Press "Enter" to skip to content

ચૂંટણી સૂત્રો-પ્રચાર પણ કરે અને સત્તા પણ અપાવે

An article by Kalpesh Makwana

 


ગુજરાત વિધાનસભાની આજે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કામોને બ્રેક લાગી ચૂકી છે. હવે પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળશે. જનતાને મનાવવા નેતાઓ સભાઓ ગજવશે. આ દરમિયાન ચૂંટણી સ્લોગન પ્રચાર પ્રસારમાં ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે ત્યારે ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી સ્લોગનમાં ફેરફાર કર્યો છે. ચૂંટણી સમયે કોઇપણ રાજકીય પક્ષ માટે મતદારોને સરળતાથી પક્ષની છબી અને કામગીરી કેવી છે કે રહેશે તે માટે સૂત્રો અનિવાર્ય થઇ પડે છે. પક્ષો ચૂંટણી ઢંઢેરા જાહેર કરે, વાયદા-વચનો આપે, મોટી જાહેરાતો કરે કે લાંબા ભાષણો કરે તેને એક જ વાક્યમાં ગળે ઉતારી શકે તેવા સૂત્ર મળી જાય તો નેતાઓનું અડધું કામ સરળ થઇ જાય છે. તેમાં પણ જો સોશિયલ મીડિયા દ્વારા તેને વેગ મળી જાય તો આપમેળે પ્રચારનું કામ પણ થઇ જાય છે. ભૂતકાળમાં સૂત્રોએ સત્તા અપાવી અને સત્તા મળતા ગૂમાવીના દાખલા પણ ગુજરાતમાં છે. સોશિયલ મીડિયાના ઉદય પછી દુનિયાભરમાં ચૂંટણી પ્રચારની પદ્ધતિ અને માપદંડોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. હવે તો સૂત્રો અને નારાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં જોરશોરથી અભિયાન કરવા પ્રોફેશનલ્સની પણ નિમણૂક કરવામાં આવે છે. આ માટે રાજકીય પક્ષો   જંગી ખર્ચ કરે છે. આ પાછળનો તેમનો હેતુ એ હોય છે કે, તેમના મુદ્દા સહેલાઈથી લોકમુખે ચઢી જાય. અત્યાર સુધીની   ચૂંટણીઓમાં ઘણાં એવા નારા ગુંજી ચૂક્યા જે સત્તા પરિવર્તનના વાહક બન્યા હોય. જો કે આ વખતે કયો નારો કે સૂત્ર કોની ‘નૈયા પાર’ કરાવશે એ જોવું રસપ્રદ રહેશે.

 ‘નારા-સૂત્રો’ એ લોકોનો ઉત્સાહ વધારવા સાથે નેતાઓની કિસ્મત પણ બદલી છે

દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ચુંટણી એ કોઈપણ તહેવારથી ઓછી નથી હોતી. ચૂંટણી દરમિયાન જોશ વધારવા માટે સૂત્રો અને નારાઓની મહત્વની ભૂમિકા રહી છે. તેના વગર રાજકારણ અને ચૂંટણીની કલ્પના કરવી શક્ય જ નથી. નારા લોકોનો જોશ વધારવાની  સાથે-સાથે નેતાઓ અને તેમના મુદ્દાઓને સાબિત કરવાનું કાર્ય પણ કરે છે. અને આજ નારાઓએ  ચૂંટણીઓમાં ભલભલાની કિસ્મત બદલી છે. ભારતની ચૂંટણીઓમાં નારા અને સૂત્રોનો સુવર્ણ ઈતિહાસ રહ્યો છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષના કાર્યકરો જ નહીં, સામાન્ય લોકોનો ઉત્સાહ વધારવા પણ નારા-સૂત્રો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લોકસભા, વિધાનસભા તો ઠીક સ્થાનિક અને પંચાયત ચૂંટણીઓમાં મુદ્દા આધારિત નારા કે સૂત્રોએ ચૂંટણીની બાજી પલટી નાંખ્યાના કિસ્સા મોજુદ છે. નારા અને સૂત્રો રાજકીય પક્ષો અને નેતાઓના મુદ્દા સાબિત કરવાનું પણ કામ પણ સરળતાથી કરે છે.

