બનાવના સ્થળ પર જેતે બનાવનું પંચનામું કરવાનું હોય છે. ઘણાં કેસમાં પંચનામાના સાક્ષીઓ અદાલતમાં નિવેદન બદલાવી પણ નાંખતા હોય છે અથવા પંચ સાવ ફરી પણ જતાં હોય છે. જેથી આ બધી બાબતો ટાળવા સરકારે ઈ- પંચનામાની વ્યવસ્થા કરતા તેનો ઉપયોગ શરુ થઇ ગયો છે. જો કે, હજુ પણ કેટલાક કિસ્સામાં નવા નિયમના અમલીકરણમાં ઢીલાશ હોવાની રાવ છે.
નવા ફોજદારી કાયદા હેઠળ ભારતીય ન્યાય સંહિતામાં ટેક્નોલોજી અને તેના ઉપયોગ પર વિશેષ ભાર મુકાયો છે. પ્રાથમિક તપાસથી લઈને વિચારણા, ટ્રાયલ સુધી તમામ ચરણોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાયદાકીય પ્રક્રિયા અને તપાસમાં પારદર્શિતાના મામલે મહત્ત્વપૂર્ણ અને મોટો બદલાવ કહી શકાય તેમ છે. ભારત સરકારે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કર્યા બાદ ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.
જેથી હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન અમલી બની છે. તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા હોય તેવા પોલીસ અધિકારીઓની તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થઈ જાય છે.
ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન દ્વારા પોલીસ કર્મચારીએ ફરિયાદીનો ફોટોગ્રાફ, પોતાની સેલ્ફી, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે. ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઈ-સાક્ષ્ય એપમાં અપલોડ કરવાનું જુલાઈ મહિનાથી ફરજિયાત થયું છે.
મહત્વુંનું છે કે, ઍપ્લિકેશન થકી પોલીસને ઈ-સાક્ષ્ય પંચનામું કર્યાનું પ્રમાણપત્ર ઓનલાઇન જ મળી રહે છે. આ દરમ્યાન પોલીસને આ ઈ-સાક્ષ્ય પંચનામાની ત્રણ સીડી અથવા તો 3 પેનડ્રાઇવ તૈયાર કરવા પડે છે. અને 48 કલાકમાં જ આ સીડી કે પેનડ્રાઇવને મૂળ પંચોની રૂબરૂમાં જ સીલ કરીને કોર્ટમાં રજૂ કરવાનું રહે છે. જયારે બીજી પેનડ્રાઇવ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવાની રહે છે. અને રાજ્યના પોલીસ સ્ટેશનોમાં તેનું અમલીકરણ પણ થઇ રહ્યું છે.
એપનો ઉદ્દેશ્ય અલગ અલગ રાજ્યોમાં તપાસમાં એકરૂપતા સાથે દોષિત ઠરવાનો દર વધવાની અપેક્ષા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા દરેક ફોજદારી કેસમાં શોધ અને જપ્તીનું ફરજિયાત ઑડિયોવિઝ્યુઅલ રેકોર્ડિંગ ફરજિયાત કરે છે અને એવા કેસમાં ફરજિયાત ફોરેન્સિક તપાસ ફરજિયાત કરે છે જ્યાં ગુનો સાત વર્ષ કે તેથી વધુની સજાનો હોય છે.
BY KALPESH MAKWANA ON DECEMBER 25, 2024
Be First to Comment