શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ
શિયાળો એટલે આખા વર્ષ ની તાજગી ને પોતાનામાં સમાઈ લેવાની ઋતુ. કારણ કે શિયાળા માં કરેલી કસરત તેમજ આ ઋતુ દરમ્યાન ખાધેલું ખાનપાન વર્ષ દરમ્યાન શક્તિ થી ભરપૂર રાખે છે. જો કે એના માટે ની શરત છે કે તમારે વહેલી સવારે ઊઠવું પડશે , કસરત કરવી પડશે અને ના ગમતું પણ ખાવું પડશે.
જો કે શિયાળો એવી રીતે ઋતુ છે કે સવારે ઊઠવામાં આળસ ઘણી આવતી હોય છે. રાત્રે ભલે ગમે તેટલું પ્રણ લઈ ને સૂતા હોય પણ સવાર થતાં જ એટલી મીઠી નિંદર આવતી હોય છે કે બસ સમય અહી જ રોકાઈ જાય છે બસ પથારી ન છોડીએ તેવું વિચારતા હોઇએ છીએ. કોઇ ઊઠવાનું કહે તો તરત આળસ આવી જાય છે કારણ પથારીમાંથી ઊઠવાની ઈચ્છા જ થતી નથી. બસ પાંચ મિનિટ, પાંચ મિનિટ કરીને અડધો કલાક નીકળી જાય અને પછી રોજિંદાકાર્ય માટે ઉતાવળ કરવી પડે છે.
એક તો અધૂરી ઊંઘ અને તેમાં વળી કામનો બોજ બસ થઇ રહ્યું, સમગ્ર દિવસ દરમિયાન શરીરમાંથી સ્ફૂર્તિ ગાયબ થઇ જાય છે. આમાંથી બચવાનો એકદમ સરળ ઉપાય છે થોડા વહેલાં ઊઠીને કસરત કરો જેનાથી શરીરમાંથી આળસ ગાયબ થઇ જાય છે. આમ પણ શિયાળામાં સ્વાસ્થ્ય જાળવવા લોકો અવનવા નુસખા કરે છે. સારું સ્વાસ્થ્ય બનાવવા લોકો વિવિધપ્રકારનાં રસ, વસાણા અને અડદિયું,મેથી પાક, ખજૂર પાક વગેરેનું સેવન કરે છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો સમગ્ર વર્ષ સારૂ રહે છે.
આમ તો શહેરમાં પહેલાં જેવી ઠંડી પડતી નથી. પણ તેમ છતાં ઠંડીની ઋતુનો અનુભવ તો જરૂર થાય છે. તેવા સમયે લોકો સ્વાસ્થ બનાવવાનો મોકો ચૂકતા નથી. જેમાં સૌથી જરૂરી છે યોગ્ય આહાર. શિયાળામાં લીલાં શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે જેથી તેનો ઉપયોગ કરી તંદુરસ્તી ની કાળજી રાખી શકાય છે. આજના અતિ ફાસ્ટ યુગમાં આમ પણ ઘણીવાર લોકો પાસે ખાસ સમય નથી હોતો. તેમ છતાં શિયાળામાં ગમે ત્યાંથી સમય કાઢીને કસરત કરતા જોવા મળે છે. જ્યારે સ્વાસ્થ્ય બનાવવા માટે આપણે જે પ્રકારનાં પાકો ખાઇએ છીએ તેમાં વધુ પ્રમાણમાં ચરબી હોય છે. તેવા સમયે કસરત પણ જરૂરી બની જાય છે.
શિયાળામાં ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. એક તો ભૂખ, બીજુ સ્કીન અને ત્રીજુ કસરત. આમ પણ શિયાળામાં ભૂખ વધુ લાગે છે જેના કારણે કસરત કરવી હિતાવહ છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કસરત કરવી હિતાવહ છે. જો કે ઘણા લોકો ફક્ત શિયાળામાં જ કસરત કરે છે. ત્યાર પછી ઘણાં લોકો કસરત છોડી દે છે.
મહત્વનું છે કે શિયાળામાં ભૂખ વધુ લાગે છે જેના કારણે ખોરાક વધુ પ્રમાણમાં લેવાય છે ત્યારે કસરત દ્વારા આપણે ફરીથી વધતી ચરબીને ઓછી કરી શકીએ છીએ. જેના કારણે લીલાં શાકભાજી અને ફ્રૂટ જેવો ન્યૂટ્રિશિયસ ખોરાક લેવો જોઇએ. આમ પણ શિયાળમાં લીલાં શાકભાજી અને ફ્રૂટ આસાનીથી મળી રહે છે. અને એકંદરે સસ્તા પણ હોય છે . તો રોજ ફ્રૂટ અને લીલા શાકભાજી સેવન કરવું જોઈએ. જેથી કરી આખું વરસ તમે ચાર્જ રહી શકો અને સ્ફુરતીલા અનુભવી શકો.
By Shweta Baranda on December 19, 2024