ચૂંટણી ઢંઢેરા કે નેતાઓના લાંબા ભાષણો કરતા મતદારોને ગળે ઉતરે તેવું સૂત્ર વધુ મહત્ત્વનું

હાલમાં જ દેશભરના ભાજપ નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના નામની સાથે ‘મોદી કા પરિવાર’ એવું સૂત્ર જોડી દીધું છે.  રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘કોણ છે નરેન્દ્ર મોદી, શું ચીજ છે મોદી? આ મોદી આજકાલ પરિવારવાદ પર પ્રહારો કરી રહ્યા છે. અરે ભાઈ, તમે કહો કે તમારા પરિવારમાં કેમ કોઈ સંતાન નથી? વધુ સંતાનો હોય એમને કહો છો કે, પરિવારવાદ કરો છો. તમારી પાસે પરિવાર નથી. આ વાતનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા વિપક્ષી ગઠબંધનના નેતાઓ પરેશાન છે. હું તેમના પરિવારવાદ સામે સવાલ ઉઠાવું છું, તો તેમણે હવે બોલવાનું શરૂ કર્યું છે કે મોદીનો કોઈ પરિવાર જ નથી. હું કહેવા માંગુ છું કે, 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તેઓ પણ મોદીના જ છે અને મોદી તેમનો છે. દેશની કરોડો પુત્રીઓ-માતાઓ મોદીનો પરિવાર છે. મારું ભારત, મારો પરિવાર છે.’ બસ, આ સાથે જ ભાજપે ‘મોદી કા પરિવાર’ અભિયાન શરૂ કરી દીધું. ચૂંટણીઓમાં નેતાઓની સામસામી નિવેદનબાજીથી કોને ક્યારે લાભ થાય તે કળવું મુશ્કેલ છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર ચોર હૈ’ અભિયાન શરૂ કર્યું હતું, જેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હા, મેં હુ ચોકીદાર’ કહીને ‘મેં હું ચોકીદાર’ સૂત્ર આપ્યું હતું. એ ચૂંટણીમાં કોંગ્રેસે ‘મોદી હટાવો, દેશ બચાવો’નું પણ સૂત્ર આપ્યું હતું, જ્યારે ભાજપે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ સૂત્ર થકી જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારના નારા છવાયેલા રહ્યા હતા. છેવટે એ ચૂંટણીમાં ભાજપે 303 બેઠક પર ભવ્ય વિજય મેળવીને સરકાર બનાવી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં ‘અચ્છે દિન આનેવાલે હૈ…’ વાત પર ભાર મૂકીને ‘અચ્છે દિન’ સૂત્ર આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીને જ ચૂંટણી ચહેરો બનાવીને ભાજપે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ અને ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ સૂત્રો પણ આપ્યા હતા. ૨૦૦૭માં કોંગ્રેસના સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે ચૂંટણી સભામાં મોત કા સોદાગર શબ્દ વાપર્યો તેનો જ ઉપયોગ કરીને મોદીએ ચૂંટણી સભામાં પોતાના માટે હમદર્દી તરીકે વાપરીને ભાજપ માટે મતમાં પરિવર્તિત કરી દીધો હતો. કોંગ્રેસની એ ઐતિહાસિક ભૂલ ગણાય છે જેના કારણે મોદી હિન્દુ મતદારોમાં વધુ સ્થાપિત થયા હતા. તે પછી અનેક સૂત્રો ચૂંટણીમાં વપરાયા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપના પ્રચારના પાયા સમાન વિકાસ શબ્દની ઠેકડી ઉડાવતા સૂત્ર ‘વિકાસ ગાંડો થયો છે’ મતદારો સુધી બરાબર પહોંચ્યું હતું. જેનો પ્રતિકાર કરતા ભાજપને ફાંફા પડી ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ સૂત્રએ ધૂમ મચાવી હતી. ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ દ્વારા પહેલા ‘ભરોસાની ભાજપ સરકાર’ એવું સૂત્ર વહેતું કરાયું હતું પરંતુ મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ભાજપનો ભરોસાનો પુલ તૂટ્યો તેમ કહીને સોશિયલ મીડિયામાં ધોલાઇ થઇ હતી. કોંગ્રેસ તેનો લાભ ઉઠાવે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ આ ગુજરાત મેં બનાવ્યું છે’ તેમ કહીને નવું સૂત્ર આપી દીધું હતું. આ ગુજરાત અમે બનાવ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે તેને ભાજપ દ્વારા પ્રચારમાં સૂત્ર તરીકે લોન્ચિંગ પણ કરાવી દેવાયું હતું . તો કોંગ્રેસે પણ ‘કોંગ્રેસનું કામ બોલે છે’ તેમ કહીને ચૂંટણી પ્રચારમાં વળતો જવાબ આપ્યો હતો . આપ દ્વારા પરિવર્તન અને ચૂંટણી પ્રતિક ઝાડુ થકી જ આગળ વધવા ભરપૂર પ્રયાસ કરાઇ રહ્યો છે. તેની સામે આપ જીતે તો શું કરશે તેની ગેરંટીઓને ભાજપ દ્વારા મફતની રેવડી તરીકે ખપાવીને લોકોને ગળે ઉતારવામાં ભરપૂર પ્રયાસ ચાલી રહ્યા છે.

રાજકીય પક્ષના કાર્યકરો જ નહીં, સામાન્ય લોકોમાં પણ નારા-સૂત્રોની  મહત્ત્વની ભૂમિકા

વર્ષ 2009માં   કોંગ્રેસે ‘સ્લમડોગ મિલિયોનેર’ નામની ફિલ્મના   જાણીતા ગીત પરથી ‘જય હો’ એન્થમ બનાવ્યું હતું, તો સામે ભાજપે ‘કુશલ નેતા’ અભિયાન શરૂ કર્યું હતું. એ ચૂંટણીમાં કોંગ્રેસે 206 અને ભાજપે 116 બેઠક જીતી હતી. એ વર્ષે કોંગ્રેસે અન્ય પક્ષોને સાધીને 322 બેઠક સાથે ગઠબંધન સરકાર બનાવી હતી.વર્ષ  2004માં ભાજપે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ‘ઈન્ડિયા શાઇનિંગ’ સૂત્ર આપ્યું હતું.  જો કે એ ચૂંટણીમાં કોંગ્રેસે 145 અને ભાજપે 138 બેઠક જીતી હતી.  ભાજપે 1996માં અટલ બિહારી વાજપેયીને ચૂંટણી ચહેરો બનાવીને ‘સબ કો દેખા બારી બારી અબ કી બારી અટલ બિહારી’ નારો આપ્યો હતો અને પોતાને એક મોટા રાજકીય પક્ષ તરીકે રજૂ કર્યો હતો. આ નારા સાથે ભાજપે સરકારની રચના કરી અને વાજપેયી વડાપ્રધાન પણ બન્યા, જે સરકાર ફક્ત 13 દિવસ ટકી શકી હતી. આઝાદી પછી કોંગ્રેસ ઘણાં લાંબા સમય સુધી સત્તામાં રહી. આ દરમિયાન વિપક્ષના એકંદરે અભાવના કારણે કોંગ્રેસે કોઈ નારા પર ખાસ ભાર નહોતો મૂક્યો, પરંતુ કોંગ્રેસને પડકાર મળ્યા બાદ ‘ગરીબી હટાવો’નું સૂત્ર આપ્યું. વર્ષ 1971માં આ સૂત્ર થકી ઈન્દિરા ગાંધી સત્તા મેળવીને દેશના પહેલા મહિલા વડાં પ્રધાન બન્યાં. એ પહેલા 1965માં ભારત ચીન યુદ્ધમાં સૈન્યનું મનોબળ વધારવા લાલ બહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન જય કિસાન’નો નારો આપ્યો હતો.

error: Content is protected !!